શું રાજ્ય બની રહ્યું છે 'ઉડતા ગુજરાત'? ફરી પકડાયું MD ડ્રગ્સ
MD Drugs in Ahmedabad: ગુજરાતમાં સતત ડ્રગ્સ પકડાઈ રહ્યું છે. એમ લાગે છે કે ગુજરાત ડ્રગ્સમય બની રહ્યું છે. થોડા દિવસ અગાઉ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) અને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) દ્વારા સંયુક્ત ઑપરેશન દરમિયાન 700 કિલો ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. બાતમીના આધારે ગુજરાત ATSની ટીમ અને NCBની ટીમે મોડી રાત્રે દરિયામાં ઑપરેશન હાથ ધર્યું હતું. આ દરમિયાન એક બોટમાંથી 700 કિલો ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો છે. આ સાથે 8 જેટલા ઈરાની લોકોની ધરપકડ કરવામાં આવી હતી. તો બુધવારે અમદાવાદના નારણપુરામાંથી 25 લાખનું MD ડ્રગ્સ ઝડપાયું હતું.
SOGની ટીમે બુધવારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાંથી જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરમાં દરોડા પાડીને 256.860 ગ્રામ ડ્રગ્સ જપ્ત કર્યું હતું. જેની અંદાજિત કિંમત 25 લાખથી વધુ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. આ છાપેમારી દરમિયાન 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે 7 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. હવે વધુ એક વખત ડ્રગ્સ પકડાયું છે. ચાલો જાણીએ શું છે આખો મામલો અને ક્યાંથી ડ્રગ્સ પકડાયું.
ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં છાપેમારી કરીને જીસાન ઉર્ફે દત્તા પાવલે નામના આરોપીને દબોચ્યો હતો. તેની પાસેથી 1.23 કિલો MD ડ્રગ્સ પકડાયું છે, જેની કિંમત અંદાજે એક કરોડ છે. ડ્રગ્સની સાથે 2 બંદૂક, 40 રાઉન્ડ કાર્ટિસ અને 18 લાખ રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે. આરોપી સામે આ અગાઉ પણ 8 જેટલા ગુના દાખલ થઇ ચૂક્યા છે. ડ્રગ્સ કેવી રીતે શહેરમાં પહોંચ્યું? તેણે કોની પાસેથી ડ્રગ્સ ખરીદ્યુ અને કોને આપવાનું છે? જેવી અન્ય માહિતી જાણવા માટે પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp