રાજનાથસિંહ અને ચીનના રક્ષા મંત્રી ડોંગ જૂન વચ્ચે યોજાઈ મહત્ત્વપૂર્ણ બેઠક, ગલવાનનો પણ ઉલ્લેખ
રક્ષા મંત્રી રાજનાથસિંહે બુધવારે વિયેન્તીયાનેમાં તેમના ચીની સમકક્ષ ડોંગ જૂન સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી. આ વાતચીત એવા સમયે થઈ છે જ્યારે થોડા અઠવાડિયા અગાઉ જ ભારત અને ચીનની સેનાએ પૂર્વ લદ્દાખના 2 સંઘર્ષ વિસ્તારોમાંથી સૈનિકોને હટાવી લીધા હતા. આ બેઠક લાઓસની રાજધાનીમાં 10-રાષ્ટ્રોના આસિયાન જૂથ અને તેના કેટલાક સંવાદ ભાગીદારોના શિખર સંમેલન દરમિયાન થઈ હતી. બેઠકમાં તેમણે કહ્યું કે બંને દેશોએ ગલવાન જેવી અથડામણ ટાળવી જોઈએ.
ચીનના સમકક્ષ ડોંગ જૂન સાથેની બેઠક બાદ રાજનાથ સિંહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને કહ્યું કે, 'વિયેન્તીયાનેમાં ચીનના રક્ષા મંત્રી એડમિરલ ડોંગ જૂન સાથે ખૂબ જ ઉપયોગી બેઠક થઈ. અમે પરસ્પર વિશ્વાસ અને સમજણ પુનઃનિર્માણ કરવાના એક રોડમેપની દિશામાં સાથે મળીને કામ કરવા સહમત થયા છીએ.
ભારત અને ચીનની સેનાએ ગયા મહિનાના અંતમાં ડેમચોક અને ડેપસાંગ અલગ થવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. અગાઉ, ઘણી વાતચીત બાદ, બંને પક્ષો વચ્ચે સરહદ વિવાદ ઉકેલવા માટે સમજૂતી થઈ હતી. બંને પક્ષોએ લગભગ સાડા ચાર વર્ષના ગાળા બાદ બંને વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ ચાલુ કરી હતી
રક્ષા મંત્રી રાજનાથસિંહની વિયેન્તીયાનમાં ત્રણ દિવસીય મુલાકાત બુધવારે આસિયાન સંરક્ષણ મંત્રીઓની બેઠક-પ્લસ (ADMM-પ્લસ)માં હાજરી આપવાના મુખ્ય ઉદ્દેશ્ય સાથે શરૂ થઈ હતી. ADMM-Plus એ 10-રાષ્ટ્રો ASEAN (એસોસિએશન ઑફ સાઉથ-ઈસ્ટ એશિયન નેશન્સ) અને તેના આઠ સંવાદ ભાગીદારો - ભારત, ચીન, ઑસ્ટ્રેલિયા, જાપાન, ન્યુઝીલેન્ડ, રિપબ્લિક ઑફ કોરિયા, રશિયા અને યુનાઇટેડ સ્ટેટ્સનો સમાવેશ કરતું એક મંચ છે. લાઓસ એડીએમએમ-પ્લસના વર્તમાન અધ્યક્ષ તરીકે બેઠકનું આયોજન કરી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp