GMC Negligence Death: ગાંધીનગરમાં ઓછા વરસાદમાં ઠેર-ઠેર પડેલા ખાડાઓ અને ભુવાઓએ ગાંધીનગર મહાનગર પાલિકાની કામગીરીની પોલ ખોલી નાખેલી. જોકે, હવે મહાનગરપાલિકાની બેદરકારીના કારણે 7 વર્ષીય બાળકે જીવ ગુમાવવો પડ્યો છે. ગઇકાલે શહેરના સેક્ટર-1માં રમતા રમતા એક છોકરો નિર્માણાધીન આર્ટિફિશિયલ તળાવમાં પડી ગયો હતો, જેનો આજે મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે.
હાલમાં જ ગાંધીનગરની કથળેલી સ્થિતિ જોઈને GMC તેમજ પાટનગર યોજના વિભાગના અધિકારીઓને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આડેહાથ લીધા હતા. ત્યારબાદ બીજા દિવસે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તેમજ પદાધિકારીઓ સાથે બેઠક બોલાવીને પરિસ્થિતિ સુધારવા માટે સૂચનાઓ આપી હતી, તેમ છતા તંત્રએ ઘોર બેદરકારીનો પરિચય કરાવી દીધો. આ ઘટનાથી સવાલ એ પણ ઊભો થાય છે કે કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ અને રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીની વાત પણ અધિકારીઓ નજરઅંદાજ કરી રહ્યા છે કે શું?
ગાંધીનગરના સેક્ટર-1માં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની ખાનગી એજન્સી દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ આર્ટિફિશિયલ તળાવ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સેક્ટર-1માં રહેતો 7 વર્ષીય કુલદીપ ગફુરભાઈ ભરવાડ નામનો બાળક આ તળાવમાં પડી જતા કરુણ મોત નીપજ્યું છે.
આ મામલે ગાંધીનગર મેયર મીરાબેન પટેલે કાઢતા દુઃખ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સંબંધિત ઘટનાની તપાસ કરવામાં આવશે અને જવાબદાર ખાનગી એજન્સી સામે જરૂર જણાશે તો કાર્યવાહી પણ કરવામાં આવશે. તો ગાંધીનગર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે જણાવ્યું હતું કે, સેક્ટર-1માં તળાવ બનાવવામાં આવ્યું છે. અહીં જરૂરી સિક્યુરિટી તેમજ બેરિકેડિંગ પણ કરવામાં આવ્યા છે, થોડા દિવસો અગાઉ પણ બાળકો અહીં રમતા હોવાથી તેમને દૂર ખસેડવામાં આવ્યા હતા.
તળાવમાં તપાસ કરતા મૃતદેહ મળ્યો
મૃતક કુલદીપના કાકા વિષ્ણુભાઈ ભરવાડે જણાવ્યું હતું કે, મારા મોટાભાઈનું અગાઉ નિધન થઈ ગયું છે, મારા ભાભી તેમજ 2 બાળકો સેક્ટર-1માં સર્વન્ટ ક્વાર્ટર્સમાં રહે છે. ગઈકાલે સોમવારે કુલદીપ કાયમની જેમ ઘરેથી મિત્રો સાથે રમવા ગયો હતો. કુલદીપ ઘરેથી લગભગ 4:30 વાગ્યાની આસપાસ નીકળ્યો હતો, પરંતુ મોડી સાંજ થઇ ગઇ છતા તે પાછો ન આવતા પરિવારજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી, પરંતુ તેની ક્યાંય ભાળ ન મળી. મોડી રાત થઈ ગઈ હતી, છતા કુલદીપનો ક્યાંય અતોપતો ન મળતા આખરે સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં કુલદીપ ગુમ થયો હોવાની જાણવાજોગ ફરિયાદ કરી હતી અને આખી રાત આસપાસના વિસ્તારમાં શોધખોળ હાથ ધરી કરી હતી.
આ દરમિયાન આજે તેની સાથે રમી રહેલા બાળકોની પૂછપરછ કરતા કુલદીપ તળાવ તરફ રમતો હોવાનું જાણવા મળ્યું હતું, જેથી તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરતા 7 વર્ષીય કુલદીપ ભરવાડ મૃત હાલતમાં મળી આવ્યો હતો.
રાજ્યમાં 24 કલાકમાં જીવલેણ ખાડાએ 3 લોકોનો ભોગ લીધો છે. 6 દિવસમાં જીવલેણ ખાડાએ 4 નિર્દોષોનો ભોગ લીધો છે. તંત્રની બેદરકારીએ નિર્દોષોના ભોગ લીધા છે. વલસાડ, બનાસકાંઠા, ગાંધીનગરમાં જીવલેણ ખાડાથી મોત થયા છે. 26મી જૂને અમદાવાદના ઓઢવમાં પણ ખાડામાં પડવાથી એકનું મોત થયું હતું.