ગઈકાલ સુધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક રહેલા દિગ્ગજ નેતા આજે ભાજપમાં જોડાયા, ગાંધી પરિવારને વધુ એક

ગઈકાલ સુધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક રહેલા દિગ્ગજ નેતા આજે ભાજપમાં જોડાયા, ગાંધી પરિવારને વધુ એક ઝટકો

01/25/2022 Politics

SidhiKhabar

SidhiKhabar

ગઈકાલ સુધી કોંગ્રેસના સ્ટાર પ્રચારક રહેલા દિગ્ગજ નેતા આજે ભાજપમાં જોડાયા, ગાંધી પરિવારને વધુ એક

પોલિટીકલ ડેસ્ક: ગઈકાલ સાંજ સુધી કોંગ્રેસની સ્ટાર પ્રચારકોની યાદીમાં સ્થાન પામનાર પાર્ટીના દિગ્ગજ નેતા આરપીએન સિંહ આજે કોંગ્રેસમાંથી રાજીનામુ આપીને ભાજપમાં જોડાઈ ગયા છે. આજે સવારે તેમણે કોંગ્રેસ પાર્ટીના સભ્યપદેથી રાજીનામુ આપી દીધું હતું, ત્યારબાદ બપોરે ભાજપમાં પણ જોડાઈ ગયા હતા. 

ભાજપનું સભ્યપદ ગ્રહણ કરવા પહેલા તેમણે ટ્વીટ કર્યું, ‘આ મારા માટે એક નવી શરૂઆત છે. હું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જેપી નડ્ડા જી અને માનનીય ગૃહ મંત્રીશ્રી અમિત શાહજીના દૂરદર્શી નેતૃત્વ અને માર્ગદર્શનમાં રાષ્ટ્રનિર્માણ માટે પોતાનું યોગદાન આપવા માટે તત્પર છું.’ તેમની તસવીરમાં એક તરફ ભાજપનું ચિહ્ન પણ જોવા મળે છે. 


કોંગ્રેસે ગઈકાલે ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી હતી. જેમાં આરપીએન સિંહનું નામ પણ સામેલ હતું. પરંતુ હવે આજે તેઓ ભાજપમાં જોડાઈ ગયા છે. 

ભાજપમાં સામેલ થયા બાદ આરપીએન સિંહે કહ્યું, 32 વર્ષો સુધી હું એક પાર્ટીમાં રહ્યો. ઈમાનદારીથી મહેનત કરી, પરંતુ જ્યાંથી મેં શરૂઆત કરી હતી તે પાર્ટી કે વિચારધારા હવે રહ્યા નથી. રાષ્ટ્રનિર્માણ માટે, દેશને આગળ વધારવા માટે હું એક કાર્યકર્તા તરીકે હું પૂરેપૂરા પ્રયત્નો કરીશ. ઘણા સમયથી મને ભાજપમાં જોડવા માટે કહેવામાં આવી રહ્યું હતું, હું પણ વિચાર કરી રહ્યો હતો. પરંતુ એટલું જ કહીશ કે, દેર આયે, દૂરસ્ત આયે.’ 

તેમણે કહ્યું કે, ‘છેલ્લા પાંચ વર્ષથી ડબલ એન્જિન સરકારે મોટી યોજનાઓ દ્વારા પૂર્વાંચલના લોકોના સપનાને હકીકતમાં બદલવાનું કામ કર્યું છે. કાનૂન વ્યવસ્થા સુધારવાનું કામ પણ યોગી સરકારે બહુ સારી રીતે કર્યું છે. એક નાના કાર્યકર્તા તરીકે જે પણ કામ મને સોંપવામાં આવે તે કરવા માટે હું તત્પર છું.’


રતનજીત પ્રતાપ નારાયણ સિંહ પડરૌનાના રાજ પરિવારના સભ્ય છે. તેમને રાજા સાહેબ પણ કહેવાય છે. તેઓ 1996 થી 2009 સુધી કુશીનગર જિલ્લાના પડરૌના વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય રહ્યા હતા. 2009 માં તેઓ કોંગ્રેસની ટિકિટ પર કુશીનગર લોકસભા બેઠક પરથી જીત્યા હતા. તેઓ યુપીએ-2 સરકારમાં રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ, પેટ્રોલિયમ તેમજ ગૃહ રાજ્યમંત્રી પણ રહી ચૂક્યા છે. 

RPN સિંઘ વર્ષ 2014 અને 2019 માં લોકસભા ચૂંટણી લડ્યા હતા પરંતુ બંને ચૂંટણીમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો. હાલ તેઓ કોંગ્રેસના મહાસચિવ અને ઝારખંડના પ્રભારી હતા. તેમના પિતા સ્વ. સીપીએન સિંહ ઇન્દિરા ગાંધી સરકારમાં રક્ષા રાજ્ય મંત્રી રહી ચૂક્યા હતા. 

આરપીએન સિંહે 2009 માં કુશીનગર લોકસભા બેઠક પરથી તત્કાલીન બસપા સરકારના દિગ્ગજ નેતા અને બસપા પ્રદેશ અધ્યક્ષ સ્વામી પ્રસાદ મૌર્યને હરાવ્યા હતા. સ્વામી પ્રસાદ મૌર્ય ભાજપમાં રહી યોગી સરકારમાં મંત્રી રહ્યા બાદ હવે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે ત્યારે રાજનીતિક વર્તુળોમાં ચર્ચા ચાલી રહી છે કે ભાજપ આરપીએન સિંહને સ્વામી પ્રસાદ મૌર્ય સામે ચૂંટણીમાં ઉતારશે. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top