શ્રીલંકામાં મોંઘવારી સાતમે આસમાને પહોંચી; દૂધના ભાવ જાણીને તમારી આંખો થઇ જશે પહોળી
વર્લ્ડ ડેસ્ક: ચીનના દેવાની જાળમાં ફસાયેલા શ્રીલંકાની હાલત કફોડી બની રહી છે. ત્યાં મોંઘવારી એટલી હદે વધી ગઈ છે કે લોકો તેમની પ્રાથમિક જરૂરિયાતોને પૂરી પાડવા માટે પણ સંઘર્ષ કરી રહ્યા છે. દેશની આવી પરિસ્થિતિઓથી મજબૂર થઈને દેશના નાગરિકો પેટ ભરવા માટે ભારત તરફ પલાયન કરી રહ્યા છે.
22 માર્ચના રોજ શ્રીલંકાના 16થી વધુ લોકો પાણી મારફતે તમિલનાડુ પહોંચ્યા હતા. આ લોકો મન્નાર અને જાફનાના હોવાનું જણાય છે. રાજ્યના અધિકારીઓનું માનવું છે કે આ તો માત્ર શરૂઆત છે અને આવનારા અઠવાડિયામાં ભારતમાં 2 હજારથી પણ વધુ શરણાર્થીઓ આવી શકે છે. સુરેશ પ્રેમચંદ્રન, જેઓ પોતે શ્રીલંકાના રાજકીય પક્ષના નેતા છે તેમણે જણાવ્યું છે કે, "કામદારો મોંઘવારીના ફુગાવાના કારણે સંઘર્ષ કરી રહ્યા છે અને જો અર્થતંત્ર સ્થિર નહીં થાય તો હજી વધુ લોકો દેશ છોડી શકે એવી પણ શક્યતા જણાઈ રહી છે.
વર્ષ 2020માં કોરોના પછી શ્રીલંકા પર દેવાનો બોજ વધવા લાગ્યો હતો. શ્રીલંકાની આવકનો મુખ્ય સ્ત્રોત પ્રવાસન છે અને કોરોનાકાળ દરમિયાન તેના પર પ્રતિબંધ લાગવાથી સરકારી નીતિનિયમોને કારણે સ્થિતિ વધુ ચિંતાજનક બની છે. શ્રીલંકામાં બધી જ આવશ્યક ચીજવસ્તુઓ જેમાં ખોરાક, કાગળ, ખાંડ, કઠોળ, દવા વાહનવ્યવહારનાં સાધનો બધું જ બહારથી આવે છે પરંતુ કોરોનાકાળ બાદ પ્રવાસન બંધ થઇ જતા શ્રીલંકા પાસે અગાઉની લોન ચૂકવવા માટે પણ પૂરતા પૈસા ન હતા. જેને કારણે આ વર્ષમાં લગભગ 6 બિલિયન ડોલરની ચૂકવણી કરવાની છે, જેમાં 1 બિલિયનના સોવરિન બોન્ડ પણ છે. જોવા જાય તો ફેબ્રુઆરીના અંત સુધીમાં શ્રીલંકા પાસે માત્ર 2.31 બિલિયન ડોલરનું વિદેશી હૂંડિયામણ અનામત હતું.
દેશમાં સ્થિતિ એટલી હદ સુધી બગડી ગઈ છે કે પેપર-શાહીના અભાવને કારણે શ્રીલંકાની સરકારે છેલ્લા અઠવાડિયામાં શાળાની પરીક્ષાઓ રદ કરવી પડી હતી જેની અસર 4.5 મિલિયન વિદ્યાર્થીઓમાં જોવા મળી હતી. તે જ સમયે, દેશમાં LPG ઉપલબ્ધ ન હોવાને કારણે 1000 બેકરીઓ બંધ કરવામાં આવી હતી. કેટલાક લોકો કેરોસીનથી ચલાવી રહ્યા છે. દૂધની કિંમત 2000 રૂપિયાની આસપાસ પહોંચી ગઈ છે. 400 ગ્રામ દૂધ 790 રૂપિયામાં આવી રહ્યું છે. તેવી જ રીતે ચોખા અને ખાંડ પણ ત્યાં 290 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહ્યા છે. અંદાજ મુજબ આ ભાવ એક સપ્તાહમાં રૂ.500 સુધી પહોંચી જશે.
આવી કફોડી પરિસ્થિતિમાં ભારતે પોતાના પડોશી દેશને મદદ કરવા પહેલ કરી છે જેમાં જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ભારતે શ્રીલંકાને $2.4 બિલિયનની મદદ કરી છે તેમજ 17 માર્ચના રોજ ભારતે શ્રીલંકાને $1 બિલયનની લોન આપવાની પણ જાહેરાત કરી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp