વકીલ પ્રશાંત ભૂષણને કોર્ટનો અનાદર ભારે પડી ગયો : દોષી સાબિત થતા ૨૦ ઓગસ્ટે સજા મળશે
નવી દિલ્હી : સિનીયર વકીલ પ્રશાંત ભૂષણને અદાલતની અવમાનના કરવાનું ભારે પડી ગયું છે. કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટના કેસમાં હવે પ્રશાંત ભૂષણને સજા થશે.
સિનીયર વકીલ અને રાજકારણના અખાડામાં પણ મોટા ખેલાડી ગણાતા પ્રશાંત ભૂષણે મુખ્ય ન્યાયાધીશ અને અન્ય ચાર પૂર્વ ન્યાયાધીશ બાબતે ટ્વિટર ઉપર ટ્વિટ કરેલી. પ્રશાંત ભૂષણની આ ત્વીતને ગંભીરતાથી લઈને હવે કોર્ટે લાલ આંખ કરી છે. પ્રશાંત ભૂષણના ટ્વિટને કોર્ટનો અનાદર ગણાવીને એમને દોષી ઠેરવવામાં આવ્યા છે.
૫ ઓગસ્ટે આ મામલે સુનાવણી પૂરી થઇ હતી. પરંતુ સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. આજે સુપ્રીમ કોર્ટે આ ચુકાદો સંભળાવ્યો હતો. ચુકાદો સંભળાવનાર બેન્ચમાં જસ્ટીસ બી. આર. ગવઈ, જસ્ટીસ કૃષ્ણ મુરારી અને જસ્ટીસ અરુણ મિશ્રાનો સમાવેશ થાય છે. પ્રશાંત ભૂષણ દોષી જાહેર થયા બાદ એમને શું સજા કરવી એ વિષે ૨૦ ઓગસ્ટે વધુ સુનાવણી કરવામાં આવશે.
વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ આજે પોતે જ ગુનેગાર સાબિત થયા, એ માટે જવાબદાર એમની બે ટ્વિટ્સ છે. જે પૈકીની એકમાં એમણે ચીફ જસ્ટિસ બોબડેના બાઇકવાળા ફોટો ઉપર કમેન્ટ કરી હતી. બીજી એક ટ્વિટમાં એમણે ચાર પૂર્વ મુખ્ય ન્યાયાધીશોની કાર્યશૈલી સામે પ્રશ્ન ઉઠાવ્યા હતા.
પ્રશાંત ભૂષણ શરૂઆતથી જ સોશિયલ મીડિયા ઉપર બહુ બોલકા રહ્યા છે. વળી એમની અંગત રાજકીય મહત્વાકાંક્ષાઓ પણ હોવાનું કહેવાય છે. જેને પરિણામે તેઓ સતત સરકાર વિરુદ્ધ પ્રશ્નો ઉઠાવતા રહે છે. જો કે એમનું વલણ હમેશા એકતરફી જ રહેતું હોવાને કારણે એમની વિશ્વસનીયતા ઘણી વાર જોખમાઈ છે. ભૂતકાળમાં પ્રશાંત ભૂષણે પોતાના એકતરફી વલણને કારણે સોશિયલ મીડિયા પર પણ વિરોધ સહન કરવો પડ્યો છે. પરંતુ આ વખતે ખુદ સુપ્રીમ કોર્ટે ગંભીર નોંધ લેતા પ્રશાંત ભૂષણ ફસાઈ પડ્યા છે.
કન્ટેમ્પ ઓફ કોર્ટના કેસમાં છ મહિના સુધીની સજા થાય કે પછી બે હજાર રૂપિયાનો દંડ થાય... અથવા જેલની સજા અને દંડ બંને થાય એવી જોગવાઈ હોય છે. કોઈ વ્યક્તિ કોર્ટના હુકમનો અનાદર કરે, કોર્ટની કાર્યવાહીમાં બિનજરૂરી રુકાવટ ઉભી કરે અથવા કોર્ટના સન્માનને હાનિ પહોંચે એવી પ્રવૃત્તિ કરે તો એના ઉપર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ ચાલી શકે છે.
ઇસ ૨૦૦૯માં પ્રશાંત ભૂષણે મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન પ્રશાંત ભૂષણે કેટલાક ભૂતપૂર્વ અને તત્કાલીન જસ્ટિસ ઉપર આરોપ મૂકેલા, એ સમયે પણ કોર્ટે આ વાતની ગંભીર નોંધ લઈને પ્રશાંત ભૂષણ ઉપર કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટનો કેસ કરેલો.
પરંતુ આ કેસ હજી સુપ્રિમ કોર્ટમાં પેન્ડીંગ જ છે. છેલ્લે મે, ૨૦૧૨માં આ કેસની સુનાવણી હાથ ધરાયેલી. ત્યાર બાદ આ કેસમાં કોઈ જ કાર્યવાહી આગળ વધી નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp