ગમે ત્યારે મારી હત્યા કરી દેવામાં આવશે...પપ્પુ યાદવે ગૃહમંત્રીને પત્રમાં શું લખ્યું, લોરેન્સ બિશ્નોઇ તરફથી મળી છે ધમકી
Pappu Yadav: બિહારના પૂર્ણિયાના સાંસદ પપ્પુ યાદવને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. ત્યારબાદ તેમણે ગૃહ મંત્રાલયને પોતાની સુરક્ષા વધારવા માટે પત્ર લખ્યો છે. પપ્પુ યાદવે દાવો કર્યો છે કે લોરેન્સ બિશ્નોઇ ગેંગે તેમને ધમકી આપી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે, મારી સુરક્ષા Y કેટેગરી વધારીને Z કેટેગરી કરી દેવામાં આવે. તેમજ બિહારના તમામ જિલ્લાઓમાં પોલીસ બંદોબસ્ત ગોઠવવો જોઇએ. જો મને આ સુરક્ષા નહીં આપવામાં આવે તો ગમે ત્યારે મારી હત્યા થઇ જશે અને તેના માટે કેન્દ્ર સરકાર અને બિહાર સરકાર જવાબદાર હશે.
પપ્પુ યાદવે ગૃહ મંત્રાલયને લખેલા પત્રમાં કહ્યું કે, હું બિહાર વિધાનસભા સભ્ય અને 6 વખત સંસદ સભ્ય (લોકસભા) તરીકે ચૂંટાયો છું. આ સમયગાળા દરમિયાન મારા અને મારા પરિવારના સભ્યો પર હુમલો કરવામાં આવ્યો છે. નેપાળના માઓવાદી સંગઠન સહિત અનેક વખત જાતિવાદી ગુનેગારોએ જીવલેણ હુમલા કર્યા છે. હું ભગવાનની કૃપાથી હું બચી ગયો. પપ્પુ યાદવે જણાવ્યું કે જ્યારે નેપાળના ઉગ્રવાદી સંગઠન માઓવાદીએ 2015માં મને મોબાઇલ પર ધમકી આપી હતી ત્યારે કેન્દ્રીય ગૃહ વિભાગે મને વાય પ્લસ સુરક્ષા આપી હતી.
ત્યારબાદ વર્ષ 2019માં, મારું સુરક્ષા કવચ ઘટાડીને Y શ્રેણી કરવામાં આવ્યું. મારા સુરક્ષા કવચના અભાવનો ફાયદો ઉઠાવીને, લોકસભાની ચૂંટણી દરમિયાન અનેક હત્યાઓના ગુનેગારે તેમના ફેસબુક પર લાઇવ કર્યું અને મારી સાથે અશ્લીલ દુર્વ્યવહાર કર્યો. એટલું જ નહીં ઘરમાં ઘૂસીને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ધમકીઓના વિરોધમાં મેં તમને લેખિત માહિતી આપી હતી.
પપ્પુ યાદવે કહ્યું કે, મેં બિહારના મુખ્યમંત્રી સહિત ગૃહ સચિવ અને પોલીસ મહાનિર્દેશકને ધમકીઓ મળવાની જાણ કરી હતી, મારી કમનસીબી છે કે આજ સુધી કોઇએ તેની નોંધ લીધી નથી. પૂર્ણિયાના સાંસદે વધુમાં કહ્યું કે, આજે જ્યારે લોરેન્સ બિશ્નોઇ ગેંગ દેશમાં સતત ઘટનાઓ કરી રહી છે અને એક રાજકીય વ્યક્તિ હોવાના કારણે મેં આ ઘટનાનો વિરોધ કર્યો હતો, વિરોધ કરવા પર લોરેન્સ બિશ્નોઇ ગેંગના ચીફ મને જીવથી મારી નાખવાની ધમકી મારા મોબાઇલ પર આપી છે.
પપ્પુ યાદવે કહ્યું કે, એટલું ગંભીર જીવનું જોખમ હોવા છતા બિહારનું ગૃહ મંત્રાલય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલય મારી સુરક્ષા પ્રત્યે નિષ્ક્રિય જણાય છે. તેમણે વધુ ટોણો મારતા કહ્યું કે, લાગે છે કે મારી હત્યા બાદ જ તેઓ શોક વ્યક્ત કરવા લોકસભા અને વિધાનસભામાં સક્રિય થશે.
પપ્પુ યાદવને ત્રણ લોકોએ આ ધમકીઓ આપી છે. જેમાંથી એકે પોતાને લોરેન્સ બિશ્નોઇ ગેંગનો સભ્ય ગણાવ્યો છે. તેની સાથે જ તેને દુબઇથી વધુ એક ધમકીભર્યો ફોન આવ્યો છે. અને ત્રીજો, મયંક સિંહ નામના વ્યક્તિએ ફેસબુક પેજ પર ધમકી આપી છે. અજ્જુ લોરેન્સ નામના વ્યક્તિએ અગાઉ પપ્પુ યાદવને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ પર લોરેન્સ બિશ્નોઇનો ફોટો મોકલ્યો હતો, ત્યારબાદ તેને 9 વાર કોલ આવ્યો હતો, જ્યારે તે વ્યક્તિએ ધમકીભર્યો વોઇસ મેસેજ મોકલ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp