રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)એ સોમવારે પહેલગામ આતંકવાદી હુમલા કેસમાં 7 આરોપીઓ સામે ચાર્જશીટ દાખલ કરી હતી. આમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા (LeT) અને તેના ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો સમાવેશ થાય છે. ચાર્જશીટમાં પાકિસ્તાની આતંકવાદી હેન્ડલર સાજિદ જટ્ટનું પણ નામ આરોપી તરીકે આપવામાં આવ્યું છે. પાકિસ્તાની આતંકવાદી સાજિદ જટ્ટ ₹10 લાખ રૂપિયાનો ઇનામી આતંકી છે. લશ્કર-એ-તૈયબા (LeT) અને તેના ફ્રન્ટ ઓર્ગેનાઇઝેશન, ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF)નો ટોચનો કમાન્ડર સાજિદ જટ્ટ, જમ્મુ-કાશ્મીરમાં અનેક મોટા આતંકવાદી હુમલાઓનો માસ્ટરમાઇન્ડ રહ્યો છે.
સાજિદ જટ્ટ કોણ છે?
સાજિદ જટ્ટ પાકિસ્તાની નાગરિક છે અને પંજાબ પ્રાંતના કસુર જિલ્લાનો રહેવાસી છે. સાજિદ જટ્ટનું સાચું નામ હબીબુલ્લાહ મલિક છે. જો કે, સાજિદ જટ્ટ ઘણા ઉપનામોથી પણ ઓળખાય છે, જેમ કે સૈફુલ્લાહ, નુમી, નુમાન, લંગડા, અલી સાજિદ, ઉસ્માન હબીબ અને શાની. ઓક્ટોબર 2022માં સાજિદ જટ્ટને UAPA હેઠળ ‘વ્યક્તિગત આતંકવાદી’ જાહેર કરવામાં આવ્યો હતો.
2023-2025ના મોટા આતંકવાદી હુમલાઓ, જેમાં સાજિદ જટ્ટના નામનું નામ સામેલ હતું
ધાંગરી હત્યાકાંડ (જાન્યુઆરી 2023, રાજૌરી)- 7 નાગરિકો માર્યા ગયા, સાજિદ જટ્ટ મુખ્ય કાવતરાખોર
IAS કાફલા પર હુમલો (મે 2024, પૂંછ)- 1 સૈનિક શહીદ
રિયાસી બસ હુમલો (જૂન 2024)- યાત્રાળુઓથી ભરેલી બસ પર હુમલો, હેન્ડલરની ભૂમિકા
પહલગામ આતંકવાદી હુમલો (એપ્રિલ 2025)- પ્રવાસીઓ પર હુમલો, 26 માર્યા ગયા, માસ્ટરમાઇન્ડ હોવાની શંકા
NIAએ સાજિદ જટ્ટની ધરપકડ માટે ₹10 લાખનું ઇનામ જાહેર કર્યું છે. ભારત સરકાર સામે યુદ્ધ છેડવા બદલ સાજિદ જટ્ટ સામે અનેક ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. તેના પર હાઇબ્રિડ આતંકવાદીઓને લોજિસ્ટિકલ અને ઓપરેશનલ સપોર્ટ પૂરો પાડવાનો પણ આરોપ છે. સાજિદ જટ્ટને કાશ્મીરમાં આતંકવાદી નેટવર્કનો સૌથી ખતરનાક ચહેરો માનવામાં આવે છે.
NIAની આ ચાર્જશીટમાં પાકિસ્તાનના કાવતરા, આરોપીઓની ભૂમિકા અને કેસ સાથે સંબંધિત પુરાવાઓની વિગતો આપવામાં આવી છે. પહેલીવાર, NIAએ LeT/TRFને એક આતંકવાદી સંગઠન (કાનૂની એન્ટિટી) તરીકે નામ આપ્યું છે જેણે પહેલગામ હુમલાની યોજના બનાવી, મદદ કરી અને તેને અંજામ આપ્યો. આ હુમલામાં ધર્મના આધારે લોકોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં 25 પ્રવાસીઓ અને એક સ્થાનિક નાગરિકનું મોત થયું હતું.
1,597 પાનાંની આ ચાર્જશીટ જમ્મુની NIA સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ સિવાય, ચાર્જશીટમાં જુલાઈ 2025માં શ્રીનગરના દાચીગામ વિસ્તારમાં ઓપરેશન ‘મહાદેવ’ દરમિયાન માર્યા ગયેલા ત્રણ પાકિસ્તાની આતંકવાદીઓના નામ પણ શામેલ છે. તેમની ઓળખ ફૈઝલ જટ્ટ ઉર્ફે સુલેમાન શાહ, હબીબ તાહિર ઉર્ફે જિબ્રાન અને હમઝા અફઘાની તરીકે કરવામાં આવી છે. NIAએ LeT/TRF અને આ ચાર આતંકવાદીઓ પર ભારતીય ન્યાય સંહિતા (BNS) 2023, શસ્ત્ર અધિનિયમ 1959 અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ (નિવારણ) અધિનિયમ (UAPA) 1967ની વિવિધ કલમો હેઠળ આરોપ લગાવ્યા છે. ભારત સામે યુદ્ધ છેડવાની કલમો પણ લાગુ કરવામાં આવી છે.
લગભગ 8 મહિના સુધી ચાલેલી સંપૂર્ણ અને વૈજ્ઞાનિક તપાસ બાદ, NIAએ આ કેસ (RC-02/2025/NIA/JMU)ના કાવતરાને પાકિસ્તાન સાથે જોડાયેલું હોવાનું જણાવા મળ્યું છે, જેણે સતત ભારત વિરુદ્ધ આતંકવાદને પ્રોત્સાહન આપ્યું છે. આતંકવાદીઓને આશ્રય આપવાના આરોપસર 22 જૂન, 2025ના રોજ ધરપકડ કરાયેલા પરવેઝ અહેમદ અને બશીર અહેમદ જોથટને પણ ચાર્જશીટમાં સામેલ કરવામાં આવ્યા છે. પૂછપરછ દરમિયાન તેમણે હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓની ઓળખ જાહેર કરી અને પુષ્ટિ કરી કે તેઓ પાકિસ્તાની નાગરિક હતા અને પ્રતિબંધિત લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા હતા.