Patidar Girl News: અમરેલી જિલ્લામાં લેટરકાંડમાં પટેલ સમાજની કુવારી દીકરીના સરઘસ કાઢવાનો મામલો રાજકીય રંગ લેતો નજરે પડી રહ્યો છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ ખૂલીને મેદાનમાં આવી છે. જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે આ સમગ્ર મામલે પોલીસ પર આક્ષેપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, ભાજપ નેતાનો અહમ સંતોષવા પોલીસનું આ કાયદાથી વિરુદ્ધનું કૃત્ય છે.
અમરેલી લેટર કાંડ મામલામાં પાટીદાર સમાજની દીકરીનું સરઘસ કાઢવા મામલે અમરેલી પોલીસના અધિકારીઓ સામે કાર્યવાહીની માગ ઉઠી રહી છે. કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દુધાતે આ અંગે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.
લેટરમાં પ્રતાપ દુધાતે કહ્યું છે કે, ભાજપની અંદરો-અંદર લેટર કાંડ થયો છે. જેમાં પટેલ સમાજની દીકરી એક ઓપરેટર તરીકે કામ કરતી હતી. દીકરીએ માલિકના કહેવા પર લેટર ટાઈપ કર્યો હતો. દીકરીનો ઇરાદો કોઈને બદનામ કરવાનો નહોતો. તેનાથી પણ વધારે દીકરીની રાત્રે 12:00 વાગ્યે ધરપકડ કરવામાં આવી.
કાયદાકીય બંધારણ મુજબ, રાત્રિના સમયે મહિલાની ધરપકડ ન કરી શકાય. રિકન્સ્ટ્રકશનના નામે દીકરીનું જાહેરમાં પોલીસે સરઘસ કાઢ્યું. ભાજપ નેતાનું અહમ સંતોષવા દીકરીનું સરઘસ કાઢી આ કૃત્ય કરવામાં આવ્યું છે. અમરેલી પોલીસે દીકરી જોડે અન્યાય કર્યો છે. અમરેલીમાં બેફામ દારૂ, ખનીજ ચોરીના આરોપીઓનું ક્યારેય સરઘસ કાઢ્યું નથી. અમરેલીમાં ઘણા ફરાર આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે જે આરોપીઓને પકડવામાં આવતા નથી.
અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ કિશોર કાનપરિયાના નામે કેટલાક ઈસમો દ્વારા નકલી લેટરપેડ બનાવી અને નકલી સહી-સિક્કો કરી, લેટર પેડ પર ધારાસભ્ય કૌશિક વેકરિયા સામે ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા. આ મુદ્દે તાલુકા પંચાયત પ્રમુખ કિશોર કાનપરિયાએ પોલીસ ફરિયાદ આપી હતી. જેથી ગણતરીના કલાકોમાં પોલીસે સમગ્ર મામલાનો પર્દાફાશ કર્યો હતો. આ કેસમાં એક મહિલા સહિત 4 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે મહિલાનું આરોપીઓની જેમ સરઘસ કાઢવામાં આવ્યું હતું. હવે આ મામલાએ વેગ પકડતા SPનું નિવેદન સામે આવ્યું છે.
પાટીદાર દીકરીનું આરોપીની જેમ સરઘસ કાઢવાના મામલે SPનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, લેટર લખવા માટે કાગળ પર કોણે લખીને આપ્યું હતું એ લખાણ નષ્ટ કર્યું છે. સળગાવેલ છે, કોણે કર્યું છે એ બાબતે માત્ર આરોપીને જ જાણ હોવાથી, તેને કઈ જગ્યાએ છુપાવીને રાખેલ છે, કેવી જગ્યાએ છુપાવીને રાખેલ છે, એ પોલીસ તપાસમાં પોલીસ સમક્ષ આવે તે ન્યાયની રીતમાં ખૂબ જરૂરી હતું. તે માટે આપણે એ આરોપીને લઈને, જે જગ્યાએ બનાવ બન્યો હતો, જે જગ્યાએ ઝડપી તપાસ માટે લઇ ગયા હતા.
તેમણે વધુમાં કહ્યું કે, તેમાં પણ આરોપીનું કોઈ પ્રકારે સરઘસ કાઢવામાં આવ્યું નથી. અમારા તરફથી અગાઉથી કોઈ જાણ કરવામાં આવી નહોતી. તમે વીડિયોમાં આરોપીને સારી રીતે જોઈ શકો છો કે જે રીતે તેને લઈને ગયા છીએ, દુકાનમાં, તેની શૉપમાં જે રીતે તપાસના કામમાં તેની મદદ લીધી છે, તપાસના કામે કઈ વસ્તુ ક્યાં રાખી છે, પુરાવા ક્યાં રાખ્યા છે એ તપાસ કરી છે, તેમાં તમે આરોપીની હાજરી અને તેની ઉપસ્થિતિને પણ જોઈ શકો છો. એટલે અમરેલી જિલ્લા પોલીસ તરફથી કાયદાના હિતમાં, ન્યાયના હિતમાં, કાયદાની પ્રક્રિયા મુજબ જે પ્રક્રિયા કરવાની હોય છે એ પ્રક્રિયા હાથ ધરી છે. પ્રક્રિયાના અંતે તમામ પુરાવા સાથે આ આરોપીને કોર્ટના હવાલે કરી છે, કોર્ટે આરોપીને જેલના હવાલે કરી છે.