હૈતી: કોઈ પણ રાષ્ટ્રના વડાની સુરક્ષા સૌથી મજબૂત હોય છે. તેમની સાથે સુરક્ષાકર્મીઓ આખો દિવસ પડછાયાની જેમ રહે છે. વિદેશ યાત્રા કે મોટા સમારંભોમાં પણ તેમની સુરક્ષાનો પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે. પરંતુ હૈતી (Haiti) દેશના રાષ્ટ્રપતિ જુવેનેલ મોઈઝની (Jovenel Moise) સુરક્ષાની વચ્ચે પણ ઘરમાં ઘૂસીને હત્યા કરી નાંખવામાં આવતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે.
હૈતીના વચગાળાના પીએમ ક્લાઉડ જોસેફે દેશને આ જાણકારી આપી હતી. મીડિયાના રિપોર્ટ્સ અનુસાર, મંગળ-બુધવારની રાત્રે લગભગ ૧ વાગ્યે હુમલાખોર રાષ્ટ્રપતિના ઘરમાં ઘુસ્યા હતા અને તેમની ઉપર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મોઈઝ માર્યા ગયા જ્યારે તેમની પત્નીને ઈજા પહોંચી હતી. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે.
જોસેફે કહ્યું કે પ્રથમ મહિલાને પણ ગોળી મારવામાં આવી છે, જેઓ હાલ હોસ્પિટલમાં દાખલ છે. તેમણે રાષ્ટ્રપતિ પર થયેલ હુમલાની કડક શબ્દોમાં નિંદા કરતા આ કૃત્યને અમાનવીય અને બર્બર કૃત્યુ કહ્યું હતું. સાથે તેમણે લોકોને સંયમ જાળવવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે દેશની સુરક્ષા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવશે અને લોકતંત્રની જીત થશે.’
મોઈઝ સામે ફેબ્રુઆરીમાં પણ પ્રદર્શન થયા હતા
આ હત્યા દેશમાં રાજનીતિક અસ્થિરતાની સ્થિતિ વચ્ચે થઇ છે. આ વર્ષની શરૂઆતમાં જ હૈતીમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન થયા હતા. મોઈઝની રાષ્ટ્રપતિ પદની લાયકાતને લઈને હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. વિપક્ષે કહ્યું હતું કે મોઈઝના પાંચ વર્ષના કાર્યકાળનો આ વર્ષે જ અંત થઇ જવો જોઈતો હતો જ્યારે મોઈઝે પોતે વધુ એક વર્ષ પદ ઉપર રહેશે તેમ કહ્યું હતું.
હૈતીમાં હિંસા સામાન્ય બની ગઈ છે
હૈતીમાં હિંસા જાણે હવે સામાન્ય બની ગઈ છે. હાલમાં જ રાજધાની પોર્ટ-ઓ-પ્રિન્સમાં લાંબા સમય સુધી ગેંગવોર ચાલ્યું હતું. આ મહિને થયેલા ગેંગવોરમાં ૧૩ હજાર લોકો ઘરવિહોણા બન્યા હતા. ઉપરાંત આ દેશ ભૂકંપ સંભવિત ક્ષેત્રોમાં પણ આવે છે. ભૂકંપો ઉપરાંત અહીં વિનાશકારી પૂર પણ આવતા રહે છે.
એક તરફ પ્રાકૃતિક આપદાઓ અને બીજી તરફ રાજકીય અસ્થિરતાને કારણે અહીં અરાજકતા પેદા થાય છે. મજબૂત રાજકીય નેતૃત્વ ન હોવાના કારણે તેનો ફાયદો ઉઠાવીને દેશમાં ઘણા હિંસક ગેંગ બની ગયા જેના કારણે ખૂબ હિંસા થઇ.
લાંબા સમય સુધી રાજનીતિક ઉથલપાથલ બાદ વર્ષ ૨૦૧૬ માં અહીં ચૂંટણી થઇ હતી. જોકે, વિપક્ષે ફ્રોડના આરોપ મૂકીને ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. દેશમાંથી માત્ર ૨૧ ટકા લોકો જ મત આપવા ગયા. આ ચૂંટણીમાં જુવેનેલ મોઈઝ જીતી ગયા હતા. ત્યારબાદ તેઓ રાષ્ટ્રપતિ બન્યા પરંતુ ત્યારબાદ પણ તેમનો વિરોધ ચાલુ જ રહ્યો. આખરે તેમણે જીવ ગુમાવવાનો વારો આવ્યો!