ભારતના વધુ એક ગેંગસ્ટરની કેનેડામાં ગોળી મારી કરી હત્યા, NIAની વોન્ટેડ લિસ્ટમાં હતો સામેલ
ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાની આતંકી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને તણાવ ચાલી રહ્યો છે ત્યારે હવે ભારતના વધુ એક વોન્ટેડ ગેંગસ્ટરની કેનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ હત્યા કેનેડાના વિનીપેગમાં શહેરમાં કરવામાં આવી છે.
હાલ ભારત અને કેનેડા વચ્ચે હરદીપ નિજ્જરની હત્યાને લઈને કડવાશ વધી છે ત્યારે હવે પંજાબમાંથી ભાગીને કેનેડામાં બેઠેલા ગેંગસ્ટર સુખદુલસિંહ (Sukhdool Singh) ગીલ ઉર્ફે સુખા દુન્નાકે (Sukha Duneke)ની કેનેડામાં ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. દુન્નાકે પર 10 ગોળીઓ ચલાવવામાં આવી હતી. આરોપી સુખા દુન્નાકે ખાલિસ્તાની આતંકવાદી અર્શદીપ સિંહ ઉર્ફે અર્શ ડલ્લાનો રાઈટ હેન્ડ હતો અને NIAની વોન્ટેડ લિસ્ટમાં સામેલ હતો. સુખા પણ કેનેડામાં બેસીને ભારતમાં તેના સાગરિતો દ્વારા ખંડણીનું કામ કરતો હતો.
ગેંગસ્ટર સુખદુલસિંહ ગીલ ઉર્ફે સુખા દુન્નાકે વર્ષ 2017માં બનાવટી પાસપોર્ટ તૈયાર કરીને કેનેડા ભાગી ગયો હતો. તેણે પોલીસ સાથે મીલીભગતથી કેનેડાના વિઝા મેળવ્યા હતા. પંજાબ પોલીસના બે કર્મચારીઓ પર તેની મદદ કરવાનો આરોપ હતો બાદમાં તેઓની મોગા પોલીસે ધરપકડ કરી હતી. આ ઉપરાંત તેની સામે સાત ગુનાહિત કેસો નોંધાયેલા છે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે જ કેનેડાના સરેમાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજ્જરની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાને લઈને કેનેડાના PM ટુડોએ આરોપ લગાવ્યો હતો કે હરદીપસિંહ નિજ્જરની હત્યામાં ભારત સરકારની સંડોવણી છે આ પછી ભારતે પર વળતો જવાબ આપ્યો અને તમામ નિવેદનોને વાહિયાત ગણાવ્યા હતા.
ભારતના વોન્ટેડ ગેંગસ્ટર સુખદુલસિંહ ગીલ ઉર્ફે સુખા દુન્નાકેની હત્યાની ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ ગેંગે જવાબદારી સ્વીકારી છે. લોરેન્સ બિશ્નોઈ ગેંગે ફેસબુક પર એક પોસ્ટ કરી હતી જેમાં તેણે કેનેડામાં થયેલી હત્યાની જવાબદારી લીધી છે. આ સાથે જ પોસ્ટમાં અન્ય ગેંગસ્ટરોને પણ ધમકી આપવામાં આવી છે કે તેઓ જ્યાં પણ જશે, તેઓને તેમના પાપોની સજા ચોક્કસ મળશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp