બેરોજગાર રત્નકલાકારો માટે ગૂડ ન્યૂઝ! સરકારે જાહેર કર્યું રાહત પૅકેજ, જાણો વિગતે
હીરા ઉદ્યોગમાં ઘણા સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો છે, એવામાં મંદીની ઝપેટમાં આવનારા રત્નકલાકારો જીવન ટૂંકાવવા સુધીનું પગલું ભરી લેતા હોય છે, 15 મહિનામાં 71થી વધારે રત્નકલાકારોએ જીવન ટૂંકાવી લીધું ચ્હે, ત્યારે આ મંદીમાં મદદરૂપ થવા માટે ભૂપેન્દ્ર પટેલ સરકાર બેરોજગાર રત્નકલાકારોના વ્હારે આવી છે અને રાહત પૅકેજ જાહેર કર્યું છે.
રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પૅકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે રત્નકલાકારના સંતાનની 1 વર્ષની વધુમાં વધુ 13,500 સુધીની શિક્ષણ ફી માફ કરવામાં આવશે. સરકાર દ્વારા DBT માર્ફેત આ ફી ટ્રાન્સફર કરવામાં આવશે, વીજ ડ્યૂટીમાં એક વર્ષ માટે રાહત આપવામાં આવશે. જ્યારે નાના ઉદ્યોગોને 5 લાખની લોન પર 9%ની 3 વર્ષ સુધી વ્યાજ સહાય અપાશે. નાના ઉદ્યોગો માટે અઢી કરોડથી ઓછું રોકાણ હોય અને વર્ષ 2022થી 2024 સુધી હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઈએ. જે એકમો 31.3.2025 અગાઉ ઉદ્યોગ વિભાગમાં રજિસ્ટર હોય તેમને લાભ મળશે.
તેમણે આગળ કહ્યું કે, કોઈપણ રત્નકલાકારોને નોકરી મેળવવા માટે અવ્યવસ્થા ના થાય તે માટેની સુવિધા ઊભી કરવામાં આવી છે. તેજી અને મંદી વેપારનો ભાગ છે. મંદી પણ દૂર થશે. જ્યારે મંદી હોય ત્યારે રાજ્ય સરકારે તમામ લોકોને રાહત આપવા આ નિર્ણય લીધો છે. રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ અંગે હર્ષ સંઘવીએ કહ્યું, આ રત્નકલાકારો માટેનું આ અત્યાર સુધીનો સૌથી મહત્ત્વનો નિર્ણય છે. અમારો આશય રત્નકલાકારોને સહયોગ કરવાનો છે. રત્નકલાકારોના બાળકોને આગામી દિવસોમાં મોટો લાભ મળવાનો છે. નાના ઉદ્યોગકારોની વીજ સહાય અને વ્યાજ માફી આપી છે એટલે નવા ઉદ્યોગો ખુલશે અને રોજગારી પણ ઉભી થશે. આ કારણે કોઈ રત્નકલાકારને રોજગારીનો સવાલ ઉભો નહીં થાય.
આત્મહત્યા કરનારા રત્ન કલાકારોની યાદી ડાયમંડ એસોસિએશન પાસેથી મગાવી છે. આ યાદી મળ્યા બાદ આ અંગે નિર્ણય લેવાશે. આત્મહત્યાના કારણોની પણ તપાસ કરવામાં આવશે.
જે પણ જિલ્લામાં જ્યાં પણ હીરાના કારખાનાઓ છે તેના માટે કમિટી બનાવવામાં આવી છે. કલેક્ટરના અધ્યક્ષ સ્થાને કમિટી બનશે. જેમાં જિલ્લા શ્રમ અધિકારી, જિલ્લા શિક્ષણાધિકારી, જિલ્લા રોજગાર અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, લીડ બેન્કના અધિકારી, ડાયમંડ એસોસિએશનના પ્રતિનિધિ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર મળીને આ તમામના માર્ગદર્શનમાં આ નિર્ણયો હવે પછી લેવામાં આવશે. જો કોઈ જિલ્લામાં હીરા ઉદ્યોગ હોય પરંતુ ડાયમંડ એસોસિએશન ન હોય તો તટસ્થ વ્યક્તિને કમિટીમાં લઈ શકાશે. જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા જે તે રત્નકલાકારને અપ્રૂવ કરવામાં આવશે અને પછી કમિટીમાં મૂકાશે.
MSME હેઠળ આવતા નાના કારખાનાઓ એટલે કે અઢી કરોડથી ઓછું રોકાણ હોય.
વર્ષ 2022-23, વર્ષ 2023-2024 અને 2024-25માં હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હોવા જોઇએ.
વર્ષ 2023-24માં જો એકમના વીજ વપરાશમાં 100 યુનિટહોય અને તેમાં 25 ટકા ઘટાડો થયો હોય એવા એકમોને લાભ મળશે.
એકમો 31 માર્ચ 2025 અગાઉ ઉદ્યોગ વિભાગમાં નોંધાયેલા હોવા પણ જરૂરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp