Gujarat Rain: સુરત, ભરુચ સહિત 6 જિલ્લાઓમાં રેડ એલર્ટ; 13 ઇંચ વરસાદથી સુરત પાણીમાં તરબોળ
Surat Rain News: વરસાદે સીઝનની શરૂઆતમાં જ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સુરતમાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા છે. સુરતમાં છેલ્લા 25 કલાકમાં 13 ઇંચથી વધુ વરસાદ ખાબકતા લોકોને ભારે જહેમત ઉઠાવવાનો વારો આવ્યો છે. પહેલા જ વરસાદમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતા સુરત મહાનગર પાલિકા (SMC)ની પ્રી-મોનસૂન કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે. તો ભારે વરસાદના કારણે તાપીના અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે.
સુરત શહેરમાં સતત બીજા દિવસે પણ વરસાદ યથાવત છે. શહેરમાંથી પસાર થતી ખાડી બંને કાંઠે વહેતી નજરે પડી રહી છે અને ખાડીનું પાણી રોડ પર પણ જોવા મળ્યું છે. હજુ પણ અનેક વિસ્તારમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. સુરત પુણાગામ પર્વત ગામ રોડ પર પાણી ભરાયા છે. સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસી રહેલા ભારે વરસાદને કારણે વિયર-કમ કોઝવે છલકાઈ ગયો છે, જેના કારણે બીજા દિવસે પણ તેને વાહન વ્યવહાર માટે બંધ રાખવામાં આવ્યો છે.
સુરત, તાપી, વડોદરા, ભરૂચ, નર્મદા અને નવસારીમાં ભારેથી અતિભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત અમરેલી, બોટાદ, ગીર સોમનાથ, આણંદ, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, અને દીવ, દમણ, દાદર અને નગર હવેલીમાં ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. બાકીના જિલ્લાઓમાં હળવા વરસાદને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી તરફ રથયાત્રાના દિવસે અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર(SEOC)ના અહેવાલ મુજબ સુરતના કામરેજમાં 10.7 ઇંચ, પલાસણામાં 8.2 ઇંચ અને બારડોલીમાં 6.6 ઇંચ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત નર્મદાના તિલકવાડામાં 6.0 ઇંચ તેમજ તાપીના ડોલવાણમાં પણ 5.3 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના અન્ય તાલુકાઓમાં, છેલ્લા 24 કલાકમાં આણંદના બોરસદમાં 5.2 ઇંચ, સુરતના ઓલપાડમાં 5.0 ઇંચ, સુરતના ચોરાસીમાં 4.3 ઇંચ, તાપીના વ્યારામાં 3.7 ઇંચ, સુરતના માંડવીમાં 3.5 ઇંચ, નવસારી શહેરમાં 3.3 ઇંચ, સુરતના માંગરોળમાં 3.1, આણંદના ખંભાતમાં 3.1 ઇંચ, ભરૂચ શહેર અને પંચમહાલના હાલોલમાં 3.0 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્યના 57 તાલુકામાં એક ઇંચથી ત્રણ ઇંચ જ્યારે 95 તાલુકામાં એક ઇંચ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. આમ, રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કુલ 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp