અદાણી ગ્રુપની આ કંપનીના પ્રોફિટમાં 753 ટકાનો જબરદસ્ત વધારો, 130 ટકા ડિવિડન્ટની કરી જાહેરાત
અદાણી ગ્રુપની મુખ્ય કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ લિમિટેડ (AEL)નો નાણાકીય વર્ષ 2024-25ના ચોથા ક્વાર્ટરમાં ચોખ્ખો નફો 753 ટકા (7.5 ગણો) વધીને તે 3845 કરોડ રૂપિયા થઈ ગયો હતો. કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બનાવનારી કંપની વિલ્મરમાં હિસ્સો વેચવાથી એક વખતના નફાની સાથે સૌર ઉત્પાદન અને એરપોર્ટ બિઝનેસમાં મજબૂત પ્રદર્શનને કારણે કંપનીના નફામાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. કંપનીએ ગુરુવારે સ્ટોક એક્સચેન્જને આપેલી એક સૂચનામાં જણાવ્યું હતું કે, જાન્યુઆરી-માર્ચ 2025 ક્વાર્ટરમાં તેનો ચોખ્ખો નફો 3,845 કરોડ રૂપિયા હતો. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં, તેને માત્ર 450.58 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
વિલ્મરના હિસ્સાના વેચાણમાંથી એક વખતના લાભને સમાયોજિત કર્યા બાદ અદાણી એન્ટરપ્રાઇઝનો ચોખ્ખો નફો 1313 કરોડ રૂપિયા રહ્યો. કંપનીને વિલ્મરમાં હિસ્સો વેચીને 3286 કરોડ રૂપિયા મળ્યા હતા. આ મજબૂત પ્રદર્શનમાં કંપનીના સૌર અને પવન ઊર્જા તેમજ એરપોર્ટ બિઝનેસે યોગદાન આપ્યું. માર્ચ ક્વાર્ટરમાં આ બંને બિઝનેસો માટે કર- અગાઉની કમાણી (EBITDA)માં અનુક્રમે 73 ટકા અને 44 ટકા વધારો થયો. તેનાથી, કંપનીની કરવેરા અગાઉની એકીકૃત આવક 19 ટકા વધીને 4,346 કરોડ રૂપિયા થઈ ગઈ. આ પ્રદર્શને કોલસાના ભાવ અને માત્રામાં ઘટાડો આવવાને કારણે ટ્રેડિંગ બિઝનેસમાં થયેલા ઘટાડાને સરભર કર્યો, જે વાર્ષિક ધોરણે 38 ટકા ઓછો છે.
સંપૂર્ણ નાણાકીય વર્ષ (2024-25)માં અદાણી એન્ટરપ્રાઇઝનો ચોખ્ખો નફો બેગણાથી વધુ વધીને 7099 કરોડ રૂપિયા થઈ ગયો, જ્યારે નાણાકીય વર્ષ 2023-24 માં તે 3240.78 કરોડ રૂપિયા હતો. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પરિણામો પર કહ્યું હતું કે, ‘અદાણી એન્ટરપ્રાઇઝિસમાં, અમે એવા બિઝનેસનું નિર્માણ કરી રહ્યા છીએ, જે ભારતના ઇન્ફ્રાસ્ટ્રકચર અને એનર્જી સેક્ટર માટે આગળનો માર્ગ નક્કી કરશે. નાણાકીય વર્ષ 2024-25માં અમારું શાનદાર પ્રદર્શન પ્રમાણ, ગતિ અને શિરતામાં અમારી તાકતનું પ્રત્યક્ષ પરિણામ છે.’
1 મેના રોજ નાણાકીય પરિણામો જાહેર કરવા સાથે, કંપનીએ ડિવિડન્ડની પણ જાહેરાત કરી દીધી. અદાણી એન્ટરપ્રાઇઝે જણાવ્યું હતું કે બોર્ડે શેરધારકો માટે 1 રૂપિયાની ફેસ વેલ્યૂવાળા દરેક શેર માટે 1.30 રૂપિયા (130 ટકા)ના ડિવિડન્ડની ભલામણ કરી છે. જોકે, કંપનીની આગામી વાર્ષિક સામાન્ય સભા (AGM)માં મંજૂરી મળ્યા બાદ જ ડિવિડન્ડ ચૂકવવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp