આ કંપની હલ્દીરામ સ્નેક્સમાં ખરીદી રહી છે હિસ્સો, ટર્મ શીટ પર હસ્તાક્ષર!
Haldiram Snacks Foods: હલ્દીરામ સ્નેક્સ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ (HSFPL)માં માઇનોરિટી સ્ટેક ખરીદનારી કંપનીનું નામ લગભગ ફાઇનલ થઇ ગયું છે. મની કંટ્રોલ વેબસાઇટના રિપોર્ટ અનુસાર, લગભગ 18 મહિનાની વાતચીત બાદ આખરે ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. સિંગાપોર સ્થિત વૈશ્વિક રોકાણ કંપની ટેમાસેકે આ મામલે તમામ દાવેદારોને પાછળ છોડી દીધા છે.
રિપોર્ટમાં જણાવાયું છે કે ટેમાસેક અને હલ્દીરામ સ્નેક્સના પ્રમોટર્સ વચ્ચે ટર્મ શીટ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ટર્મ શીટ એ 2 પક્ષો વચ્ચેનો કરાર છે. તેમાં સંભવિત રોકાણ સંબંધિત ડીલના મુખ્ય નિયમો અને શરતોનો સમાવેશ થાય છે. આને ડીલના પ્રથમ તબક્કા તરીકે જોવામાં આવે છે. હલ્દીરામના નાગપુર અને દિલ્હીના જૂથો વિલીન થઇ ગયા છે. HSFPLમાં હલ્દીરામ સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડનો 56% અને હલ્દીરામ ફૂડ્સ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ 44% હિસ્સો છે.
ટેમાસેક સમગ્ર કંપની માટે 10 થી 11 અબજ ડૉલરના મૂલ્યાંકન પર HSFPLમાં 10% કરતા ઓછો હિસ્સો ખરીદી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે આ ડીલ આગામી મહિને એટલે કે ફેબ્રુઆરીમાં ફાઇનલ થઇ શકે છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે HSFPLમાં કેટલીક વધારાની હિસ્સેદારી અન્ય ખાનગી ઇક્વિટી કંપનીઓને વેચવાના વિકલ્પ પર પણ વિચાર કરવામાં આવી શકે છે. હલ્દીરામ સ્નેક્સ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડ તરફથી આ અંગે સત્તાવાર નિવેદન આવવાનું બાકી છે.
આ સમાચાર પહેલા આવ્યા હતા
ગયા વર્ષે, એવા સમાચાર આવ્યા હતા કે વિશ્વની સૌથી મોટી ખાનગી ઇક્વિટી કંપની બ્લેકસ્ટોન ઇન્ક, ટેમાસેક હોલ્ડિંગ્સ લિમિટેડ અને બેઇન કેપિટલ હલ્દીરામ સ્નેક્સ ફૂડ્સ પ્રાઇવેટ લિમિટેડમાં ઓછામાં ઓછો 51 ટકા હિસ્સો ખરીદવા માગે છે. જોકે, પાછળથી સમાચાર આવ્યા કે HSFPLના પ્રમોટર્સ માત્ર લઘુમતી હિસ્સો વેચશે.
હલ્દીરામ બ્રાન્ડની શરૂઆત ગંગા બિસન અગ્રવાલે 1937માં કરી હતી અને આજે આ કંપનીનો બિઝનેસ ઘણા દેશોમાં ફેલાયેલો છે. હલ્દીરામના ઉત્પાદનો સિંગાપોર, અમેરિકા અને યુરોપના ઘણા દેશોમાં પણ જાય છે. કંપની પાસે તેના પોર્ટફોલિયોમાં 400 થી વધુ પ્રકારની ખાદ્ય વસ્તુઓ છે. દેશના નાસ્તા અને નમકીન માર્કેટમાં, હલ્દીરામ પેપ્સિકો, ITC, બિકાનેરવાલા ફૂડ્સ, બાલાજી વેફર્સ અને પારલે પ્રોડક્ટ્સ વગેરે સાથે સ્પર્ધા કરે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp