૧ કરોડનો ઇનામી નક્ષલવાદી હિડમા તેની પત્ની સહિત ઠાર મરાયો, ૨૬ મોટા હુમલાઓ કરી આટલા લોકોનો લીધો હતો જીવ, જાણો વિગતે
આંધ્ર પ્રદેશમાં નક્સલવાદ સામેની લડાઈમાં સુરક્ષા દળો માટે આજનો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. અલ્લુરી સીતારામ રાજુ (ASR) જિલ્લાના મારેદુમિલ્લીમાં કરવામાં આવેલા એક સફળ ઓપરેશનમાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી છે. જેમાં કુખ્યાત અને મોસ્ટ વોન્ટેડ નક્સલી કમાન્ડર માડવી હિડમા અને તેની બીજી પત્ની રાજે ઉર્ફે રાજાક્કા સહિત છ નક્સલીઓને ઠાર મરાયા છે. ભારતની સુરક્ષા એજન્સીઓ માટે હિડમા વર્ષોથી માથાનો દુખાવો બની રહ્યો હતો.
હિડમા પર ઓછામાં ઓછા 26 મોટા સશસ્ત્ર હુમલાઓ પાછળ માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ હતો. 1981માં છત્તીસગઢના સુકમા વિસ્તારમાં જન્મેલો હિડમા CPI (માઓવાદી)ની સેન્ટ્રલ કમિટીમાં સૌથી નાનો સભ્ય હતો અને PLGA બટાલિયન નંબર 1નો વડો હતો. તેના માથા પર ₹1 કરોડનું ઇનામ જાહેર હતું. 43 વર્ષીય માડવી હિડમા લાંબા સમયથી સુરક્ષા દળોના નિશાન પર હતો.
અહેવાલો અનુસાર, સુરક્ષા દળો અને નક્સલવાદીઓ વચ્ચે થયેલા એન્કાઉન્ટરમાં હિડમાની બીજી પત્ની રાજે ઉર્ફે રાજાક્કા પણ ઠાર થઈ છે. હિડમાનું મૃત્યુ એ નક્સલ વિરોધી ઓપરેશનમાં એક મોટી જીત માનવામાં આવે છે. તેના ઠાર થવાથી આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB) અને છત્તીસગઢના નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં નક્સલી સંગઠનના નેટવર્કને મોટો ફટકો પડશે. જો કે, સુરક્ષા દળોએ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું છે.
અનુસાર, આ ઓપરેશન સવારે 6 થી 7 વાગ્યા વચ્ચે શરૂ થયું હતું અને સુરક્ષા દળોએ ચોક્કસ સૂત્રો પર આધાર રાખીને માઓવાદીઓના કેમ્પને ચારેબાજુથી ઘેરી લીધો હતો. તેની સામે માઓવાદીઓએ ભારે ફાયરિંગ કર્યું હતું, પરંતુ સુરક્ષા દળોએ કુશળતાથી સમગ્ર વિસ્તાર કાબૂમાં લીધો. સુરક્ષા એજન્સીઓ અનુસાર આ ઘટના પછી બસ્તરના ઘણા વિસ્તારોમાં માઓવાદી પ્રવૃત્તિઓ ઘટી જશે. એકંદરે, હિડમાનો અંત બસ્તરમાં શાંતિ સ્થાપન તરફનો મહત્વપૂર્ણ મોરચો માનવામાં આવે છે.
હિડમાએ વર્ષો સુધી બસ્તરના જંગલોમાં નક્સલવાદી હિંસાનું નેટવર્ક ઉભું રાખ્યું હતું. તેના સૌથી ખતરનાક હુમલાઓમાં 2010માં થયેલો દાંતેવાડા હુમલો જેમાં 76 CRPF જવાનો શહીદ થયા હતા,2013માં થયેલ ઝીરામ ઘાટી હત્યાકાંડ જેમાં કોંગ્રેસના ટોચના નેતાઓ સહિત 27 લોકોના મૃત્યુ થયા હતા અને 2021માં થયેલ સુકમા–બીજાપુર હુમલો જેમાં 22 સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા હતા. આ ઉપરાંત હિડમા અનેક હુમલા, બોમ્બ વિસ્ફોટ અને સુરક્ષા પેટ્રોલિંગ પર હુમલાઓ પાછળ મુખ્ય દિમાગ માનવામાં આવતો હતો. બસ્તરની જંગલ પટ્ટીમાં તેની દહેશત એવી હતી કે ઘણા વર્ષોથી તે સુરક્ષા દળોને હાથ લાગ્યો ન હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp