ગૃહમંત્રી અમીત શાહ નેતાઓ માટે લાવી રહ્યા છે લોકસભામાં આ નવું બિલ, હવે નહીં કરી શકે પદનો દુરુપયોગ, જાણો કેવી રીતે?
કેન્દ્ર સરકાર બુધવારે લોકસભામાં 3 બિલ રજૂ કરવા જઈ રહી છે જે લોકતંત્રના પ્રતિનિધિઓને સીધા અસર કરશે. આ બિલમાં જો કોઈ પણ લોકતંત્રના પ્રતિનિધિઓ જેમકે પ્રધાનમંત્રી, કેન્દ્રીય મંત્રી, મુખ્યમંત્રી અને મંત્રીઓની જો ગંભીર કેસોમાં ધરપકડ કે અટકાયત કરવામાં આવે તો તેમને પદ પરથી હટાવી શકાય. હાલ બંધારણમાં એવા કોઈ કાયદાની જોગવાઈ નથી, જેમાં ગંભીર ગુનાઓના કેસમાં ધરપકડ કે જ્યૂડિશિયલ કસ્ટડીની સ્થિતિમાં નેતાઓને તેમના પદ પરથી દુર કરી શકાય. તેથી સરકાર દ્વારા આ ખામીને ધ્યાનમાં લઈને તેને દુર કરવા બંધારણમાં નવી જોગવાઈઓ કરવામાં આવી છે. જેને લઈને આ ૩ બિલ સંસદમાં રજૂ કરાશે.
કેન્દ્ર સરકાર દ્વારા બુધવારે જે બિલ રજૂ કરાશે તેમાં સંઘ રાજ્ય ક્ષેત્ર સરકાર (સંશોધન) બિલ 2025, સંવિધાન (એક સો ત્રીસમું સંશોધન) બિલ 2025, અને જમ્મુ કાશ્મીર પુર્નગઠન (સંશોધન) બિલ 2025 સામેલ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આ 3 બિલોને સંસદની સંયુક્ત સિતિને મોકલવા માટે લોકસભામાં પ્રસ્તાવ પણ રજૂ કરશે.
અત્રે જણાવવાનું કે કેન્દ્ર શાસિત પ્રદેશ (સંશોધન) બિલ, 2025ના હેતુઓ અને કારણોના વિવરણ મુજબ કેન્દ્ર શાસિત પ્રદેશ અધિનિયમ 1963 (1963 નો 20)માં એવી કોઈ જોગવાઈ નથી, જે હેઠળ મુખ્યમંત્રી કે મંત્રીને ગંભીર અપરાધિક આરોપોમાં ધરપકડ કે અટકાયતની સ્થિતિમાં હટાવી શકાય. આથી આ કાયદાની કલમ 45માં સંશોધન કરીને એવી સ્થિતિ માટે કાયદાની જોગવાઈ જરૂરી છે. આ બિલ ઉપરોક્ત હેતુઓને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે.
બંધારણ (130મું સંશોધન) બિલ 2025ના હેતુઓમાં કહેવાયું છે કે, બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી કે કોઈ મંત્રીને ગંભીર અપરાધિક કેસોમાં ધરપકડ કે અટકાયતની સ્થિતિમાં હટાવી શકાય. આથી બંધારણની કલમ 75, 0164 અને 239એએમાં સંશોધન કરીને પ્રધાનમંત્રી કે કેન્દ્રીય મંત્રી અને રાજ્યો તથા દિલ્હીના મુખ્યમંત્રી કે મંત્રીને હટાવવાની જોગવાઈ કરવાની જરૂર છે. તેથી આ નવી જોગવાઈઓ હેઠળ જો કોઈ રાજકારણીને પાંચ વર્ષ કે તેનાથી વધુની સજાવાળા ગુના માટે સતત 30 દિવસ સુધી કસ્ટડીમાં રાખવામાં આવે તો ૩૧માં દિવસે તેમને પદ પરથી આપોઆપ હટાવી શકાય છે.
જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન (સંશોધન) બિલ 2025ના હેતુઓમાં પણ કહેવાયું છે કે, જમ્મુ અને કાશ્મીર પુર્નગઠન અધિનિયમ 2019 (2019નો 34)માં પણ એવી કોઈ જોગવાઈ નથી જે હેઠળ મુખ્યમંત્રી કે મંત્રીને ગંભીર અપરાધિક આરોપો હેઠળ ધરપકડ અને અટકાયતની સ્થિતિમાં હટાવી શકાય. આથી તેની કલમ 54માં સંશોધન કરીને આ નવો ખંડ (4એ) જોડવામાં આવશે.
બંધારણીય નૈતિકતાનું રક્ષણ કરવાની અને ચૂંટાયેલા પ્રતિનિધિઓમાં જાહેર વિશ્વાસ જાળવવાની તાત્કાલિક જરૂરિયાત પર ભાર મૂકે છે. ચૂંટાયેલા નેતાઓ લોકોની આશાઓ અને આકાંક્ષાઓનું પ્રતિક છે, પરંતુ હાલમાં બંધારણમાં ગંભીર ગુનાઈત આરોપોમાં ધરપકડ અને અટકાયતમાં લેવાયેલા વડાપ્રધાન અથવા મંત્રીને દૂર કરવાની કોઈ જોગવાઈ નથી. તેથી ગંભીર ગુનાહિત આરોપોનો સામનો કરી રહેલા, ધરપકડ અને અટકાયતમાં લેવાયેલા મંત્રીઓ બંધારણીય નૈતિકતા અને સુશાસનના સિદ્ધાંતોને અડચણ ઊભી કરી તેને અવરોધી શકે છે, જેનાથી જનતા દ્વારા તેમના પર મૂકવામાં આવેલા બંધારણીય વિશ્વાસ નબળો પડી શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp