Surat: આણે તો ભારે કરી! અમેઝોન પ્રાઇમની ફ્રેંચઇઝી લેવા બેન્ક લૂંટી; 3.95 જપ્ત
હીરા નગરી સુરતમાં ગુનાનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જઇ રહ્યું છે. ચોરી, લૂંટ, બળાત્કાર જેવી ઘટનાઓના કિસ્સા સતત સામે આવી રહ્યા છે. અહીં માથાભારે તત્વોને પોલીસનો રતિભાર પણ ભય નથી રહ્યો. કોઈ પણ ભય વિના શહેરમાં અસમાજિક તત્વો બેફામ ગુનાઓને અંજામ આપી રહ્યા છે. ક્યાંક સંબંધોને તાર-તાર કરી દેનારા કિસ્સા પણ સામે આવે છે. તો ક્યાક ચોરી-લૂંટની ઘટના સામે છે. સુરતમાં એક શખ્સે તો અમેઝોન પ્રાઇમની ફ્રેન્ચાઇઝી લેવા માટે બેન્ક જ લૂંટી નાખી.
નવસારી રોડ પર સ્વસ્તિક પ્લાઝામાં આવેલી બરોડા ગ્રામીણ બેન્કમાં મંગળવારે, મેનેજર, ક્લાર્ક, કેશિયર અને પટાવાળા સહિતનો સ્ટાફ હાજર હતો. 12:30 વાગ્યે ડાર્ક બ્લૂ કલરનું શર્ટ-જીન્સ અ સફેદ ટોપી પહેરીને એક યુવાને બેન્કમાં ઘૂસ્યો અને કેશ કાઉન્ટર તરફ ધસી ગયો અને હાથમાંથી પિસ્તોલ કાઉન્ટર પર મૂકીને કેશિયર પ્રાચી પટેલને ધમકાવી. આટલું જ નહીં આસિસ્ટન્ટ મેનેજર યુક્તિ જૈન અને બેન્કમાં આવેલા એક ગ્રાહકને પણ લૂંટારા યુવકે પિસ્તોલ બતાવી હતી અને તેમને સેફ રૂમમાં બંધ કરીને 3,76,890 રૂપિયાની લૂંટીને ભાગી છૂટ્યો હતો.
ઘટના બની ત્યારે સ્થાનિક વિસ્તારમાં વીજ પુરવઠો બંધ હોવાથી CCTV ફૂટેજના અભાવે લૂંટારા સુધી પહોંચવું અઘરું હતું. પરંતુ બેન્કની અંદર UPS સિસ્ટમને કારણે કેમેરા ચાલુ હતા એટલે આખી ઘટના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ હતી. તેના આધારે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરીને લૂંટની ઘટનાને અંજામ આપનાર નાજીસ ઉર્ફ બાબલૂ મોહમ્મદ સનુલ્લાહ શેખ (ઉંમર 22 વર્ષ)ને કતારગામ દરવાજા નજીક બ્રિટિશ કબ્રસ્તાન પાસેથી પકડી પાડવામાં આવ્યો અને તેની પાસેથી રોકડા 3,33,520 રૂપિયા, પિસ્તોલ, 7 કારતૂસ, 2 મોબાઈલ ફોન, લેપટોપ બેગ, એરબડ્સ સહિત કુલ 3,95,420 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. પોલિસે પૂછપરછ કરતા તેણે જણાવ્યું હતું કે એક કુરિયર બોય તરફથી એવું જાણવા મળ્યું હતું કે, અમેઝોન પ્રાઇમની ફ્રેન્ચાઇઝી લેવાથી મહિને સારી કમાણી થાય છે. દર મહિને 80-90 લાખ કમાણી થશે. આ બાબતે યુટ્યુબ પર સર્ચ કરતા એવી માહિતી મળી હતી કે ફ્રેંચઇઝી લેવા 10 લાખ રુપિયાનું રોકાણ કરવું પડશે. એટલે તેણે 10 લાખ માટે બેન્ક લૂંટવાની યોજના બનાવી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp