સુરતમાં નકલી હૉસ્પિટલ બાદ હવે બોગસ નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ ઝડપાઈ
Fake Nursing Institute In Surat: ગુજરાતમાં મેડિકલ કૉલેજો, ડૉક્ટરો અવાર-નવાર બોગસ હોવાનું સામે આવી ચૂક્યું છે. સુરતમાં એક બાદ એક નકલી વસ્તુઓનો પર્દાફાશ થઈ રહ્યો છે. થોડા દિવસ અગાઉ સુરતમાં પાંડેસરા વિસ્તારમાં બોગસ ડૉક્ટરોએ હૉસ્પિટલ શરૂ કરી દેવાની ઘટના સામે આવી હતી. નકલી ફૂડ, નકલી પોલીસ, નકલી ડૉક્ટર અને હવે રૂપિયાની કમાણી કરવા મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ બોગસ રીતે ખોલીને વિદ્યાર્થીઓના ભાવિ સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે.
પુણા પાટિયા ખાતે આવેલા લા સીટાડેલ કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં બોગસ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટ ચાલી રહ્યું છે. જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટ્યૂટના નામથી નર્સિંગ સહિતના 5 કોર્સ ચલાવવામાં આવી રહ્યા હતા. તેમાં GNM, DMLT, DPC, X-RAY, CT-SCANના કોર્સ ચાલતા હતા. વિદ્યાર્થિનીઓને ભણાવીને પરીક્ષા માટે બેંગ્લોર મોકલાતા હતા. વિદ્યાર્થિનીઓએ જ બેંગ્લોર પરીક્ષા આપવા જતી હોવાનું કબૂલાત કરી છે. અહીં વિદ્યાર્થીઓ પાસેથી મોટી ફી લેવાની સાથે ડોક્યૂમેન્ટ લઈ લેવામાં આવતા હતા.
ગુજરાત નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઇકબાલ કડીવાલાએ જણાવ્યું હતું કે, જીવનદીપ મેડિકલ ઇન્સ્ટિટયૂટ નામનું કોઈપણ ઇન્સ્ટિટયૂટ નર્સિંગ કાઉન્સિલમાં નોંધાયેલું નથી. આ એકદમ બોગસ છે. આવા ઇન્સ્ટિટયૂટ સામે પગલાં લેવાવા જોઈએ અને પોલીસ કાર્યવાહી થવી જોઈએ.
યુથ કોંગ્રેસના મહામંત્રી રવિ પૂછડિયાએ જણાવ્યું હતું કે, અહીં માત્ર 10x20ની દુકાન છે. જેમાં એક નાની ઓફિસ બનાવી દેવામાં આવી છે. પાછળના ભાગમાં બેંચ ગોઠવી દેવામાં આવી છે. અહીં ભણાવાતા કોર્સની ફી 80 હજાર સુધીની છે. અહીં ભણતા વિદ્યાર્થીઓના ભવિષ્યને અંધકારમય બનાવવામાં આવી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp