દિલ્હીમાં મતદાન દરમિયાન સલીમપુર અને જંગપુરામાં હોબાળો, જાણો શું છે મામલો
દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે સવારે 7:00 વાગ્યાથી મતદાન ચાલી રહ્યું છે. બપોરે 1:00 વાગ્યા સુધીમાં કુલ 33.31 ટકા મતદાન નોંધાયું છે. ઉત્તર પૂર્વ દિલ્હીમાં સૌથી વધુ 39.81 ટકા મતદાન થયું. મધ્ય દિલ્હીમાં સૌથી ઓછું મતદાન 29.74 ટકા નોંધાયું હતું. તો, મુસ્તફાબાદ બેઠક પર સૌથી વધુ 43 ટકા મતદાન નોંધાયું હતું. કરોલ બાગમાં સૌથી ઓછું 25.01 ટકા મતદાન થયું. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન સીલમપુર અને જંગપુરા મતવિસ્તારમાં ભારે હોબાળો થયો હતો.
દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં મતદાન દરમિયાન સીલમપુર અને જંગપુરા મતવિસ્તારમાં ભારે હોબાળો થયો હતો. સીલમપુરમાં ભાજપે બુરખો પહેરીને નકલી મતદાન કરવાનો આરોપ લગાવ્યો છે. કેટલીક મહિલા મતદારોએ ફરિયાદ કરી છે કે તેમના મત પહેલાથી અપાઇ ગયા છે.
આ દરમિયાન, જંગપુરા વિધાનસભા બેઠકના AAP ઉમેદવાર મનીષ સિસોદિયાએ ભાજપના કાર્યકરો પર એક ઇમારતમાં મતદારોને પૈસા વહેંચવાનો આરોપ લગાવ્યો છે. બુરખા પહેરીને નકલી મતદાનના આરોપો બાદ સીલમપુરમાં ભાજપ અને AAP કાર્યકરો વચ્ચે ભારે હોબાળો થયો હતો. બંને પક્ષના કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ અને પોલીસે દરમિયાનગીરી કરવી પડી હતી.
ભાજપે AAP પર ગંભીર આરોપો લગાવ્યાતા કહ્યું કે પાર્ટીએ બહારથી મહિલાઓને બુરખાની આડમાં લાવીને મતદાનમાં ધાંધલી કરીને આ યોજનાને અંજામ આપ્યો છે. કેટલીક મહિલાઓએ ફરિયાદ કરી છે કે તેમના મત પહેલાથી જ અપાઇ ગયા છે. તેમણે પોતાની આંગળીઓ બતાવી જેમાં શાહીના નિશાન નહોતા. સીલમપુરના ભાજપના ઉમેદવારે AAP પર ન માત્ર આ ગેરરીતિને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવ્યો, પરંતુ દરેક મતદાન મથક પર લગભગ 200-300 લોકોને તૈનાત કરવાનો પણ આરોપ લગાવ્યો, જેથી તેમની ચાલ કોઈપણ અવરોધ વિના આગળ વધે.
ભાજપના આરોપોના જવાબમાં, AAP અને કોંગ્રેસના સભ્યો ઘટનાસ્થળ પર એકઠા થયા, જેને પગલે બંને પક્ષો વચ્ચે ઉગ્ર અથડામણ થઈ. હોબાળા છતા, પોલીસે નિયંત્રણ મેળવ્યું, મતદાન ચાલુ રહી શક્યું. બોગસ મતદાનની વધુ ઘટનાઓ અટકાવવા માટે અધિકારીઓએ વધારાના પગલાં લેવાની ખાતરી આપી હતી. ત્યારબાદ ભાજપના સમર્થકો શાંત થયા.
સીલમપુર હોબાળાના મામલે, ઉત્તર પૂર્વીય જિલ્લા ચૂંટણી અધિકારીએ કહ્યું છે કે બુરખાધારી મહિલા મતદારોની ચકાસણી માટે ચૂંટણી પંચના નિર્દેશોનું પાલન કરવામાં આવી રહ્યું છે. આ મતદાન મથકો પર મહિલા મતદાન અધિકારીઓ 'છુપાયેલા' મતદારોની ચકાસણી કરવા માટે હાજર છે અને દરેક મતદારની ચકાસણી કરવામાં આવી રહી છે, ત્યારબાદ જ તેમને મતદાન કરવાની મંજૂરી આપવામાં આવી રહી છે. કથિત ફરિયાદની તપાસ માટે ચૂંટણી અધિકારીઓને આર્યન પબ્લિક સ્કૂલ મોકલવામાં આવ્યા હતા અને જાણવા મળ્યું હતું કે આર્યન પબ્લિક સ્કૂલમાં નિર્ધારિત નિયમો અનુસાર મતદાન થઈ રહ્યું હતું. કેટલાક લોકોએ શાળાની બહાર અવાજ ઉઠાવ્યો હતો, જેને પોલીસ દળે સમયસર કાબૂમાં લીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp