IND Vs Eng Test Series: ચોથી ટેસ્ટ અગાઉ ભારતીય ટીમને લાગ્યો વધુ એક ઝટકો! ઈંગ્લેન્ડના સામેની સીરિઝમાંથી બહાર થયો આ ઓલરાઉન્ડર
Nitish Kumar Reddy ruled out of England Test series: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ સીરિઝ ચાલી રહી છે. ભારતીય ટીમ સીરિઝમાં 1-2થી પાછળ છે. ભારતીય ટીમે બુધવારથી માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચ ટીમ માટે પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, આ ભારતીય ટીમ માટે કરો યા મરો જેવી મેચ છે. પરંતુ આ મેચ અગાઉ ભારતીય ટીમને એક પછી એક ઝટકા લાગી રહ્યા છે.
ભારતીય ટીમને રવિવારે 2 મોટા ઝટકા લાગ્યા છે. પહેલા ફાસ્ટ બોલર આકાશદીપ ઇજાગ્રસ્ત થયાના સમાચાર આવ્યા, ત્યારબાદ મોડી સાંજે ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર આવ્યા. સૂત્રોએ સ્પષ્ટ કરી દીધું છે કે નીતિશ રેડ્ડી ઘૂંટણની ઇજાને કારણે આખી સીરિઝમાંથી બહાર થઈ ગયો છે. નિશ્ચિત રૂપે ચોથી ટેસ્ટમાંથી આ બંને ખેલાડીઓ બહાર થવાને કારણે ભારતને મોટું નુકસાન થશે. ભારતીય ટીમના યુવા કેપ્ટન શુભમન ગિલ સામે હવે સૌથી મોટો પડકાર તેની પ્લેઇંગ ઇલેવનને મેદાનમાં ઉતારવાનો છે.
માન્ચેસ્ટર ટેસ્ટ અગાઉ નીતિશ કુમાર રેડ્ડી ઇજાગ્રસ્ત થયો હોવાના સમાચાર આવ્યા છે. સૂત્રોનું કહેવું માનીએ તો રેડ્ડી જિમ ટ્રેનિંગ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારબાદ તેનું સ્કેન કરાવવામાં આવ્યું અને રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે તેના લિગામેન્ટને નુકસાન થયું છે. મળતી માહિતી મુજબ, નીતિશને ઘૂંટણમાં ગંભીર ઈજા થઈ છે. ત્યારબાદ માન્ચેસ્ટર ટેસ્ટ બાદ ઓવલ ટેસ્ટમાં આ ઓલરાઉન્ડર ભાગ્યે જ ટીમમાં પાછો ફરી શકે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે. નીતિશ રવિવારે માન્ચેસ્ટર યુનાઇટેડના ખેલાડીઓ સાથે મુલાકાત કરનારી ભારતીય ટીમના ખેલાડીઓ સાથે નહોતો. ચોથી ટેસ્ટ અગાઉ આકાશદીપ, અર્શદીપ અને પછી નીતિશની ઇજાઓથી ટીમ મેનેજમેન્ટ સાથે-સાથે ચાહકોને ઝટકો લાગ્યો છે. આ ઉપરાંત, ફાસ્ટ બોલર અંશુલ કંબોજને બેકઅપ તરીકે ટીમ સાથે જોડવામાં આવ્યો છે અને તે ટૂંક સમયમાં જ ટીમમાં જોડાશે.
આ સીરિઝમાં નીતિશના પ્રદર્શનની વાત કરીએ તો ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાલી રહેલી આ ટેસ્ટ સીરિઝમાં નીતિશ કુમાર રેડ્ડી હજુ સુધી પોતાને સાબિત કરી શક્યો નથી. તેણે 4 ઇનિંગ્સમાં 15ની સરેરાશથી 52 રન બનાવ્યા. જેમાં તેનો શ્રેષ્ઠ સ્કોર 30 હતો, જ્યારે બોલિંગમાં તેણે 28 ઓવર ફેંકીને 3 વિકેટ લીધી. એજબેસ્ટન ટેસ્ટની બંને ઇનિંગ્સમાં તે એક પણ વિકેટ લઈ શક્યો નહોતો અને 1-1 રન બનાવીને આઉટ થયો હતો. તો, લોર્ડ્સ ટેસ્ટમાં, તેણે પોતાની પહેલી ઓવરમાં 2 મહત્ત્વપૂર્ણ સફળતા મેળવી અને બીજી ઇનિંગ્સમાં પણ એક વિકેટ લીધી હતી.
જસપ્રીત બૂમરાહ માન્ચેસ્ટર ટેસ્ટમાં રમશે કે નહીં તે હજુ સુધી સ્પષ્ટ નથી. તેણે પહેલાથી જ સંકેત આપ્યો હતો કે તે આ સીરિઝમાં માત્ર 3 ટેસ્ટ મેચમાં ભાગ લેશે. બૂમરાહ લીડ્સમાં રમાયેલી પહેલી ટેસ્ટમાં ભાગ લીધો હતો, જ્યારે તેને બર્મિંઘમમાં બીજી ટેસ્ટમાંથી આરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ તે ત્રીજી ટેસ્ટમાં પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો હતો. હવે એ જોવું રસપ્રદ રહેશે કે તેને ચોથી અને પાંચમી ટેસ્ટમાં સામેલ કરવામાં આવે છે કે નહીં.
બીજી તરફ ફાસ્ટ બોલર આકાશ દીપ ગ્રોઇનની ઇજાથી પીડાઈ રહ્યો છે અને તેની ઉપલબ્ધતા અંગે પણ સ્થિતિ સ્પષ્ટ નથી. મોહમ્મદ સિરાજ અત્યાર સુધી આ સીરિઝની ત્રણેય ટેસ્ટ મેચ રમી ચૂક્યો છે, એટલે એવો સવાલ પણ ઉભો થઈ રહ્યો છે કે શું ટીમ મેનેજમેન્ટ તેને આ મેચમાં આરામ આપશે. એવામાં, ચોથી ટેસ્ટ માટે ભારતીય બોલિંગ આક્રમણમાં શું-શું બદલાવ થશે એ નક્કી થવાનું હજી બાકી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp