Tirupati Laddu Row: 50 વર્ષથી ઘી સપ્લાય કરનારની જગ્યાએ 5 કંપનીઓને કેમ અપાયો હતો સપ્લાઇનો કોન્ટ્રાક્ટ? જાણો કારણ
તિરુપતિ બાલાજીમાં પશુઓની ચરબી ભેળવીને લાડુ બનાવવાનો મામલો સામે આવ્યા બાદ આંધ્ર પ્રદેશમાં ભારે હોબાળો મચી ગયો છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડની લેબમાં જે નમૂનાનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, તેમાં જાણવા મળ્યું હતું કે પ્રસાદ માટે લાડુ બનાવવા માટે વપરાતા ઘીમાં પ્રાણીની ચરબી હતી. લાડુમાં માછલીનું તેલ અને ગાયની ચરબીના અંશ જોવા મળ્યા છે. તેમાં થોડી માત્રામાં લાર્ડ પણ જોવા મળ્યું છે. લેબ રિપોર્ટમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે પ્રસાદમના લાડુ બનાવવામાં શુદ્ધ ઘીની જગ્યાએ પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો. આ અંગે રાજકીય પક્ષો એક-બીજા પર કીચડ ઉછાળવામાં વ્યસ્ત છે.
ઈન્ડિયા ટીવીના રિપોર્ટ મુજબ તિરુપતિ તિરુમાલા દેવસ્થાનમ ટ્રસ્ટ દરરોજ 3.50 લાખ લાડુ બનાવે છે. લગભગ 200 બ્રાહ્મણો મળીને આ લાડુ બનાવે છે. તેના માટે જુલાઈ 2023 અગાઉ તિરુપતિ મંદિરમાં કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન ઘી સપ્લાય કરતું હતું. આ કંપની લગભગ 50 વર્ષથી ઘી સપ્લાય કરતી હતી.
મીડિયા રિપોર્ટ મુજબ કર્ણાટક કોઓપરેટિવ મિલ્ક ફેડરેશન સાથે વાત કરતા જાણવા મળ્યું કે સરકાર તેમને ખૂબ ઓછા પૈસા ચૂકવી રહી હતી. ત્યારબાદ, જગન મોહન રેડ્ડીની સરકારે જુલાઈ 2023થી ઘી સપ્લાયનો કોન્ટ્રાક્ટ 5 કંપનીઓને આપ્યો હતો. ત્યારબાદ આ કંપનીઓના ઘીમાંથી જ લાડુ બનાવવામાં આવતા હતા. હવે તેમાં પશુઓની ચરબી મળી આવી છે, જેના કારણે ભાજપ પૂર્વ સીએમ જગન મોહન રેડ્ડી પર પણ પ્રહારો કરી રહી છે અને જગન મોહન રેડ્ડી પર હિન્દુઓની આસ્થા સાથે ખેલવાડ કરવાનો આરોપ લગાવી રહી છે. જો કે આ અગાઉ આવો કોઈ ખુલાસો સામે આવ્યો નહોતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp