100 દિવસ પણ નથી થયા અને લોકો મોહમ્મદ યુનુસ વિરુદ્ધ રસ્તા પર ઉતરી આવ્યા, જાણો કારણ
બાંગ્લાદેશમાં શેખ હસીનાને સત્તા પરથી હટાવ્યા બાદ મોહમ્મદ યુનુસને મોટી અપેક્ષાઓ સાથે દેશની બાગડોર સોંપવામાં આવી હતી. યુનુસે કામચલાઉ સરકાર બનાવ્યાના હજુ 100 દિવસ પણ નથી થયા, પરંતુ તેમની વિરુદ્ધનો લોકોનો ગુસ્સો દેખાવા લાગ્યો છે. તો, વિપક્ષી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી (BNP)ના વડા ખાલિદા જિયાએ સક્રિય નજરી પડી રહ્યા છે. ઢાકામાં મંગળવારે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમા જિયાની પાર્ટી BNPના હજારો કાર્યકરો અને નેતાઓ પણ સામેલ હતા. આ લોકો લોકતાંત્રિક રીતે વહેલી ચૂંટણી અને નવી સરકારની રચનાની માગ કરી રહ્યા હતા. BNPના નેતાઓ અને કાર્યકરો ઢાકામાં પાર્ટીના મુખ્યાલયની બહાર ભેગા થયા હતા અને દેશમાં નવેસરથી ચૂંટણી કરાવવાની માંગ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા.
બાંગ્લાદેશમાં, શેખ હસીનાએ વડા પ્રધાન પદ પરથી રાજીનામું આપ્યું અને દેશ છોડ્યા બાદ, નોબેલ પારિતોષિક વિજેતા મુહમ્મદ યુનુસના નેતૃત્વમાં અસ્થાયી સરકારની રચના કરવામાં આવી. આ સરકાર ટૂંકા ગાળા માટે રચાઈ હતી, પરંતુ તેણે હજુ સુધી ચૂંટણી યોજવા માટે કોઈ સમયમર્યાદા જાહેર કરી નથી. આવી સ્થિતિમાં લોકોની ધીરજ ખૂંટતી જોવા મળી રહી છે. યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે ચૂંટણી પંચ સહિત વિવિધ સંસ્થાઓમાં સુધારા માટે ઘણી યોજનાઓ રજૂ કરી છે, પરંતુ પૂર્વ વડા પ્રધાન ખાલિદા જિયાની આગેવાની હેઠળની BNP સહિત અન્ય મુખ્ય પક્ષો વહેલી ચૂંટણી કરાવવાની માગ કરી રહ્યા છે.
યુનુસે તાજેતરના નિવેદનોમાં, બાંગ્લાદેશમાં ચૂંટણી ક્યારે યોજાશે તે જણાવ્યું ન હતું, પરંતુ તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી લોકો ઇચ્છે છે ત્યાં સુધી તેઓ સત્તામાં રહેશે. અખબારના સંપાદકોની એક ટીમે તાજેતરમાં જણાવ્યું હતું કે યુનુસે મોટા સુધારાઓ લાગૂ કરવા જોઈએ અને ઓછામાં ઓછા 2 વર્ષ સુધી સત્તામાં રહેવું જોઈએ.
BNPએ શરૂઆતમાં ત3 મહિનાની અંદર ચૂંટણીની માગ કરી હતી, પરંતુ બાદમાં કહ્યું કે તે વચગાળાની સરકારને સુધારાને લાગુ કરવા માટે સમય આપવા માગે છે. જો કે હવે તેનું મન પણ બદલાઈ રહ્યું છે. BNPના કાર્યકારી પ્રમુખ તારિક રહેમાને જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ સુધારા માટેની વચગાળાની સરકારની યોજનાઓને ટેકો આપ્યો હતો, પરંતુ આવા ફેરફારો ત્યારે જ કાયમ રહેશે જો પ્રક્રિયામાં લોકોનો અભિપ્રાય આપવામાં આવે. રહેમાને એ ન કહ્યું કે આગામી ચૂંટણી ક્યારે યોજવી જોઈએ, પરંતુ કહ્યું કે આગામી સંસદમાં કોઈપણ સુધારાને સમર્થન આપવું જોઈએ. તેમણે કહ્યું, 'માત્ર મુક્ત અને નિષ્પક્ષ ચૂંટણી જ લોકોના રાજકીય સશક્તિકરણને સુનિશ્ચિત કરી શકે છે.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp