મુસાફરો માટે આવ્યા રાહતના સમાચાર, સુરત રેલવે સ્ટેશનના બંધ કરાયેલા પ્લેટફોર્મ 2 અને 3 ફરી ધમધમતા થયા
Surat Railway station: થોડા મહિનાઓ અગાઉ સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર કોનકોર્સનું કામ પૂરું થતા જ 201 ટ્રેનમાંથી 115 ટ્રેન મંગળવારથી ફરી રેલવે સ્ટેશન પરથી દોડવા લાગી છે. પહેલા દિવસે સુરત રેલવે સ્ટેશન પર સ્થિતિ સામાન્ય રહી. તંત્ર દ્વારા સ્ટેશન પર ટ્રેનોને લઈને સતત અનાઉન્સ્મેન્ટ કરવામાં આવી રહ્યું હતું, જેથી મુસાફરોને રાહત અનુભવાઈ હતી.
8 જાન્યુઆરીથી 31 માર્ચ સુધી રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ 2 અને 3 પર કોનકોર્સનું કામ ચાલી રહ્યું હતું. જેના કારણે 201 જેટલી ટ્રેનોને અસ્થાયી રૂપે ઉધના સ્ટેશને ખસેડવામાં આવી હતી. જેને કારણે ઉધના રેલવે સ્ટેશન પર રોજ લગભગ 80,000 જેટલા મુસાફરો વધી ગયા હતા. હવે તંત્રએ સુરત પ્લેટફોર્મ નંબર 2 અને 3નું કામ યુદ્ધના ધોરણે કામ પૂર્ણ કરી દીધું છે, જેથી મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો છે. સુરત રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 2 અને 3 ચાલૂ થઈ જતા ઉધના રેલવે સ્ટેશન પર લગભગ 50 ટકાનો ઘટાડો નોંધાયો હતો, જેથી ઉધના રેલવે સ્ટેશન સૂમસામ જોવા મળ્યું હતું.
સુરત રેલવે સ્ટેશનના ફરી શરૂ કરાયેલા પ્લેટફોર્મ નંબર 2 અને 3 પર ઘણી સુવિધાઓમાં વધારો કરવામાં આવ્યો છે, જેમાં મુસાફરોને બેસવા માટે 250 થી 300 જેટલી બેન્ચ, 12 પાતરાના શેડ, પંખા, પાણીની પરબ તેમજ શૌચાલયની સંખ્યા વધારીને 2 કરવામાં આવી છે. સાથે સાથે જ CCTV કેમેરા પણ લગાવી દેવામાં આવ્યા છે. સુરત રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4 તરફની બંધ લિફ્ટ ફરી ચાલુ કરી દીધી છે. આ સાથે જ રેલવે સ્ટેશન પર પોલીસ અને રેલવેના કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp