ભગવદગીતા સંન્યાસીઓ માટે જ નથી; તેના વક્તા-શ્રોતા બંને ગૃહસ્થી હતાઃ આનંદમૂર્તિ ગુરુમા

ભગવદગીતા સંન્યાસીઓ માટે જ નથી; તેના વક્તા-શ્રોતા બંને ગૃહસ્થી હતાઃ આનંદમૂર્તિ ગુરુમા

11/30/2023 Religion & Spirituality

SidhiKhabar

SidhiKhabar

ભગવદગીતા સંન્યાસીઓ માટે જ નથી; તેના વક્તા-શ્રોતા બંને ગૃહસ્થી હતાઃ આનંદમૂર્તિ ગુરુમા

સાંપ્રત યુગના સૌથી પ્રભાવશાળી સંતોમાં અનોખા મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમાની ગણના થાય છે. આધુનિક તનાવગ્રસ્ત મનુષ્ય આનંદપૂર્ણ અને શાંતિપૂર્ણ જીવન જીવી શકે એ માટેનું જ્ઞાન અને યુક્તિઓનો તેમની પાસે ભંડાર છે. સાથે જ તેઓ આધુનિક વિજ્ઞાન તેમ જ ટેક્નોલોજીના ક્ષેત્રના વિવિધ પ્રવાહો વિશે ઊંડી જાણકારી ધરાવે છે. સુરતના લોકો પણ એમના જ્ઞાન,પ્રવચનનો નિ:શુલ્ક લાભ લઇ શકે એ માટે ઋષિ ચૈતન્ય કથા સમિતિએ પ્રવચન શૃંખલાનું આયોજન કર્યું છે. આવનારા ત્રણ દિવસો દરરોજ સવારે 8થી 10 વાગ્યા સુધી સુરતના સ્વામીનારાયણ સભાગૃહમાં તેમની આ પ્રવચન શૃંખલાનો નિ:શુલ્ક લાભ સુરતવાસીઓ લઈ શકશે.


વૈરાગ્યનો અર્થ ઘરબાર છોડીને જંગલમાં બેસી જવું એવો નથી. વૈરાગ્ય એટલે હું અને મારુંનો અહંકાર ન હોય. જે કંઈ છે એ ઈશ્વરનો પ્રસાદ છે એવું સમજીને જો જીવનનો નિર્વાહ કરીએ તો ચિંતા-ફિકર અને ભયથી મુક્ત થઈ જઈએ છીએ. શ્રીકૃષ્ણે ભગવદ્ગીતામાં પોતાના મિત્ર અને શિષ્ય અર્જુનને આજ શીખ આપી છે. કોણ જાણે કેમ એવી માન્યતા થઈ ગઈ છે કે ભગવદ્ગીતા ફક્ત સંન્યાસીઓ માટે છે, જ્યારે હકીકત એ છે કે ભગવદગીતાના વક્તા શ્રીકૃષ્ણ અને શ્રોતા અર્જુન બંને ગૃહસ્થી હતા. ગીતાના પહેલા અધ્યાયમાં જ્યારે અર્જુન કહે છે કે હું બધું છોડીને સંન્યાસી થઈ જાઉં ત્યારે શ્રીકૃષ્ણ તેને યુદ્ધ કરવા માટે પ્રેરિત કરે છે. સુરત ખાતે સ્વામીનારાયણ સભાગૃહમાં 30 નવેમ્બરથી 4 ડિસેમ્બર ચાર દિવસ માટે યોજાયેલી ‘કર્મ-સિદ્ધાંતનું રહસ્યપ્રવચન શૃંખલામાં સેંકડોં શ્રોતાઓને સંબોધતા આધુનિક મહિલા સંત આનંદમૂર્તિ ગુરુમાએ આ શબ્દો કહ્યા હતા.

જેમ મારુતિ કારમાં બેસનારા માણસનું નામ મારુતિ નથી થઈ જતું, એટલે કે કાર એ તેમાં બેસનારનો પરિચય ન હોઈ શકે, એ જ રીતે આપણે આ શરીરમાં રહીએ છીએ પણ આપણે શરીર નથી. આપણે આ શરીરરૂપી કારમાં વસીએ છીએ, પણ આપણે કાર નથી બની જતા. ભગવદ્ગીતાના પંદરમા અધ્યાયના સાતમા શ્લોકને આધાર બનાવીને અધ્યાત્મના ગૂઢ રહસ્યને સાવ સરળ શબ્દોમાં સમજાવતા આનંદમૂર્તિ ગુરુમાએ કહ્યું હતું કે આ શરીર આપણી અસલી ઓળખ નથી. ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે એમ આપણે એટલે કે જીવ પરમાત્માનો અંશ છે. જેમ બલ્બનો ફ્યુઝ ખતમ થઈ જાય તો ઇલેક્ટ્રિસિટી ખતમ થઈ જતી નથી એ જ રીતે દેહના મરવાથી આપણે ખતમ આપણે તો સનાતન છીએ. એક વાર આ વાત સમજાઈ જાય પછી સુખ-દુઃખ, માન-અપમાન કે ભય આપણને અસર કરી શકતા નથી.


આ સંસારનો ખેલ છે- પાંચ જ્ઞાનેન્દ્રિય અને મનનો. આંખ, કાન, નાક, જીભ અને ત્વચા આ પાંચ ઇન્દ્રિયના માધ્યમથી મન સંસારને ભોગવે છે અને એમાંથી મળતા સુખ પાછળ દોડતું રહે છે. આપણે સ્વયં સચ્ચિદાનંદ છીએ કારણ કે આપણે પરમાત્માનો જ અંશ છીએ, પરંતુ આ વાત આપણે ભૂલી ગયા છીએ. સુખ મેળવવા આપણે સંસારમાં ભાગીએ છીએ અને છેવટે દુઃખ. પીડા અને ભયને પામીએ છીએ. જ્યાં સુધી આત્માનો બોધ નહીં થાય ત્યાં સુધી આનંદ નહીં થાય અને એ માટે આપણે પોતાના અસલ સ્વરૂપને જાણવું પડશે એવું તેમણે દ્રષ્ટાંતોની મદદથી સમજાવ્યું હતું.

ઘણા લોકો પૂછે છે કે સત્સંગની શું આવશ્યકતા છે અને એનો શું ફાયદો છે? આનો જવાબ આપતા તેમણે કહ્યું હતું કે મહાત્માઓ તમને મહાન વિચાર આપીને મહાન બનાવી દે છે. વિચાર કરવાની ક્ષમતા આ સૃષ્ટિમાં ફક્ત મનુષ્ય પાસે જ છે, અન્ય કોઈ જીવ પાસે નથી. માત્ર ખાવા-પીવા કે પહેરવા-ઓઢવા અને શોપિંગ વિશેના વિચારો કરવાથી આપણે મનુષ્ય નથી બની જતા. પરંતુ મનુષ્ય એ છે કે જેને એ સવાલ ઉપસ્થિત થાય છે કે હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારા જીવનનું લક્ષ્ય શું છે? તમે આનંદસ્વરૂપ છો એનું તમને વિસ્મરણ થઈ ગયું છે અને સત્સંગ થકી તમારા આનંદસ્વરૂપ નું સ્મરણ કરાવવા અમે હરિયાણાથી અહીં આવ્યા છીએ એવું આનંદમૂર્તિ ગુરુમાએ જણાવ્યું હતું.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top