૭૫માં પ્રજાસત્તાક દિવસની પરેડમાં ‘‘ધોરડો, વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ-UNWTO’’ના ગુજરાતના ટેબ્લોને બે એવોર્ડ મેળવવાનું ગૌરવ પ્રાપ્ત થયું
Dhorado World Best Tourism Village UNWTO: ધોરડો ઇસ 2006માં મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે એમણે ‘રણોત્સવ’ની શરૂઆત કરીને ધોરડોને એક મહત્વના પ્રવાસન સ્થળ તરીકે વિશ્વફલક પર મૂક્યું હતું. 2023માં યુનાઇટેડ નેશન્સની એજન્સી વર્લ્ડ ટુરિઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા પણ ધોરડોને ‘વર્લ્ડ બેસ્ટ ટુરીઝમ વિલેજ’નો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા ૭૫મા પ્રજાસત્તાક પર્વની રાષ્ટ્રીય પરેડમાં પણ ગુજરાત સરકાર દ્વારા ‘ધોરડો વર્લ્ડ ટુરીઝમ વિલેજ-UNWTO’ની થીમ પર ટેબ્લો રજૂ કરવામાં આવ્યો હતો, જે બે-બે ઇનામો જીતી લાવ્યો છે.
૭૫મા પ્રજાસત્તાક પર્વની આ રાષ્ટ્રીય કક્ષાની ઉજવણી અને પરેડમાં નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને ફ્રાન્સના પ્રેસિડેન્ટ શ્રી ઇમેન્યુઅલ મેક્રોનની પ્રેરક ઉપસ્થિતિમાં કર્તવ્ય પથ પર રજૂ થયેલી રાજ્યોની વિવિધ ઝાંખીમાંથી ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તુત કરાયેલા આ નયનરમ્ય ટેબ્લોને પીપલ્સ ચોઈસ એવોર્ડઝ કેટેગરીમાં દેશભરમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત થયો છે. દેશભરનાં રાજ્યોમાં સૌથી વધુ ૩૨ ટકા વોટ શેર સાથે સતત બીજીવાર પીપલ્સ ચોઈસ એવોર્ડમાં ગુજરાત અગ્રીમ સ્થાને રહ્યું છે.
પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં પ્રતિવર્ષ દેશભરના રાજ્યો અને વિવિધ વિભાગો દ્વારા ટેબ્લોઝ પ્રસ્તુત કરવામાં આવે છે. ર૦ર૪ની આ વર્ષની પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં દેશના રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશ તથા મંત્રાલયો મળીને કુલ ૨૫ ટેબ્લોની ઝાંખી પ્રસ્તુત કરવામાં આવી હતી.
ગુજરાતના ટેબ્લોમાં કચ્છની ઓળખ સમા 'ભૂંગા', રણોત્સવ, ટેન્ટ સિટી અને કચ્છના વિવિધ ભરતગૂંથણ, ગ્રામીણ ક્ષેત્રે ડિજિટલ ક્રાંતિને દર્શાવતાં નિદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા. ટેબ્લોની સાથે UNESCOના 'અમૂર્ત સાંસ્કૃતિક વારસા'માં તાજેતરમાં જ સામેલ કરવામાં આવેલા ગુજરાતના ભાતીગળ ગરબાની પ્રસ્તુતિએ ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ ટેબ્લોની સાથે રજૂ થયેલા ગરબામાં કચ્છી ગાયિકા સુશ્રી દિવાળીબહેન આહિરે તેમનો કંઠ આપીને સંગીતબદ્ધ કર્યો હતો અને ટેબ્લો આ વર્ષની પ્રજાસત્તાક દિવસની પરેડમાં જન આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. ગયા વર્ષે પણ ગુજરાતનો ટેબ્લો પીપલ્સ ચોઈસ એવોર્ડમાં પ્રથમ ક્રમે રહ્યો હતો.
આ ઉપરાંત એવોર્ડ પસંદગી સમિતિ-જ્યુરીની પણ સેકન્ડ ચોઇસ બનવાનું ગૌરવ ગુજરાતના ટેબ્લોએ હાંસલ કર્યું છે. વર્ષ ૨૦૦૮માં ગુજરાતના ટેબ્લોને જ્યુરી ચોઈસમાં સ્થાન મળ્યા પછી ફરી એકવાર આ વર્ષ એટલે કે ૨૦૨૪ના પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય પરેડમાં રજૂ થયેલા ગુજરાતના ટેબ્લોને જ્યુરી ચોઈસમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત થયો છે.
ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રસ્તુત આ ઝાંખીના નિર્માણમાં માહિતી અને પ્રસારણ સચિવ શ્રીમતી અવંતિકા સિંઘ, માહિતી નિયામક શ્રી ધીરજ પારેખ, અધિક નિયામક શ્રી અરવિંદ પટેલના માર્ગદર્શનમા શ્રી પંકજભાઈ મોદી તથા નાયબ માહિતી નિયામક સંજય કચોટનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું હતું
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp