અનિલ અંબાણીને મોટો ઝટકો, SBIએ આ કંપનીના લોન એકાઉન્ટને ફ્રોડ કેટેગરીમાં નાખ્યું!
SBI labels Reliance Communications' loan account as fraud: એક સમયે ટેલિકોમ ક્ષેત્ર પર પ્રભુત્વ ધરાવતી અનિલ અંબાણીની કંપની રિલાયન્સ કોમ્યુનિકેશનના લોન ખાતાને SBIએ મોટો ઝટકો આપ્યો છે. રિલાયન્સ કોમ્યુનિકેશન્સે મંગળવારે જણાવ્યું હતું કે, સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI)એ તેના લોન ખાતાને 'ફ્રોડ' કેટેગરીમાં નાખી દીધું છે. SBI હવે કંપની અને તેના પૂર્વ ડિરેક્ટર અનિલ અંબાણીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ને રિપોર્ટ કરવાની યોજના બનાવી રહી છે. સ્ટોક એક્સચેન્જ ફાઇલિંગમાં કંપનીએ જણાવ્યું હતું કે, SBIએ ઓગસ્ટ 2016થી ક્રેડિટ સુવિધાઓ અંગે આ નિર્ણય લીધો છે. હાલમાં, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ નાદારી કોડ (IBC) હેઠળ નાદારીની કાર્યવાહીમાંથી પસાર થઈ રહી છે અને નેશનલ કંપની લો ટ્રિબ્યૂનલ (NCLT)ની અંતિમ મંજૂરીની રાહ જોઈ રહી છે.
ઈન્ડિયા ટૂડેમાં પ્રકાશિત CNBC-TV18ના અહેવાલ મુજબ, SBIએ કંપનીને ડિસેમ્બર 2023, માર્ચ 2024 અને સપ્ટેમ્બર 2024માં કંપનીને કારણદર્શક નોટિસ મોકલી હતી. કંપનીના જવાબની સમીક્ષા કર્યા બાદ, બેન્ક એવા નિષ્કર્ષ પર પહોંચી છે કે અનિલ અંબાણીની કંપનીએ તેની લોનની શરતોનું પાલન કર્યું નથી અને તેના ખાતાઓના સંચાલનમાં થતી અનિયમિતતાઓ બાબતે સંપૂર્ણ માહિતી આપી શકી નથી.
સંપૂર્ણ સમીક્ષા બાદ, SBIએ રિલાયન્સ કોમ્યુનિકેશનના લોન ખાતાઓને 'ફ્રોડ' કેટેગરીમાં ક્લાસિફાઇડ કર્યા છે. આ સાથે જ SBI તેની માહિતી પણ RBIને મોકલશે. તો, આવા ખાતાઓ સાથે જોડાયેલા લોકોનો રિપોર્ટ પણ SBI દ્વારા કરવામાં આવશે. અનિલ અંબાણીનું નામ પણ તેમાં સામેલ હતું.
પોતાના જવાબમાં રિલાયન્સ કોમ્યુનિકેશન્સે કહ્યું કે SBI દ્વારા આ લોન 2019માં કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યૂશન પ્રોસેસ (CIRP) શરૂ થવા અગાઉના સમયગાળા સાથે સંબંધિત છે. કંપનીએ તર્ક આપ્યો કે IBCની કલમ 32A હેઠળ, એકવાર રિઝોલ્યૂશન પ્લાન મંજૂર થઈ ગયા બાદ તેને CIRP શરૂ થવા અગાઉ કરવામાં આવેલા ગુનાઓ સાથે સંબંધિત જવાબદારીઓમાંથી મુક્તિ આપવામાં આવે છે. કંપનીએ કહ્યું કે આ સુવિધાઓ રિઝોલ્યૂશન પ્લાન અથવા લિક્વિડેશન હેઠળ ઉકેલવી આવશ્યક છે અને કંપની હાલમાં IBC હેઠળ રક્ષણ મળ્યું છે. ઉપરાંત, રિલાયન્સ કોમ્યુનિકેશન્સ આ સંદર્ભમાં કાયદાકીય સલાહ પણ લઈ રહી છે.
આ પહેલીવાર નથી જ્યારે કોઈ બેન્કે રિલાયન્સ કોમ્યુનિકેશનના ખાતાઓની ઓળખ કરી હોય. નવેમ્બર 2024માં, કેનેરા બેન્કે પણ ખાતાને આજ શ્રેણીમાં મૂક્યું હતું, પરંતુ બોમ્બે હાઈકોર્ટે ફેબ્રુઆરી 2025માં આ નિર્ણય પર સ્ટે મૂક્યો હતો. તેણે ઉધાર લેનારને સાંભળવાની તક આપવા માટે RBI માર્ગદર્શિકાનું પાલન ન કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp