'માલદીવ્સ ક્યારેય એવું કંઇ નહીં કરે જેનાથી...', ચીનને લઇને મોહમ્મદ મુઇજ્જૂનું મોટું નિવેદન
માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂ ભારતની 4 દિવસીય મુલાકાતે આવ્યા છે. મુઇજ્જૂ 4 દિવસની રાજ્ય મુલાકાત પર રવિવારે નવી દિલ્હી પહોંચ્યા હતા. માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇજ્જૂએ ખાતરી આપી છે કે તેમનો દેશ ક્યારેય ભારતની સુરક્ષાને ખલેલ પહોંચાડે તેવું કોઇ કામ નહીં કરે. મુઇજ્જૂ, જેની સરકાર માલદીવ્સમાં આર્થિક સંકટનો સામનો કરી રહી છે, તે ભારત સાથે પોતાના દેશના સંબંધોને ફરીથી સ્થાપિત કરવા માટે ભારતની મુલાકાતે આવ્યા છે. ચીનના નજીકના ગણાતા મુઇજ્જૂએ રવિવારે કહ્યું હતું કે ચીન સાથેના દેશના સંબંધોથી ભારતની સુરક્ષાને ક્યારેય કોઇ જોખમ નહીં રહે.
તેમણે ટાઇમ્સ ઓફ ઇન્ડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, માલદીવ્સ ક્યારેય એવું કંઇ નહીં કરે, જે ભારતની સુરક્ષાને નબળી કરતું હોય. ભારત માલદીવ્સનો મૂલ્યવાન ભાગીદાર અને મિત્ર છે, અને અમારા સંબંધો પરસ્પર આદર અને સહિયારા હિતોના આધારે બન્યા છે. જ્યારે અમે વિવિધ ક્ષેત્રોમાં અન્ય દેશો સાથે અમારો સહયોગ વધારીએ છીએ, ત્યારે અમે ખાતરી કરવા માટે પ્રતિબદ્ધ છીએ કે અમારી ક્રિયાઓ અમારા ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા સાથે સમજૂતી ન કરે.
જ્યારે મુઇજ્જૂને ઇન્ટરવ્યૂમાં ભારતીય સૈનિકોની વાપસી પર તેમના નિર્ણય અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ સ્થાનિક પ્રાથમિકતાઓને સંબોધિત કરી રહ્યા હતા. માલદીવ્સ અને ભારત હવે એક-બીજાની પ્રાથમિકતાઓ અને ચિંતાઓને સારી રીતે સમજે છે. મેં એજ કર્યું, જે માલદીવ્સના લોકોએ મને પૂછ્યું હતુ. તાજેતરના ફેરફારો ઘરેલું પ્રાથમિકતાઓને સંબોધિત કરવાના અમારા પ્રયત્નોને પ્રતિબિંબિત કરે છે. ભૂતકાળના કરારોની અમારી સમીક્ષાનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે તેઓ અમારા રાષ્ટ્રીય હિતોને અનુરૂપ રહે અને પ્રાદેશિક સ્થિરતામાં સકારાત્મક યોગદાન આપે.
તમને જણાવી દઇએ કે માલદીવ્સે ભારતીય સૈનિકોને માલદીવ્સમાંથી હટી જવા કહ્યું ત્યારથી જ માલદીવ્સ અને ભારતના સંબંધો તણાવપૂર્ણ બની ગયા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ માલદીવ્સના મંત્રીઓ દ્વારા આપત્તિજનક ટિપ્પણીઓના કારણે દ્વિપક્ષીય સંબંધો વધુ વણસ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp