મહાયુતિમાં આ શું થયું? કેબિનેટ બેઠકમાં સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે તીખી બહેસ, અજિત પવાર મીટિંગ છોડીને જતા રહ્યા
મહારાષ્ટ્રમાં ચૂંટણીની રાજકીય ગરમીની અસર મહાયુતિ સરકાર પર પણ દેખાઇ રહી છે. ગુરુવારે મહારાષ્ટ્ર કેબિનેટની બેઠક મળી હતી. કેબિનેટની બેઠકમાં કંઇક એવું બન્યું જેનો નજારો જોઇને બધા દંગ રહી ગયા. હકીકતમાં, કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને તેમના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. મામલો એટલો વધી ગયો કે અજીત પવાર ગુસ્સે થઇને બેઠક છોડીને જતા રહ્યા હતા. મહાયુતિમાં ઘર્ષણના સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે હરિયાણામાં જીત બાદ ભાજપનું મનોબળ ઉંચુ છે.
સૂત્રોએ જણાવ્યું કે આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય માટે ઘણી મોટી જાહેરાતોનો પ્રસ્તાવ મૂક્યો. વાસ્તવમાં આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સરકાર કોઇ કસર છોડવા માગતી નથી. પરંતુ, અજીત પવારે તેમાંની કેટલીક દરખાસ્તો સામે સખત વાંધો ઉઠાવ્યો હતો અને મંજૂરી આપવાનો ઇનકાર કર્યો હતો. કેબિનેટ ચૂંટણી અગાઉ ઘણી મહત્ત્વપૂર્ણ પહેલ અને કલ્યાણકારી યોજનાઓના ઝડપી અમલીકરણ પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની મહાયુતિ સરકાર મતદારોનું સમર્થન મેળવવા માટે ભરપૂર પ્રયાસ કરી રહી છે. અગાઉની કેબિનેટ બેઠકોમાં પણ ઘણી જાહેરાતો કરવામાં આવી છે, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકારનું ધ્યાન વિકાસ પર કેન્દ્રિત છે.
જો કે, ગુરુવારે કેબિનેટની બેઠકમાં અજીત પવારે મુખ્યમંત્રી શિંદેના પ્રસ્તાવનો સખત વિરોધ વ્યક્ત કર્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, અસંમતિનું મૂળ બારામતીથી આવેલી કેટલીક દરખાસ્તો હતી, જેને શિંદે દ્વારા આગળ મૂકવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે આ દરખાસ્તો શરદ પવારની ઓફિસમાંથી મંજૂરી માટે મુખ્યમંત્રી પાસે આવી હોવાની શક્યતા હતી. એ વાતથી નારાજ અજીત પવારે તેમને મંજૂરી આપવાની ના પાડી દીધી હતી. જોકે કેબિનેટે પાછળથી 38 દરખાસ્તોને મંજૂરી આપી હતી, પરંતુ એ સ્પષ્ટ થયું નથી કે તેમાં બારામતી પ્રોજેક્ટનો સમાવેશ હતો કે નહીં.
અજીત પવારે કહ્યું કે, 'હું મીટિંગ શરૂ થયાની 10 મિનિટની અંદર ગયો નહોતો. હું શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની યોગ્ય પરવાનગી લીધા બાદ જ ત્યાંથી નીકળ્યો કારણ કે લાતુરના ઉદગીર વિધાનસભા ક્ષેત્રમાં મારી કેટલીક મીટિંગો અગાઉથી જ નક્કી હતી. મારે બપોરે 1 વાગ્યે ફ્લાઇટ પકડવાની હતી, તેથી હું મીટિંગમાંથી વહેલો નીકળી ગયો. તેમણે મુખ્યમંત્રી શિંદે સાથેના તેમના મતભેદ અને વિવાદ અંગેના કોઇ પ્રશ્નનો જવાબ આપ્યો નહોતો.
સૂત્રોનું માનીએ તો, અજીત પવારે શિંદેની દરખાસ્તને મંજૂર કરવાનો ઇનકાર કર્યો હતો અને ત્યારબાદ થયેલી બહેસે કેબિનેટને હચમચાવી નાખ્યું હતું. આ કારણે સરકારની અંદર ખેંચતાણના અહેવાલો પણ આવવા લાગ્યા છે, ખાસ કરીને એવા સમયે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીક છે. બીજી તરફ મહાવિકાસ આઘાડીમાં પણ મતભેદ હોવાના અહેવાલ છે. હરિયાણાની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનાએ પણ કોંગ્રેસને આંખ દેખાડવાનું શરૂ કર્યું છે. શુક્રવારે મહાવિકાસ અઘાડીની પ્રેસ કોન્ફરન્સ યોજાવાની હતી, પરંતુ તે રદ કરી દેવામાં આવી છે. જેના કારણે અશાંતિના સમાચારોને બળ મળી રહ્યું છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp