કોંગ્રેસ અને આમઆદમી પાર્ટી વચ્ચે આ રાજ્યમાં ગઠબંધન હેઠળ સીટની વહેંચણી, હજુ બે રાજ્યોમાં પણ શક્યતા, જાણો સંપૂર્ણ વિગત
લોકસભાની ચૂંટણી માટે ફેબ્રુઆરીના અંતમાં અથવા માર્ચના પ્રથમ અઠવાડિયામાં નોટિફિકેશન બહાર પાડવામાં આવી શકે છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષો પૂરજોશમાં તૈયારી કરી રહ્યા છે. આ વચ્ચે દિલ્હીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં આમ આદમી પાર્ટી (AAP) અને કોંગ્રેસ વચ્ચે ચૂંટણીને લઈને સમજૂતી થઈ છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, દિલ્હીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન પર વાતચીત અંતિમ તબક્કામાં ચાલી રહી હતી. આજે બંને પક્ષો વચ્ચે બેઠક વહેંચણીને લઈને સમજૂતી થઈ છે, જેમાં દિલ્હીમાં લોકસભાની સાત બેઠકોમાંથી AAP 4 બેઠકો પર ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસે 3 લોકસભા બેઠકો પર ચૂંટણી લડી શકે છે. નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ સાથે સીટ વહેંચણીમાં વિલંબ પર ઘણી વખત નારાજગી વ્યક્ત કરી હતી.
બંને પક્ષો ગઠબંધન હેઠળ દિલ્હીમાં ચૂંટણી લડવા સંમત થયા હોય તેવું લાગે છે. જો કે હાલ કોંગ્રેસ આ ઓફર અંગે કંઈપણ કહેવાનું ટાળી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આમ આદમી પાર્ટી દક્ષિણ દિલ્હી, ઉત્તર-પશ્ચિમ દિલ્હી, નવી દિલ્હી અને પશ્ચિમ દિલ્હીની બેઠકો પર ચૂંટણી લડી શકે છે. બાકીની ત્રણ સીટો નોર્થ ઈસ્ટ, ચાંદની ચોક અને ઈસ્ટ દિલ્હી કોંગ્રેસને મળી શકે છે. હાલમાં દિલ્હીની તમામ સાત બેઠકો પર ભાજપના સાંસદો છે.
આ ઉપરાંત અન્ય બે રાજ્યોમાં પણ AAP અને કોંગ્રેસ વચ્ચે સીટની વહેંચણી નક્કી કરવામાં આવી છે. વહેંચણીની જે ફોર્મ્યુલા તૈયાર કરવામાં આવી છે તે મુજબ AAP દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસને ત્રણ સીટો આપવામાં આવશે. જ્યારે હરિયાણામાં કોંગ્રેસ આમ આદમી પાર્ટીને એક સીટ અને ગુજરાતમાં 2 સીટ આપશે. આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp