ભારતની આઝાદીના દિવસ તરીકે ૧૫ ઓગષ્ટ જ કેમ પસંદ થઈ? જેમાં મહાકાલ નગરી ઉજ્જૈનએ આપ્યો મહત્વનો ફાળો! જાણો વિગતો
આજના ૧૫મી ઓગષ્ટના ઐતિહાસિક દિવસે આપણા ભારત દેશએ સ્વતંત્રતા માટેના લાંબા સંઘર્ષ બાદ આઝાદી મેળવી હતી. મળતી માહિતી પ્રમાણે આમ તો વાઈસરોય લોર્ડ માઉન્ટબેટન 3 જૂન, 1947ના રોજ ભારતની સ્વતંત્રતા અને દેશના ભાગલાની ઔપચારિક જાહેરાત કરવાના હતા, પરંતુ કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓ તેમની જાહેરાતની આગલી રાત્રે તેમને મળ્યા હતા. 2 જૂન, 1947ના રોજ, સાત ભારતીય નેતાઓ લોર્ડ માઉન્ટબેટનના રૂમમાં કરારના કાગળો વાંચવા અને સાંભળવા ગયા હતા.
ડોમિનિક લેપિયર અને લેરી કોલિન્સે 'ફ્રીડમ એટ મિડનાઈટ'માં લખ્યું છે કે, "લૉર્ડ માઉન્ટબેટને વિભાજન અને સ્વતંત્રતાની ઔપચારિક સ્વીકૃતિ માટે ભારતીય નેતાઓ સાથે બેઠક યોજી હતી અને 3 જૂન, 1947ના રોજ સાંજે લગભગ સાત વાગે તમામ નેતાઓ સાથે બેઠક યોજી હતી. મુખ્ય નેતાઓએ બે અલગ-અલગ ઠરાવો પર હસ્તાક્ષર કર્યા અને બે અલગ અલગ દેશ બનાવવા માટે તેમની સંમતિ આપી.
પરંતુ સ્વતંત્રતાનો આ દિવસ પસંદ કરવા પાછળ ફક્ત રાજકીય જ નહીં પરંતુ જ્યોતિષીય ગણતરીઓને પણ મહત્વ આપવામાં આવ્યું હતું. મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેર, જે પ્રાચીન સમયથી જ્યોતિષ અને ખગોળશાસ્ત્રનું કેન્દ્ર રહ્યું છે, તેણે ભારતની સ્વતંત્રતા માટે શુભ સમય શોધવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ઉજ્જૈનના પ્રખ્યાત જ્યોતિષી પંડિત સૂર્યનારાયણ વ્યાસ દ્વારા સ્વતંત્રતાની તારીખનું શુભ મૂહુર્ત શોધી કઢાયું હતું.
અંગ્રેજોએ સ્વતંત્રતા માટે બે વિકલ્પો આપ્યા - 14 ઓગસ્ટ કે 15 ઓગસ્ટ. જો કે, 1946ના અંત સુધીમાં જ સ્પષ્ટ થઈ ગયું હતું કે, અંગ્રેજો ભારત છોડીને જવાના છે. જવાહરલાલ નહેરૂ વડાપ્રધાન બનવાના હતા અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ રાષ્ટ્રપતિ બનવાના હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ઊંડા ધાર્મિક વિચારો ધરાવતા વ્યક્તિ હતા. તેથી તેમણે આઝાદીની તારીખ નક્કી કરવા માટે જ્યોતિષશાસ્ત્રની પણ સલાહ લેવાનું સૂચન આપ્યું હતું.
ડૉ. રાજેન્દ્ર પ્રસાદે તેમના વિશ્વાસુ ગોસ્વામી ગણેશ દત્ત મહારાજ દ્વારા ઉજ્જૈનના પદ્મભૂષણ પંડિત સૂર્યનારાયણ વ્યાસને દિલ્હી બોલાવ્યા હતાં. વ્યાસ એક ક્રાંતિકારી, લેખક અને જ્યોતિષના મહાન વિદ્વાન હતા. રાષ્ટ્રપતિએ તેમને પૂછ્યું- આ બે તારીખમાંથી કઈ તારીખ ભારતની સ્વતંત્રતા માટે શુભ રહેશે? ત્યારે વ્યાસજીએ પંચાંગ ખોલી, ગ્રહો અને તારાઓની ગણતરી કરી અને બાદમાં પોતાનો નિર્ણય આપ્યો.
વ્યાસે કહ્યું હતું કે, 14 ઓગસ્ટની કુંડળીમાં લગ્ન અસ્થિર છે, જે ભારતના ભવિષ્ય માટે સારું નથી. બીજી બાજુ, 15 ઓગસ્ટની મધ્યરાત્રિ (14 અને 15 તારીખની મધ્યરાત્રિ) ના મુહૂર્તમાં સ્થિર લગ્ન છે, જે ભારતની લોકશાહીને મજબૂત બનાવશે. ડૉ. રાજેન્દ્ર પ્રસાદે આ સલાહને મંજૂરી આપી અને રાત્રે બરાબર 12 વાગ્યે, સંસદને શુદ્ધ કરીને આઝાદીની ઘોષણા કરવામાં આવી. પાકિસ્તાને તેની સ્વતંત્રતા 14 ઓગસ્ટ રાખી, પરંતુ ભારતની તારીખ વ્યાસજીના મુહૂર્ત પર આધારિત રહી.
જો કે, આ વાર્તા માત્ર ઈતિહાસના પુસ્તકોમાં જ નથી, પરંતુ તે ઉજ્જૈનમાં હજુ પણ જીવંત છે. ત્યાંના બડા ગણેશ મંદિરમાં સ્વતંત્રતા દિવસ તિથિ અનુસાર ઉજવવામાં આવે છે. જે 1947માં શ્રાવણ કૃષ્ણ ચતુર્દશીનો દિવસ હતો .
પંડિત સૂર્યનારાયણ વ્યાસ ઉજ્જૈનના પ્રખ્યાત જ્યોતિષી હતા. તેમણે સ્વતંત્રતા સંગ્રામમાં પણ સક્રિય ભાગ લીધો હતો. તેઓ બંને હાથે એકસાથે લખવાની અનોખી કળા અને તેમની સચોટ આગાહીઓ માટે પ્રખ્યાત હતા. 1930માં, તેમણે આગાહી કરી હતી કે, 'ભારત 1947માં સ્વતંત્ર થશે અને ડૉ. રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બનશે.' જે પાછળથી સાચું સાબિત થયું હતું. દેશના ટોચના નેતાઓ તેમની જ્યોતિષીય ગણતરીઓ પર આધાર રાખતા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp