સુરતમાં દર 20,000 વ્યક્તિએ એકને છે એવો રોગ, કે હાથ-પગના આંગળા ખરી પડે અને ચહેરો બિહામણો થઈ જાય!

સુરતમાં દર 20,000 વ્યક્તિએ એકને છે એવો રોગ, કે હાથ-પગના આંગળા ખરી પડે અને ચહેરો બિહામણો થઈ જાય!! શું છે એના લક્ષણો અને સારવાર?

01/31/2024 LifeStyle

SidhiKhabar

SidhiKhabar

સુરતમાં દર 20,000 વ્યક્તિએ એકને છે એવો રોગ, કે હાથ-પગના આંગળા ખરી પડે અને ચહેરો બિહામણો થઈ જાય!

એક રોગ એવો ખતરનાક છે કે દર્દીના હાથ-પગના આંગળા ખરી પડે અને ચહેરો બિહામણો થઈ જાય! આ રોગ જાણે કોઈ શ્રાપ હોય, એ રીતે લોકો એનાથી ડરતા હોય છે. એક સમયે આ રોગનો કોઈ ઈલાજ નહોતો, પણ હવે છે. આ રોગ અંગે જાગૃતિ લાવવા માટે જ સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ૩૦ જાન્યુઆરીથી ૧૩ ફેબ્રુઆરી દરમિયાન “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન”નો શુભારંભ કરવામાં આવ્યો છે.


શું છે લેપ્રસી?

શું છે લેપ્રસી?

રક્તપિત્ત માઈક્રોબેક્ટેરિયમ લેપ્રસી નામના સૂક્ષ્મ જીવાણુથી થતો રોગ છે. આ રોગમાં શરીરની ચામડી અને જ્ઞાનતંતુઓને અસર થાય છે. આ રોગ કોઈપણ ઉંમરે સ્ત્રી અથવા પુરૂષ એમ બંને જાતિને થઈ શકે છે. સમયસર સારવાર ન કરવામાં આવે તો એક વ્યક્તિથી બીજી વ્યક્તિને શ્વાસોશ્વાસ મારફતે ચેપ લાગી શકે છે. વહેલુ નિદાન અને નિયમિત બહુઅઔષધિય સારવારથી રક્તપિત્ત રોગનો ફેલાવો અને રોગને લીધે આવતી વિકૃતિ/અપંગતા અટકાવી શકાય છે. રક્તપિત્ત રોગના ચિહ્નો-લક્ષણોમાં શરીરના કોઈપણ ભાગમાં આછું, ઝાંખુ, રતાશ પડતું સંવેદના વિનાનું ચાઠું અને જ્ઞાનતંતુઓ જાડા થવા તેમજ તેમા દુ:ખાવો થવો એ છે.

રક્તપિત્ત કોઈપણ તબક્કે સંપૂર્ણપણે મટી શકે છે. નજીકના તમામ સરકારી દવાખાના, સબસેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્ર, રેફરલ હોસ્પિટલ, ડિસ્ટ્ર્રીકટ જનરલ હોસ્પિટલ, ખાતે એમ.ડી.ટી.(મલ્ટી ડ્રગ ટ્રીટમેન્ટ) બહુઅઔષધિય સારવાર વિનામૂલ્યે આપવામાં આવે છે.


સિવિલ હોસ્પિટલ ખાતે રેલી યોજાઈ

સિવિલ હોસ્પિટલ ખાતે રેલી યોજાઈ

આ રોગ પ્રત્યે લોકજાગૃતિ લાવવા દર ૩૦મી જાન્યુઆરીને વિશ્વભરમાં ‘રક્તપિત્ત દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યવ્યાપી અભિયાનના ભાગરૂપે સુરત જિલ્લામાં પણ રક્તપિત્ત જનજાગૃતિ અર્થે તા. ૩૦ જાન્ય.થી ૧૩ ફેબ્રુ. દરમિયાન “સ્પર્શ લેપ્રસી અવેરનેસ કેમ્પેઈન”નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન હેઠળ “Ending Stigma, Embracing Dignity”ની થીમ પર રક્તપિત્ત વિશે જન-જાગૃતિની કામગીરી હાથ ધરાઈ છે.    

