Himachal Pradesh Cloud Burst: હિમાચલ પ્રદેશના મંડીમાં વાદળ ફાટ્યા બાદ ઠેર-ઠેર તબાહીના દૃશ્યો જોવા મળ્યા. લગભગ 800 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે. મંડીના કારસોગ અને ધરમપુરમાં વાદળ ફાટ્યા બાદ 4 લોકોના મોત થયા છે અને 16 લોકો ગુમ છે. તો, 117 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રસ્તાઓ, પુલ, ઘર વહી ગયા છે અને હજી આ વિનાશક વરસાદ બંધ થયો નથી.
આ ઘટનામાં 18 ઘરોને નુકસાન થયું છે, 12 ગૌશાળા અને 30 પશુઓ વહી ગયા છે. આ આંકડો બપોરે 1:00 વાગ્યા સુધીનો છે. મંડી જિલ્લામાં ઘણી જગ્યાએ વાદળ ફાટવાની ઘટનાઓ બની છે. ગોહર વિસ્તારમાં 4 સ્થળોએ વાદળ ફાટ્યા, જેમાં 2 ઘરો પડી ગયા હતા. ઘણા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા, પરંતુ ઘણા લોકો હજુ પણ ગુમ હોવાના અહેવાલ છે. જ્યારે ધરમપુરમાં વાદળ ફાટ્યા ત્યારે 6 ઘરો પૂરમાં ડૂબી ગયા હતા. તો, 8 ગૌશાળાઓ પણ તબાહ થઈ ગઈ. હિમાચલ પ્રદેશનો મંડી જિલ્લો ચોમાસાની આફતનું કેન્દ્ર રહ્યો છે. બિયાસ નદી પણ અહીં પૂરની લપેટમાં છે.
હિમાચલ પ્રદેશમાં આ વખતે જે સ્તરની તબાહી જોવા મળી છે, તેને જોતા પહેલા બે અઠવાડિયામાં લગભગ 800 કરોડ રૂપિયાની સંપત્તિનો સ્વાહા થવાનો અંદાજ છે. જૂનમાં 37 ટકા વધુ વરસાદ પડ્યો છે અને 6 જુલાઈ સુધી વરસાદ પડી શકે છે. મોટાભાગના વિસ્તારોમાં 2 અને 3 જુલાઈએ વરસાદ પડશે.
રાજ્યના મંડી, કાંગડા, બિલાસપુર, હમીરપુર, ચંબા, સોલન, શિમલા જિલ્લાઓમાં સરેરાશ કરતા વધુ વરસાદ નોંધાયો છે, જેમાં મંડી જિલ્લાના પંડોહમાં 123 મિમી, મંડીમાં 120 મિમી, શિમલામાં 110 મિમી, પાલમપુરમાં 80 મિમી વરસાદ નોંધાયો છે. ઉના, બિલાસપુર, હમીરપુર અને કુલ્લુ જિલ્લામાં ભારે વરસાદ માટે યલ્લો એલર્ટ જાહેર કરવામાં આવી છે, જ્યારે ઉના, બિલાસપુર, મંડી, હમીરપુર, ચંબા અને કાંગડા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવી છે.