નવી દિલ્હી: જુલાઈ મહિનો આજથી શરૂ થઇ રહ્યો છે ત્યારે અનેક ચીજવસ્તુઓના ભાવ પણ વધી રહ્યા છે. ગઈકાલે અમૂલે દૂધના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરી હતી, ત્યારબાદ આજે ઓઈલ કંપનીઓએ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કર્યો છે. ઉપરાંત પેટ્રોલ અને ડિઝલના ભાવમાં પણ વધ-ઘટ જોવા મળી રહી છે.
આજે પહેલી જુલાઈથી રસોઈ ગેસ ઉપરાંત કમર્શિયલ ગેસની કિંમતમાં વધારો કરવામાં આવ્યો છે. રસોઈ ગેસની કિંમતમાં ૨૫.૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જ્યારે કમર્શિયલ ગેસની કિંમતમાં ૭૬ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ગત મહિને એલપીજી ગેસની કિંમતમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ગેસ કંપનીઓએ કમર્શિયલ ગેસની કિંમતમાં ૧૨૨ રૂપિયા ઘટાડ્યા હતા. જોકે, ઘરેલું રસોઈ ગેસની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો.
દેશની સૌથી મોટી એલપીજી કંપની ઇન્ડેનની વેબસાઈટ ઉપર જણાવ્યા અનુસાર ૧ જુલાઈથી દિલ્હીમાં રસોઈ ગેસની કિંમત વધીને ૮૩૪.૫ રૂપિયા થઇ ગઈ છે. જયારે ૧ જૂને આ કિંમત ૮૦૯.૦૦ રૂપિયા નક્કી કરવામાં આવી હતી. બીજી તરફ, ૧૯ કિલોના કમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં ૭૬ રૂપિયાનો વધારો કરવામાં આવતા તેની કિંમત ૧૫૫૦ થઇ ગયા છે, જે પહેલા ૧૪૭૩.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર હતી.
અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર ૨ રૂપિયા વધાર્યા
આજથી અમૂલની ૫૦૦ એમએલની થેલી ૧ રૂપિયો મોંધી વેચાશે. જેથી અમૂલ ગોલ્ડ, અમૂલ તાજા અને અમૂલ શક્તિ દૂધના ભાવમાં એક રૂપિયાનો વધારો થશે. આ ભાવવધારા બાદ અમદાવાદમાં અમૂલ ગોલ્ડના (૫૦૦ ml) ૨૯ રૂપિયા, અમૂલ તાજાના (૫૦૦ ml) ૨૩ રૂપિયા અને અમોલ શક્તિના (૫૦૦ ml) ૨૬ રૂપિયા થઇ જશે.
આ ભાવવધારો ગુજરાત ઉપરાંત દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના અન્ય માર્કેટમાં પણ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજથી જ નવા ભાવ લાગુ થઇ ગયા છે. અમૂલના તમામ દૂધ ઉત્પાદનોમાં ૧ જુલાઈથી ૨ રૂપિયા પ્રતિ લિટરના હિસાબે ભાવવધારો કરવામાં આવશે.
બેન્કિંગ સર્વિસના ચાર્જમાં પણ વધારો
દૂધ અને ગેસમાં ભાવવધારાની સાથે બેન્કિંગ સર્વિસના ચાર્જ પણ વધી ગયા છે. દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ હવે પૈસા ઉપાડવા પર ચાર્જ વધારી દીધો છે. હવે ગ્રાહક મહિનામાં ચાર જ વખત પૈસા ઉપાડી શકશે. જો ત્યારબાદ બ્રાન્ચમાંથી પૈસા ઉપાડવામાં આવે તો ૧૫ રૂપિયા વધારાનો ચાર્જ ચૂકવવો પડશે. માત્ર બ્રાન્ચ જ નહીં પરંતુ એટીએમ ઉપર પણ આ જ નિયમ લાગુ થશે.