આ નિમિત્તે નવી સિવીલ હોસ્પિટલ સ્થિત સરકારી નર્સિંગ કોલેજ ખાતે જિલ્લા આરોગ્ય વિભાગ અને સિવિલ હોસ્પિટલ દ્વારા જનજાગૃત્તિ રેલી યોજાઈ હતી. જેમાં ડો.જ્યોતિ ગુપ્તા (વિભાગીય નાયબ નિયામક,સુરત ઝોન), ડો.અનિલ પટેલ (મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી), ડો.યોગેશ પટેલ (હેડ ઓફ સ્કીન ડિપાર્ટમેન્ટ, નવી સિવીલ), આર.એમ.ઓ. ડો.કેતન નાયક, નર્સિંગ કાઉન્સિલના ઈકબાલ કડીવાલા, ફિઝિયોથેરાપી કોલેજ અને નર્સિંગ કોલેજના પ્રિન્સિપાલ, જિલ્લા ક્ષય અધિકારી, જિલ્લા મેલેરિયા અધિકારી, લેપ્રસી વિભાગ અને નવી સિવિલ હોસ્પિટલના તબીબો, નર્સિંગ અને ફિઝિયોથેરાપી વિદ્યાર્થીઓ, નર્સિંગ સ્ટાફ, એમ.પી.એચ.ડબ્લ્યુ., એસએસઆઇ એસએમસી અને પેરામેડિકલ સ્ટાફ સહિત ૫૦૦ લોકો જોડાયા હતા.


સુરતમાં રક્તપિત્ત રોગનો પ્રમાણદર ૧૦,૦૦૦ ની વસ્તીએ ૦.૬૦

સુરતમાં રક્તપિત્ત રોગનો પ્રમાણદર ૧૦,૦૦૦ ની વસ્તીએ ૦.૬૦

સુરત શહેર-જિલ્લામાં રક્તપિત્ત રોગનો પ્રમાણદર ૧૦,૦૦૦ની વસ્તીએ ૦.૬૦ અને તાપી જિલ્લામાં રક્તપિત્ત રોગનો પ્રમાણદર ૧૦,૦૦૦ની વસ્તીએ ૨.૩૩ છે. એટલે કે સુરત જિલ્લામાં પ્રતિ ૨૦,૦૦૦ લોકોમાં એક વ્યક્તિને રક્તપિત્ત થાય છે. જ્યારે ગુજરાતનો રક્તપિત્તનો પ્રમાણદર ૧૦,૦૦૦ની વસ્તીએ ૦.૩૯  છે. ડિસેમ્બર-૨૦૨૩ સુધીમાં કુલ ૧૨માંથી ૮ હાઈએન્ડેમિક જિલ્લાઓ (વડોદરા, પંચમહાલ, નર્મદા, મહીસાગર, સુરત,  વલસાડ, દાહોદ અને છોટાઉદેપુર)માં રોગનું પ્રમાણદર ૧ કરતા ઓછું લાવવામાં સફળતા મળી છે. એમ પબ્લિક હેલ્થ ઓફિસર અને ડિસ્ટ્રિક્ટ લેપ્રસી ઓફિસરશ્રી ડો.જિજ્ઞેશ પટેલે જણાવ્યું હતું.

રક્તપિત્તને અસાધ્ય રોગ માનવામાં આવતો હતો, પરંતુ હવે તેનું નિદાન અને સારવાર સરળ બની છે. સ્પર્શ કરવાથી રક્તપિત્ત ફેલાય છે એ માત્ર ભ્રમણા છે. સંક્રામક રોગ હોવા છતાં પણ સ્પર્શ કરવાથી, હાથ મિલાવવાથી, સાથે ઉઠાવા-બેસવાથી ફેલાતો નથી. છેલ્લા સાત વર્ષમાં સુરત જિલ્લામાં ૩૭ અને તાપી જિલ્લામા ૧૧ જેટલી રિકન્સ્ટ્રકટીવ સર્જરી કરી રક્તપિત્ત દર્દીઓની વિકૃતિ દૂર કરાઈ છે. સુરત અને તાપી જિલ્લામા વર્ષ ૨૦૧૬-૧૭ થી ૨૦૨૩-૨૪ (ડીસેમ્બર -૨૦૨૩ અંતિત) સુધીમા અનુક્રમે રક્તપિત્તના કારણે પગમાં બધિરતા ધરાવતાં કુલ-૬૧૦૧ અને ૨૯૨૭ રક્તપિત્તગ્રસ્તોને માઈક્રો સેલ્યુલર રબર પગરખાં (એમ.સી.આર.) પૂરા પડાયા છે. જેના કારણે પગમાં બધિરતા ધરાવતાં રક્તપિત્તગ્રસ્તોને પગમાં ન રૂઝાય તેવા ચાંદા (અલ્સર)થી બચાવી શકાય છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top