The stampede case at Mahakumbh is in the Supreme Court: પ્રયાગરાજ મહાકુંભમાં ભાગદોડ અને અકસ્માતમાં 30 લોકોના મોતનો મામલો હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયો છે. સુપ્રીમ કોર્ટ એક PIL દાખલ કરવામાં આવી છે. અરજીમાં અકસ્માત અંગે સ્ટેટસ રિપોર્ટ તૈયાર કરવા અને તેના માટે જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની માગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ એક PIL દાખલ કરી છે.
અરજીમાં, બધા રાજ્યો દ્વારા કુંભ મેળા વિસ્તારમાં સુવિધા કેન્દ્ર ખોલવાની માગ કરવામાં આવી છે, જેથી હિન્દી ભાષી ન હોય તેવા લોકોને સુવિધા મળી શકે. અરજીમાં માગ કરવામાં આવી હતી કે આવા કાર્યક્રમોમાં VIP મૂવમેન્ટ સીમિત કરવી જોઈએ અને સામાન્ય માણસ માટે મહત્તમ જગ્યા રાખવી જોઈએ. અરજીમાં મોટા ધાર્મિક કાર્યક્રમોમાં ભાગદોડ ટાળવા અને લોકોને સાચી માહિતી આપવા માટે દેશની મુખ્ય ભાષાઓમાં ડિસ્પ્લે બોર્ડ લગાવવા, મોબાઇલ, વોટ્સએપ પર રાજ્યો પોતાના તીર્થયાત્રીઓને માહિતી આપે તેવી માગ કરવામાં આવી છે.
મહાકુંભ જેવા મોટા ધાર્મિક આયોજનોમાં, દેશના અન્ય રાજ્યોમાંથી આવતા બિન-હિન્દી ભાષી લોકોની સુવિધા માટે, બધા રાજ્યોને મહાકુંભમાં મેડિકલ હેલ્પ ડેસ્ક સ્થાપવા માટે કહેવામાં આવ્યું છે. આ સાથે, અરજી પર વહેલી તકે સુનાવણી કરીને નિર્ણય આપીને તેનો અમલ કરવા અપીલ પણ કરવામાં આવી છે.
પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન 28 જાન્યુઆરીની રાત્રે લગભગ 2 વાગ્યે ત્રિવેણી સંગમ નોઝ પર ભાગદોડ મચી ગઈ હતી. અંધારામાં એ-કબીજા નીચે દબાઇને કચડાઈ જવાથી 30 લોકો મૃત્યુ પામ્યા અને 60 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાંથી કેટલાક સારવાર બાદ ઘરે ગયા હતા અને 35 લોકો હૉસ્પિટલમાં દાખલ છે. અકસ્માતમાં માર્યા ગયેલા 25 લોકોની ઓળખ થઈ ગઈ છે, જેમાંથી 19 લોકો ઉત્તર પ્રદેશના, 4 કર્ણાટક તેમજ ગુજરાત અને આસામમાંથી 1-1 વ્યક્તિ છે.
આ અકસ્માતનું કારણ પોન્ટૂન બ્રિજ બંધ હોવાનું જણાવવામાં આવ્યું હતું. પોન્ટૂન બ્રિજ બંધ થવાને કારણે, સંગમ નોઝ પર લાખો ભક્તો એકઠા થયા હતા. તેઓ રાત્રે સંગમ પર જ સૂતા હતા જેથી સવારે ઉઠતાની સાથે જ સ્નાન કરી શકે, પરંતુ મોડી રાત્રે અચાનક બેરિકેડ્સ તૂટી ગયા. આ જોઈને, ભક્તો તેમને પાર કરીને સંગમ તરફ દોડવા લાગ્યા. આ દરમિયાન, લોકો તેના પગ નીચે કચડાઈ ગયા. બૂમાબૂમને કારણે નાસભાગ મચી ગઈ અને લોકો પોતાનો જીવ બચાવવા માટે અહીં-ત્યાં ભાગવા લાગ્યા.
અકસ્માત બાદ પહેલા 13 અખાડાઓએ સ્નાન રદ કર્યું અને પછી પોલીસ-પ્રશાસનની પરવાનગીથી બપોરે સ્નાન કર્યું. મૌની અમાવસ્યા, બુધવાર, 29 જાન્યુઆરી, રાત્રે 8 વાગ્યા સુધી, 7.64 કરોડ ભક્તોએ સંગમમાં ડૂબકી લગાવી હતી. 13 જાન્યુઆરીથી અત્યાર સુધી 27.58 કરોડથી વધુ લોકોએ મહાકુંભમાં સ્નાન કર્યું છે, પરંતુ મૌની અમાવાસ્યા પર થયેલા અકસ્માતે શ્રદ્ધાના પ્રતીક આ મહાપર્વને મૃત્યુથી કલંકિત કરી દીધો.