ભારતીય સાંસદોનું ડેલિગેશન માંડ-માંડ બચ્યું, વિમાન ઉતરવાનું જ હતું અને મોસ્કો એરપોર્ટ પર થઈ ગયો ડ્રોન એટેક; પછી...
ઓપરેશન સિંદૂર પર રશિયા ગયેલા ભારતીય સાંસદોનું પ્રતિનિધિમંડળ મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલાની ઝપેટમાં આવતા માંડ-માંડ બચી ગયું. આ વિમાનમાં DMKના સાંસદ કનિમોઝી સવાર હતા. ડ્રોન હુમલાને કારણે, આ વિમાન ઘણા કલાકો સુધી મોસ્કો એરપોર્ટ પર ફરતું રહ્યું. ઘણા કલાકોના વિલંબ અને સુરક્ષા પરિસ્થિતિઓના મૂલ્યાંકન બાદ, વિમાન આખરે મોસ્કો એરપોર્ટ પર ઉતર્યું.
ઓપરેશન સિંદૂર પર ભારતના વલણને બતાવવા માટે ભારતના 6 પ્રતિનિધિમંડળો વિવિધ દેશોમાં ગયા છે. ભારતથી રશિયા ગયેલા પ્રતિનિધિમંડળમાં DMKના સાંસદ કનિમોઝી, સમાજવાદી પાર્ટી (SP)ના સાંસદ રાજીવ રાય, RJDના સાંસદ પ્રેમચંદ ગુપ્તા, કેપ્ટન બ્રિજેશ, અશોક કુમાર મિત્તલ અને રાજદૂત મંજીવ સિંહ પુરીનો સમાવેશ થાય છે.
સાંસદ કનિમોઝીના નેતૃત્વમાં સાંસદોનું પ્રતિનિધિમંડળ 22 મેના રોજ રશિયા જવા રવાના થયું હતું. હવે એ વાત સામે આવી છે કે કનિમોઝીને લઈ જનારા વિમાનને મોસ્કો એરપોર્ટ પર લેન્ડિંગ કરવામાં મુશ્કેલી પડી હતી. યુક્રેને કથિત રૂપે રશિયાના મોસ્કો એરપોર્ટ પર ડ્રોન હુમલો કર્યો. ત્યારબાદ મોસ્કો એરપોર્ટ પર અફરાતફરી મચી ગઈ અને લેંડિંગની રાહ જોઈ રહેલા વિમાનોને એરપોર્ટ પર ઉતરવા માટે કરવાની અસ્થાયી મંજૂરી આપવામાં આવી નહોતી. મોસ્કો એરપોર્ટે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ ઘણા કલાકો સુધી સ્થગિત કરી દીધી હતી. આ કારણે સાંસદ કનિમોઝી કરુણાનિધિને લઈ જતું વિમાન ન ઉતરી શક્યું અને હવામાં ચક્કર લાગવતું રહ્યું. આખરે, ઘણા વિલંબ બાદ, વિમાન સુરક્ષિત રીતે ઉતર્યું.
ઘણા કલાકોના વિલંબ બાદ, સાંસદ કનિમોઝીને લઈ જતું વિમાન મોસ્કો એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતર્યું. ત્યારબાદ, રશિયામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓએ સર્વપક્ષીય સાંસદોના પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું અને તેમને સુરક્ષિત રીતે તેમની હોટલ સુધી પહોંચાડવામાં આવ્યા. રશિયાની મુલાકાત પૂર્ણ કર્યા બાદ, પ્રતિનિધિમંડળ સ્લોવેનિયા, ગ્રીસ, લાતવિયા અને સ્પેનની યાત્રા કરશે. મોસ્કો પહોંચતા જ DMKના સાંસદ કનિમોઝીએ કહ્યું કે રશિયા ભારતનો વ્યૂહાત્મક ભાગીદાર છે.
તેમણે વધુમાં કહ્યું કે, આપણે હંમેશાં રાજદ્વારી મુદ્દાઓ, વેપાર વગેરે પર સાથે કામ કરતા આવ્યા છીએ. એવામાં, જ્યારે આપણે વારંવાર આતંકવાદી હુમલાઓનો સામનો કરી રહ્યા છીએ, ત્યારે રશિયાનો સંપર્ક કરવો ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ભારતમાં, અમે 26 લોકો ગુમાવ્યા, એટલે ભારત સરકાર અને વડાપ્રધાને આતંકવાદ સામે ભારતના વલણ અને વિશ્વ સમક્ષ આપણી સ્થિતિ રજૂ કરવા માટે દેશભરમાંથી વિવિધ પક્ષોના સાંસદોને મોકલવાનું નક્કી કર્યું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp