સોમનાથ ખાતે 30 કરોડના ખર્ચે બનેલા નવા સર્કિટ હાઉસનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું

સોમનાથ ખાતે 30 કરોડના ખર્ચે બનેલા નવા સર્કિટ હાઉસનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું

01/21/2022 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સોમનાથ ખાતે 30 કરોડના ખર્ચે બનેલા નવા સર્કિટ હાઉસનું પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું

ગુજરાત ડેસ્ક: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજરોજ પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ ખાતે નવનિર્મિત સર્કીટ હાઉસનું લોકાર્પણ કર્યું હતું.  સવારે 11 વાગ્યે તેમણે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરી સભાને સંબોધન પણ કર્યું હતું. 

વડાપ્રધાન કાર્યાલય જણાવે છે કે, સોમનાથ મંદિરમાં દર વર્ષે દેશ-વિદેશથી લાખો શ્રદ્ધાળુઓ આવે છે. વર્તમાન સરકારી સુવિધા બહુ દૂર હોવાના કારણે એક નવું સર્કિટ હાઉસ બનાવવામાં આવે તે જરૂરી હતું. આ નવું વિશ્રામ ગૃહ 30 કરોડ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યું છે. 


નવું સર્કિટ હાઉસ સોમનાથ મંદિર પાસે સ્થિત છે. જે વીઆઈપી અને ડિલક્સ રૂમ, સ્યુટ અને કોન્ફરન્સ રૂમ તેમજ ઓડિટોરિયમ હોલ સહિત ઉચ્ચ કક્ષાની સુવિધાઓથી સજ્જ છે. તેમજ ખાસ વાત એ છે કે આ વિશ્રામ ગૃહનું નિર્માણ એ રીતે કરવામાં આવ્યું છે કે દરેક રૂમમાંથી સમુદ્રનું દ્રશ્ય જોવા મળી શકે.

પીએમ મોદીએ કહ્યું કે, જે પરિસ્થિતિઓમાં સોમનાથ મંદિરને તબાહ કરવામાં આવ્યું અને જે પરિસ્થિતિઓમાં સરદાર પટેલના પ્રયાસોથી મંદિરનો જીર્ણોદ્ધાર થયો, તે બંને આપણા માટે એક સંદેશ છે. તેમણે કહ્યું કે, સ્વતંત્રતા બાદ કેટલાક ગણ્યાગાંઠ્યા પરિવારો માટે જ નવ-નિર્માણ થયા પરંતુ આજે દેશ તે વિચારધારાને પાછળ છોડીને નવા ગૌરવસ્થાનોનું પણ નિર્માણ કરી રહ્યો છે. 

તેમણે ઉમેર્યું કે, છેલ્લા સાત વર્ષમાં સરકારે પર્યટનની સંભાવનાઓને સાકાર કરવા માટે સતત કામ કર્યું છે. પર્યટન કેન્દ્રોનો વિકાસ માત્ર સરકારી યોજનાનો હિસ્સો બનીને રહી ગયો નથી પરંતુ જનભાગીદારીનું એક અભિયાન છે. 


પીએમ મોદી સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ પણ છે. આ પહેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ હતા. તેમના નિધન બાદ આ પદ ખાલી હતું. જે બાદ સર્વસંમતિથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નવા અધ્યક્ષ ચૂંટી કાઢવામાં આવ્યા હતા. પીએમ મોદી ભારતના બીજા વડાપ્રધાન છે જે ટ્રસ્ટના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હોય. આ પહેલા  ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ રહી ચૂક્યા છે. ટ્રસ્ટના અન્ય સભ્યોમાં ભૂતપૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓ પણ સામેલ છે. 

આજે વડાપ્રધાન નવા સર્કિટ હાઉસનું લોકાર્પણ કરે તે પહેલા ગઈકાલે સોમનાથ મહાદેવ અને દરિયાદેવની મહાઆરતીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારના મંત્રીઓ પૂર્ણેશ મોદી, અરવિંદ રૈયાણી તેમજ સાંસદ રાજેશ ચુડાસમા વગેરે નેતાઓ તેમજ અન્ય કલાકારો ઉપસ્થિત રહ્યા હતા. દરમ્યાન, ગાયક કલાકાર કીર્તીદાન ગઢવીએ સોમનાથ મહાદેવની સ્તુતિની સંગીતમય પ્રસ્તુતિ રજૂ કરી હતી. 


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top