ભાજપના જ પાંચ ધારાસભ્યોએ 'લેટર બોમ્બ' ફોડી માંડ્યો સરકાર સામે મોરચો! સીએમ ભુપેન્દ્ર પટેલ શું કાર્યવાહી કરશે?
ગુજરાતના રાજકારણમાં ફરી કઇક નવું થવાના એંધાણ વર્તાઈ રહ્યા છે. ગુજરાતમાં સત્તાધારી પક્ષ ભાજપના જ ધારાસભ્યો હવે પોતાની સરકારના વહીવટી તંત્ર સામે મેદાને પડ્યા છે. અધિકારી રાજ ચાલી રહ્યું છે તેવા દાવાઓ ઘણા થયા પણ હવે ભાજપના જ 5 ધારાસભ્યોએ હકીકત જણાવી સરકાર અને અધિકારી બંનેના કાન મરડ્યા છે. વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઉદ્દેશીને એક પત્ર લખતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આ પત્રમાં અધિકારીઓની મનસ્વીતા અને પ્રજાના કામો પ્રત્યેની બેદરકારીને લઈને ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
વડોદરા જિલ્લાના પાંચ ભાજપ ધારાસભ્યો કેતન ઈનામદાર, અક્ષય પટેલ, શૈલેષ સોટ્ટા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખી અધિકારીઓના અણધડ વહીવટ સામે બળાપો ઠાલવ્યો છે. ધારાસભ્યોએ પત્રમાં રોષ ઠાલવતાં લખ્યું છે કે, 'હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસને પોતાનું નાનું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવા જેવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થયા છે. અધિકારીઓ સરકારના સચિવો સાથે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવે છે, જ્યારે સરકારને હકીકતોથી દૂર રાખવામાં આવે છે.'
ઉલ્લેખનીય છે કે, વડોદરા જિલ્લાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખી જિલ્લાના સરકારી અધિકારીઓ કામો કરતા નથી, તે અંગેની સામૂહિક ફરિયાદ કરતાં ભાજપમાં ભાંજગડ શરુ થઈ છે. બીજી તરફ એવો પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે અધિકારીઓ કોનું કામ નથી કરતાં પ્રજાનું કે નેતાઓનું? રાજકીય વિશ્લેષકો આ પત્રને 'લેટર બોમ્બ' તરીકે જોઈ રહ્યા છે, કારણ કે ધારાસભ્યોએ પોતાની જ સરકારના તંત્ર સામે મોરચો માંડીને એક રીતે સરકારનું 'નાક દબાવ્યું' હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. આગામી દિવસોમાં જ્યારે કોર્પોરેશનનો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતની ચૂંટણી આવી રહી છે ત્યારે ધારાસભ્યોનો આ બળવા સૂર ભાજપ માટે ચિંતાનો વિષય બન્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp