ભારતે અંગ્રેજો પાસેથી પોતાનું સોનું પાછું લીધું, 6 મહિનામાં દેશમાં આવ્યું આટલા ટન સોનું
સામાન્ય માણસની સાથે સાથે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ પણ તેની તિજોરી સોનાથી ભરી દીધી છે. હકીકતમાં, એપ્રિલ-સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન, RBIએ સ્થાનિક સ્તરે સોનાના ભંડારમાં 102 ટનનો વધારો કર્યો છે. મંગળવારે જાહેર કરાયેલા આંકડા પરથી આ માહિતી મળી છે. RBIએ કહ્યું કે, 30 સપ્ટેમ્બર, 2024 સુધી સ્થાનિક તિજોરીઓમાં રાખવામાં આવેલા સોનાની કુલ માત્રા 510.46 ટન હતી. એ માત્રા 31 માર્ચ, 2024 સુધી રાખવામાં આવેલા 408 ટન સોના કરતા વધુ છે.
ફોરેન એક્સચેન્જ રિઝર્વના મેનેજમેન્ટ પર જાહેર કરવામાં આવેલા અર્ધવાર્ષિક અહેવાલ મુજબ, RBIએ ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ 6 મહિનામાં સોનાના ભંડારમાં 32 ટનનો વધારો કર્યો છે. તેની સાથે કુલ ભંડાર વધીને 854.73 ટન થઇ ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, ભારત ધીમે ધીમે પોતાના સોનાના ભંડારને સ્થાનિક તિજોરીમાં ટ્રાન્સફર કરી રહ્યું છે. નાણાકીય વર્ષ 2023-24માં તેણે બ્રિટનમાંથી 100 ટનથી વધુ સોનું સ્થાનિક સ્થળોએ ટ્રાન્સફર કર્યું હતું. તે વર્ષ 1991 બાદ સૌથી મોટા ગોલ્ડ ટ્રાન્સફર પૈકી એક હતું.
1991માં વિદેશી હૂંડિયામણની કટોકટીનો સામનો કરવા માટે ભારતે પોતાના સોનાના ભંડારનો એક મોટો હિસ્સો ગીરવે મૂકવો પડ્યો હતો. RBIના જણાવ્યા અનુસાર, બેંક ઓફ ઈંગ્લેન્ડ અને બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ્સ (BIS) પાસે 324.01 ટન સોનું સુરક્ષિત રાખવામાં આવ્યું હતું અને 20.26 ટન સોનું ગોલ્ડ ડિપોઝિટ તરીકે રાખવામાં આવ્યું હતું. મેના અંતમાં જ, સૂત્રોએ સંકેત આપ્યા હતા કે માનક સમીક્ષા પ્રક્રિયાઓ અનુસાર વિદેશમાં સોનાના ભંડારને ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
વિશ્વમાં વધી રહેલા જિયોપોલિટિકલ તણાવ વચ્ચે, વિશ્વભરના રોકાણકારો સોનામાં પૈસાઓનું રોકાણ કરી રહ્યા છે, કારણ કે અસુરક્ષિત માહોલમાં રોકાણ માટે સોનું શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેથી, સામાન્ય માણસની સાથે, વિશ્વની તમામ કેન્દ્રીય બેન્કો પણ તેમના સોનાના ભંડારમાં વધારો કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp