ઈટાલીની પ્રદાએ કરી ચોરી! 'લેધર ફૂટવેર ડિઝાઇન' નહી પણ ભારતીય ચંપલની સાંસ્કૃતિક ડિઝાઇનની ચોરી કરી ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાદાએ!
કોલ્હાપુરી ચંપલ, જેનું નામ મહારાષ્ટ્રના કોલ્હાપુર શહેર પરથી પડ્યું છે, તે ચામડાની હાથથી બનાવેલી ચંપલ છે, જેનો ઇતિહાસ 12મી સદી જુનો છે. આ ચંપલ ભારતમાં ખાસ પ્રસંગો, જેમ કે લગ્ન અને તહેવારોમાં પરંપરાગત પોશાક સાથે પહેરવામાં આવે છે. આ ચંપલને 2019માં ભારત સરકારે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન (GI) ટેગ આપ્યું હતું, જે તેની પ્રામાણિકતા અને વિશિષ્ટતાને દર્શાવે છે. પરંતુ પ્રાદાના શો નોટ્સમાં આ ચંપલને ફક્ત "લેધર ફૂટવેર" તરીકે વર્ણવવામાં આવી, જેમાં ભારતીય મૂળનો કોઈ ઉલ્લેખ નહોતો.
ઇટાલિયન લક્ઝરી ફેશન બ્રાન્ડ પ્રાદા તેની નવી ચંપલની ડિઝાઇનને લઈને વિવાદમાં ફસાઈ ગઈ છે. મિલાન ફેશન વીકમાં પ્રાદાએ તેના સ્પ્રિંગ/સમર 2026 મેન્સવેર કલેક્શનમાં ઓપન-ટો ચંપલ રજૂ કરી, જે ભારતની પરંપરાગત કોલ્હાપુરી ચંપલ સાથે આશ્ચર્યજનક રીતે સામ્યતા ધરાવે છે. આ ચંપલની ડિઝાઇનને લઈને ભારતના કારીગરો અને રાજકારણીઓએ આક્ષેપ કર્યો છે કે પ્રાદાએ ભારતીય સંસ્કૃતિની આ પરંપરાગત ડિઝાઇનનો ઉપયોગ કર્યો પરંતુ તેના મૂળનો ઉલ્લેખ કર્યો નથી, જેને "સાંસ્કૃતિક ચોરી" તરીકે ગણાવવામાં આવી રહ્યું છે.
સોશિયલ મીડિયા પર આ મુદ્દે તીવ્ર પ્રતિક્રિયાઓ ઉભી થઈ. એક યુઝરે X પર લખ્યું, "પ્રાદા કોલ્હાપુરી ચંપલને 1.2 લાખ રૂપિયામાં વેચે છે, જે ભારતીય કારીગરો 300થી 1500 રૂપિયામાં બનાવે છે. કોઈ ક્રેડિટ નથી, કોઈ ઇતિહાસ નથી, ફક્ત રિબ્રાન્ડિંગ અને ચોરી." બીજા યુઝરે આક્ષેપ કર્યો, "આ ડિઝાઇન ચમાર સમુદાયે પેઢીઓથી બનાવેલી છે. આ સાંસ્કૃતિક ચોરી છે."
આ બબાલને પગલે, મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, ઇન્ડસ્ટ્રી એન્ડ એગ્રિકલ્ચરના અધ્યક્ષ લલિત ગાંધીએ પ્રાદાને પત્ર લખીને કોલ્હાપુરી ચંપલના કારીગરોને યોગ્ય શ્રેય આપવાની માંગ કરી. જવાબમાં, પ્રાદાના કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના વડા લોરેન્ઝો બર્ટેલીએ 27 જૂને એક પત્રમાં સ્વીકાર્યું કે, "અમે માનીએ છીએ કે આ ચંપલ ભારતીય પરંપરાગત હસ્તકલાના ફૂટવેરથી પ્રેરિત છે, જેનો ઇતિહાસ સદીઓ જૂનો છે." તેમણે ઉમેર્યું કે આ ડિઝાઇન હજુ પ્રારંભિક તબક્કામાં છે અને તેનું વ્યાપારીકરણ થશે કે નહીં તે નિશ્ચિત નથી. પ્રાદાએ ભારતીય કારીગરો સાથે "અર્થપૂર્ણ વિનિમય" માટે સંવાદ શરૂ કરવાની તૈયારી પણ દર્શાવી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp