CM Devendra Fadnavis on Nagpur Violence: અત્યારે મહારાષ્ટ્રમાં ઔરંગઝેબની કબર પર તણાવપૂર્ણ સ્થિતિ છે. થોડા દિવસ અગાઉ હિન્દુ સંગઠનો દ્વારા ઔરંગઝેબની કબર હટાવવાને લઈને કરાયેલા વિરોધ પ્રદર્શન બાદ નાગપુરમાં હિંસા ફાટી નીકળી હતી. જો કે, અત્યારે સ્થિતિ કાબૂમાં છે. પરંતુ ઔરંગઝેબની કબરના વિવાદ વચ્ચે મહારાષ્ટ્રના નાગપુરમાં ફાટી નીકળેલી હિંસા પર વાકયુદ્ધ ચાલુ છે.
આ દરમિયાન, રાજ્યના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, મુઠ્ઠીભર લોકો આવા કૃત્યો કરે છે, જેના કારણે શહેરનું નામ ખરાબ થાય છે અને સામાજિક સૌહાર્દ પણ બગડે છે. એક ન્યૂઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ફડણવીસે કહ્યું હતું, 1992 બાદ પહેલી વખત નાગપુરમાં આટલો તણાવ જોવા મળ્યો. નાગપુરની સંસ્કૃતિને કારણે પરિસ્થિતિ ઝડપથી કાબૂમાં આવી ગઈ, પરંતુ જે થયું તે યોગ્ય નહોતું.
તેમણે કહ્યું કે, 'VHP અને બજરંગ દળે ઔરંગઝેબની કબર સળગાવવાનો કાર્યક્રમ યોજ્યો હતો. સવારે આંદોલન બાદ શાંતિ હતી, પરંતુ બપોર બાદ કેટલાક યુટ્યુબરોએ અફવા ફેલાવી કે ઔરંગઝેબની કબર પર જે ચાદર ચઢાવવામાં આવી હતી, તેના પર કુરાનની આયાતો લખેલી છે. જ્યારે વાસ્તવમાં એવું કશું જ નહોતું. ત્યારબાદ, સોશિયલ મીડિયા પર ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકવામાં આવી, જેના કારણે સાંજ સુધીમાં ટોળાએ તોડફોડ અને પથ્થરમારો શરૂ કરી દીધો. પોલીસ પર હુમલો કરવામાં આવ્યો, પરંતુ પોલીસે બહાદુરીથી પરિસ્થિતિ સંભાળી. DCP નિકેતન કદમ પર તો કુહાડીથી હુમલો કરવામાં આવ્યો.'
દેવેન્દ્ર ફડણવીસે ચેતવણી આપતા કહ્યું કે, "આ હિંસા પાછળનો મુખ્ય સૂત્રધાર માલેગાંવનો છે. તે નાગપુર આવીને આ બધું કેમ કરી રહ્યો હતો? તેની તપાસ કરવામાં આવશે. વાતાવરણ બગાડનારાઓને છોડવામાં નહીં આવે. અમે VHP અને બજરંગ દળના લોકો સામે પણ કેસ નોંધાવ્યા છે. જો પોલીસ પર હુમલાઓને સહન કરવામાં આવશે તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા નહીં રહી શકે. એટલે અમે ગુનેગારોને પાઠ ભણાવીશું.
મુખ્યમંત્રીએ નાગપુર પોલીસનો બચાવ કરતા કહ્યું કે, નાગપુરમાં થયેલી હિંસાને ગુપ્તચર તંત્રની નિષ્ફળતા નહીં કહી શકાય, પરંતુ બપોર બાદ સોશિયલ મીડિયા પર જે રીતે નજર રાખવી જોઈતી હતી તે રીતે નજર રાખવામાં આવી નહોતી. સોશિયલ મીડિયા દ્વારા ઉશ્કેરણીજનક પોસ્ટ્સ ફેલાવવામાં આવી. આપણી પાસે સોશિયલ મીડિયા મોનિટરિંગ ક્ષમતાઓ છે, પરંતુ તેને ઉપયોગ કરવાની આદત પાડવી પડશે. હવે હિંસા રસ્તા પર ઓછી અને સોશિયલ મીડિયાના માધ્યમથી વધુ થાય છે.
મુઘલ બાદશાહ ઔરંગઝેબની કબર છત્રપતિ સંભાજીનગર જિલ્લામાં આવેલી છે. સોમવારે (17 માર્ચ)ના રોજ નાગપુરમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળ દ્વારા તેને દૂર કરવા માટે કરવામાં આવેલા વિરોધ પ્રદર્શન દરમિયાન ધાર્મિક પંક્તિઓ ધરાવતી ચાદર સળગાવી દેવામાં આવી હોવાની અફવાઓ ફેલાઈ હતી, જેના કારણે હિંસા ફાટી નીકળી હતી.
આ કેસમાં અત્યાર સુધીમાં 12 FIR નોંધાઈ છે. જેમાં 4 સાયબર પોલીસે અને 8 સ્થાનિક નાગપુર પોલીસે નોંધી છે. આ કેસમાં અત્યાર સુધીમાં 100 લોકોની ધરપકડ કરવામાં આવી છે.