વિરાટ કોહલી ક્યારે સંન્યાસ લેશે? 9માંથી 8 ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યા બાદ આવેલા રિપોર્ટમાં મોટો દાવો
Virat Kohli Retirement: બોર્ડર-ગાવસ્કર ટ્રૉફીમાં વિરાટ કોહલીની નિષ્ફળતા જોયા બાદ જો તમે વિચારી રહ્યા છો કે તે સંન્યાસ લેશે તો તમે ખોટા છો. કારણ કે તેમનો આમ કરવાનો કોઈ ઈરાદો નથી. આ વાત અમે નહીં, પરંતુ રિપોર્ટ કહી રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે તે અત્યારે નિવૃત્ત થવાના મૂડમાં નથી. એવામાં સવાલ એ છે કે અત્યારે નહીં તો ક્યારે? વિરાટ કોહલી ક્યારે સંન્યાસ લેશે? આ સવાલનો જવાબ જરૂરી બની ગયો છે કારણ કે તે માત્ર બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં તેની નિષ્ફળતાની વાત નથી. વિરાટ કોહલીએ ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટાભાગના અવસરો પર નિરાશ કર્યા છે.
બૉર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં વિરાટ કોહલીની એકમાત્ર સિદ્ધિ પર્થ ટેસ્ટની બીજી ઇનિંગમાં તેની સદી હતી. તે સદી સાથે, તેણે 9 ઇનિંગ્સમાં 23.75ની નબળી સરેરાશ સાથે 190 રન બનાવ્યા. એટલે કે બાકીની 8 ઈનિંગ્સમાં તે કંઈ ખાસ કરી શક્યો નહોતો, જેના કારણે તેના માટે 200 રનનો આંકડો પાર કરવો મુશ્કેલ બની ગયો હતો. વિરાટ કોહલી જે 8 ઇનિંગ્સમાં આઉટ થયો હતો તેમાં મોટાભાગે તે ઓફ સ્ટમ્પની બહાર જતા બૉલ પર પોતાની વિકેટ ગુમાવી.
હવે સવાલ એ છે કે આટલા શરમજનક પ્રદર્શન બાદ વિરાટ આગળ શું નિર્ણય લેશે? હાલમાં આ અંગે કોઈ સત્તાવાર માહિતી નથી. જે રીતે રોહિતે સિડની ટેસ્ટમાંથી બહાર થયા બાદ પણ પોતાનો આગળ રમવાનો ઈરાદો વ્યક્ત કર્યો છે, વિરાટે આવું કોઈ નિવેદન આપ્યું નથી. જો કે, PTIના અહેવાલ મુજબ, વિરાટનો પણ અત્યારે નિવૃત્તિ લેવાનો ઈરાદો નથી.
હવે ભારતે ઈંગ્લેન્ડ પ્રવાસ પર 6 મહિના બાદ આગામી ટેસ્ટ શ્રેણી રમવાની છે. એક પૂર્વ પસંદગીકારે PTI સાથે વાત કરતા કહ્યું કે રોહિત હોય કે વિરાટ, જો તેમણે આગામી ટેસ્ટ સીરિઝ રમવી હશે તો થોડી લાલ બૉલની ક્રિકેટ રમવી પડશે. માત્ર IPLના પ્રદર્શનના આધારે તેની પસંદગી થઈ શકે નહીં.
કોહલી 2012 થી, જ્યારે રોહિત 2015 થી પોત-પોતાના રાજ્યો માટે રેડ બોલ ક્રિકેટ રમ્યા નથી. રણજી ટ્રોફીની આગામી સીઝન ફેબ્રુઆરી 2025થી શરૂ થઈ રહી છે, જેની તારીખો ઈંગ્લેન્ડ સામે સફેદ બૉલની શ્રેણી સાથે ટકરાશે. જોકે, એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત, બૂમરાહ અને વિરાટ એ સિરીઝમાં નહીં રમે. જો આમ થશે તો વિરાટ કે રોહિત રણજી રમશે કે કેમ તે એક મોટો સવાલ હશે. જો આ બંને રણજી પણ છોડી દઇએ છે તો પછી ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી અગાઉ ભારત-Aની મેચો થશે. જો કે, તેની તારીખો IPL 2025 સાથે પણ ટકરાઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp