Fire Incident: આ ગામમાં ભીષણ લાગી આગ, નવા વર્ષે 17 ઘરો બળીને રાખ થયા, જુઓ વીડિયો
Kullu Fire Incident: નવા વર્ષ નિમિત્તે સર્વત્ર ઉજવણી કરવામાં આવી રહી હતી. ત્યારે જ હિમાચલ પ્રદેશમાં કલ્લૂની બંજાર ઘાટીના એક ગામમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગના કારણે સેંકડો લોકો બેઘર બન્યા હતા. લગભગ 17 ઘર બળીને રાખ થઈ ગયા. 5 કલાકની ભારે જહેમત બાદ ગામમાં આગ પર કાબૂ મેળવી શકાયો હતો. આ દુર્ઘટના કુલ્લૂની બંજાર ઘાટીમાં જિભીના તાંદી નામના ગામમાં બની હતી.
જિભી એક પ્રખ્યાત પર્યટન સ્થળ છે. ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે સૌથી પહેલા ગૌશાળામાં આગ લાગી હતી. ત્યારબાદ થોડી જ વારમાં ગામના અનેક ઘર આગની લપેટમાં આવી ગયા. આ દુર્ઘટના દરમિયાન ગ્રામજનોએ આગને ઓલવવાનો ખૂબ પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ ગયા હતા અને આગ ફેલાઈ રહી હતી.
આ દુર્ઘટનામાં 17 ઘરોની સાથે 7 ગૌશાળાઓ અને દેવતા શેષનાગનો ભંડાર પણ બળીને રાખ થઈ ગયો હતો. આ ઘટનામાં 100 જેટલા લોકોના ઘર નજર સમક્ષ બળીને રાખ ગયા હતા. આગ અંગેની માહિતી ફાયર બ્રિગેડની ટીમને આપવામાં આવી હતી. ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ઘરોને સળગતા બચાવી શક્યા નહોતા. હિમાચલ પ્રદેશ ડિઝાસ્ટર મેનેજમેન્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટનાના કારણે 10 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિનું નુકસાન થયું છે.
View this post on Instagram A post shared by SidhiKhabar (@sidhikhabar)
A post shared by SidhiKhabar (@sidhikhabar)
અકસ્માતમાં જે લોકોના ઘર બળી ગયા છે. વહીવટીતંત્ર અસરગ્રસ્ત પરિવારોને મદદ આપવાની વાત કહેવામાં આવી છે. વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્ત પરિવારોને 15,000 રૂપિયાની રાહત આપવાની જાહેરાત કરી છે. આ સાથે અસરગ્રસ્તોને તાડપત્રી, રજાઇ, ધાબળા, વાસણો અને તમામ જરૂરી ચીજવસ્તુઓ પણ આપવામાં આવી છે અને રાશનનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. જ્યારે કુલ્લૂના ધારાસભ્ય સુરેન્દ્ર શૌરીને આ ઘટનાની જાણકારી મળી તો તેઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
તેમણે જણાવ્યું કે, ભીષણ અગ્નિકાંડ થયો છે. લોકોના ઘર, ગૌશાળા અને દેવતા શેષનાગના ભંડાર પણ બળી ગયા છે. પીડિતોને સંપૂર્ણ સહાય આપવામાં આવી રહી છે. કુલ્લૂના DCએ કહ્યું કે રાહતની વાત છે કે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આ ઉપરાંત રાજ્યના વડા સુખવિંદર સિંહ સુક્ખૂએ પણ આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. આ ઘટના કેવી રીતે બની? તે હજુ સુધી જાણી શકાયું નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp