ટાટા ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ નોએલ ટાટાની પહેલી પ્રતિક્રિયા આવી સામે, કહી આ મોટી વાત
ટાટા ટ્રસ્ટના ચેરમેન બન્યા બાદ નોએલ ટાટાએ પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે મારા સાથી ટ્રસ્ટીઓ દ્વારા મને આપવામાં આવેલી જવાબદારીથી હું ખૂબ જ સન્માનિત અને વિનમ્ર અનુભવી રહ્યો છું. નોએલ ટાટા દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હું રતન એન. ટાટા અને ટાટા ગ્રુપના સ્થાપકોના વારસાને આગળ વધારવા માટે તત્પર છું. એક સદી કરતા પણ વધુ સમય અગાઉ સ્થપાયેલ ટાટા ટ્રસ્ટ સામાજિક ભલાઇ માટે એક અનોખું માધ્યમ છે. આ શુભ અવસર પર, હું મારી વિકાસલક્ષી અને પરોપકારી પહેલોને આગળ વધારવા અને રાષ્ટ્ર નિર્માણમાં મારી ભૂમિકા ભજવવા માટે મારી જાતને ફરીથી સમર્પિત કરીશ.
માહિતી અનુસાર, નોએલ ટાટા હાલમાં સર દોરાબજી ટાટા ટ્રસ્ટ અને સર રતન ટાટા ટ્રસ્ટના ટ્રસ્ટી છે. રતન ટાટાના સાવકા ભાઇ નોએલના પિતાનું નામ નવલ એચ. ટાટા અને માતાનું નામ સિમોન એન. ટાટા છે. તેઓ ટાટા ટ્રસ્ટના નવા ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા છે. નોએલ છેલ્લા ચાર દાયકાથી ટાટા ગ્રુપનો હિસ્સો છે અને ટાટા ગ્રુપની અનેક કંપનીઓના બોર્ડમાં છે. તેઓ ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશનના પ્રમુખ છે. એ સિવાય તેઓ ટાઇટન કંપની લિમિટેડના વાઇસ પ્રેસિડેન્ટ પણ છે. તમને જણાવી દઇએ કે તાજેતરમાં ટાટા ઇન્ટરનેશનલ લિમિટેડે નોએલ મેનેજિંગ ડાયરેક્ટર હતા ત્યારે અબજ રૂપિયાની કમાણી કરી છે.
નોએલે સક્સેસ યુનિવર્સિટી, યુકેમાંથી ઇન્ટરનેશનલ એક્ઝિક્યૂટિવ પ્રોગ્રામનો અભ્યાસ કર્યો છે. નોએલ ટાટાના 3 બાળકો છે, લિયા, માયા અને નેવિલ. જેઓ ટાટા ગ્રુપમાં અલગ અલગ મહત્ત્વની જવાબદારીઓ નિભાવી રહ્યા છે. તમને જણાવી દઇએ કે 86 વર્ષીય રતન ટાટાએ 9 ઓક્ટોબરની રાત્રે મુંબઇની બ્રીચ કેન્ડી હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેમના અંતિમ સંસ્કાર 10 ઓક્ટોબરના રોજ કરવામાં આવ્યા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp