MGNREGA કૌભાંડ: મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત અને TDO દર્શન પટેલની ધરપકડ
ગુજરાતમાં મનરેગા કૌભાંડ (MGNREGA Scam)માં ધરપકડનો સિલસિલો શરૂ થયો છે. જેમાં દાહોદમાં MGNREGAમાં થયેલા 71 કરોડના કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના પુત્ર બળવંત ખાબડની પોલીસે મોડી રાત્રે ધરપકડ કરી હતી. આ કેસમાં તત્કાલિન TDO દર્શન પટેલની પણ ધરપકડ કરવામાં આવી છે. વર્ષ 2021-2025માં MGNREGA હેઠળ દેખાડવા પૂરતું કામ કરવામાં આવ્યું હતું આ કામોમાં ગેરરીતિ સામે આવતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ પોલીસે હવે આરોપીઓની ધરપકડ શરૂ કરી છે.
આ કૌભાંડમાં મંત્રી બચુ ખાબડના બંને પુત્રો બળવંત અને કિરણ ખાબડની સીધી સંડોવણી સામે આવી છે. બળવંત ખાબડની 16 મેના રોજ ધરપકડ કરવામાં આવી, જ્યારે કિરણ ખાબડ ભૂગર્ભમાં ઉતારી ગયો છે. બંનેએ ધરપકડથી બચવા 9 મે, 2025ના રોજ દાહોદ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી, પરંતુ તે પરત ખેંચી લેવામાં આવી હતી. આ ઉપરાંત, તત્કાલીન TDO દર્શન પટેલની પણ ધરપકડ થઈ છે, જેમણે અધૂરા પ્રોજેક્ટ્સને પૂરા થયેલા દર્શાવી ચૂકવણીઓ મંજૂર કરી. અગાઉ, દેવગઢ બારીયના MGNREGA એકાઉન્ટન્ટ્સ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ, તેમજ ગ્રામ રોજગાર સેવકો ફુલસિંહ બારીય અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ થઈ ચૂકી છે. આ ચારેય હાલ ન્યાયિક કસ્ટડીમાં છે.
નોંધનીય છે કે, દાહોદ જિલ્લામાં MGNREGA યોજનામાં રૂપિયા 71 કરોડની કથિત ગેરરીતિ થઈ હોવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. આ મામલે પોલીસે 4 વ્યક્તિઓની ધરપકડ કરી હતી; પરંતુ જેમ-જેમ આ કેસની તપાસ આગળ વધી રહી છે તેમ-તેમ મોટા માથાઓની સંડોવણી સામે આવી. દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકાના માત્ર 3 ગામોમાં MGNREGA યોજનાનું મોટુ કૌભાંડ સામે આવ્યુ છે. જેમાં વર્ષ 2021-2024 સુધી MGNREGA યોજનામાં L1 તરીકે અધિકૃત ન હોય તેવી એજન્સીઓને છેલ્લા 3 વર્ષમાં 70 કરોડ રૂપિયાનું ચુકવણી કરી દેવામાં આવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. સરકારી અધિકારી, કોન્ટ્રાક્ટ આધારિત કર્મચારીઓ અને એજન્સીઓની મિલિભગતથી આ કૌભાંડ આચરવામાં આવ્યું હતુ. ત્યારે આ મામલે દાહોદના DRDA નિયામકે પોલીસ ફરિયાદ નોંધાવતાં દાહોદ જિલ્લામાં ખળભળાટ મચી ગયો હતો.
દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક બી.એ પટેલે B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, જિલ્લા પંચાયત તરફથી MGNREGAના કામોમાં તપાસના આદેશ મળતા દેવગઢ બારિયા તાલુકાના કૂવા, રેઢાણા અને ધાનપુર તાલુકાના સીમામોઇ ગામે તપાસ કરવામાં આવી હતી. ત્યારે આ તપાસ દરમિયાન સ્થળ તપાસણીમાં કેટલાંક કામો અપૂર્ણ જોવા મળ્યા હતાં. દેવગઢ બારિયા તાલુકાના બે ગામોમાં કરાયેલા કામોમાં 28 એન્જન્સીને 60,90,17331 રૂપિયા જ્યારે ધાનપુર તાલુાકામાં કરાયેલ કામોમાં 7 અનધિકૃત એજન્સીને 10,10,02,818 રૂપિયા વર્ષ 2021થી 24 દરમિયાન ખોટી રીતે ચૂકવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.
પોલીસે આ મામલે ગુનો દાખલ કરીને આ મામલામાં 4 કર્મચારની ઘરપકડ કરવામાં આવી હતી. પોલીસે આ કૌભાંડમા દેવગઢ બારીયાના MGNREGAના એકાઉન્ટન્ટ જયવીર નાગોરી અને મહિપાલસિંહ ચૌહાણ અને ગ્રામ રોજગાર સેવક ફુલસિંહ બારીઆ અને મંગળસિંહ પટેલીયાની ધરપકડ કરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp