બહુ જામ્યું નહીં કે કોઇએ ભાવ ન આપ્યો? 3 પાર્ટીઓમાં ફરી વળ્યા પછી આ નેતાએ કોંગ્રેસમાં કરી ઘર વાપસી
પૂર્વ સાંસદ અશોક તંવર 5 વર્ષ બાદ કોંગ્રેસમાં ઘર વાપસી કરી છે. તંવર મહેન્દ્રગઢ રેલીમાં રાહુલ ગાંધીની સામે કોંગ્રેસમાં જોડાયા હતા. તેમના કટ્ટર વિરોધી ભૂપિન્દર સિંહ હુડ્ડા પણ મંચ પર હતા. રસપ્રદ વાત એ છે કે કોંગ્રેસમાં જોડાવાના એક કલાક અગાઉ સુધી અશોક તંવર ભાજપના ઉમેદવારો માટે રેલી કરી રહ્યા હતા. અશોક તંવર બપોરે 12 વાગ્યે નલવામાં રણધીર પરિહારની તરફેણમાં પ્રચાર કરતા જોવા મળ્યા હતા. પ્રચાર દરમિયાન તેમની સાથે ભાજપના દિગ્ગજ નેતા કુલદીપ બિશ્નોઇ અને રાજસ્થાનના પૂર્વ વિપક્ષી નેતા રાજેન્દ્ર રાઠોડ પણ હતા. આ દરમિયાન તેમણે ભાજપની સરકાર બનાવવાની અપીલ પણ કરી હતી. તંવરે આ અગાઉ જીંદમાં એક રેલી કરી હતી. અહીં તેમણે સફીદોંથી ઉમેદવાર રામ કુમાર ગૌતમ માટે મત માગ્યા હતા.
ભાજપે 2024ની લોકસભા ચૂંટણીમાં અશોક તંવરને સિરસાથી ઉમેદવાર બનાવ્યા હતા. જો કે કોંગ્રેસના કુમારી સૈલજાએ તેમને હરાવ્યા હતા. અશોક તંવર કોંગ્રેસમાં જોડાવા અગાઉ સૈલજા અને સોનિયા ગાંધીને પણ મળ્યા હતા. કહેવાય છે કે સૈલજા અને સોનિયા વચ્ચેની બેઠકમાં તંવરને એન્ટ્રીને લીલી ઝંડી મળી ગઇ હતી. ત્યારબાદ તંવર મહેન્દ્રગઢ જવા રવાના થયા હતા.
અશોક તંવર વર્ષ 2019 અગાઉ હરિયાણા કોંગ્રેસના અધ્યક્ષ હતા, પરંતુ વિધાનસભા ચૂંટણી અગાઉ પાર્ટીએ તેમની જગ્યાએ સૈલજાની તાજપોશી કરી દીધી. નારાજ તંવર પાર્ટી છોડીને AAPમાં જોડાયા. થોડા મહિના AAPમાં રહ્યા બાદ તંવર મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા હતા. જોકે, ત્યાં પણ તેમને સફળતા મળી નહોતી. ત્યારબાદ તંવર ભાજપમાં જોડાયા હતા. ભાજપે લોકસભા ચૂંટણીમાં હરિયાણાની સિરસા બેઠક પરથી તંવરને પણ ઉમેદવાર બનાવ્યા હતા. એમ કહેવામાં આવી રહ્યું છે કે તંવર પણ વિધાનસભા ચૂંટણી લડવા માગતા હતા, પરંતુ તેમને ટિકિટ ન મળી. ત્યારથી તેમણે કોંગ્રેસમાં પાછા ફરવાના પ્રયાસ શરૂ કર્યા હતા.
NSUIથી રાજકીય કારકિર્દી શરૂ કરનાર અશોક તંવર NSUI અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. અશોક તંવરની ગણતરી એક સમયે રાહુલ ગાંધીની નજીકના નેતાઓમાં થતી હતી. વર્ષ 2009માં તંવર કોંગ્રેસની ટિકિટ પર સિરસા બેઠક પરથી સાંસદ તરીકે જીત્યા હતા. 2014ની લોકસભા ચૂંટણી અગાઉ તંવરને હરિયાણા મોકલવામાં આવ્યા હતા. જોકે, તેઓ હિટ સાબિત થયા નહોતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp