ઝારખંડમાં 65 ટકા મતદાન, વાયનાડમાં 8 ટકા ઓછા મતદાનથી પ્રિયંકા ગાંધીની જીત પર અસર પડશે?
ઝારખંડ વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં બુધવારે 43 બેઠકો પર શાંતિપૂર્ણ માહોલમાં સરેરાશ 65.71 ટકા મતદાન થયું હતું. તેની સાથે, 10 રાજ્યો રાજસ્થાન, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, છત્તીસગઢ, ગુજરાત, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ અને મેઘાલય અને કેરળની વાયનાડ લોકસભા બેઠકની 31 ખાલી પડેલી વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણી પણ પૂર્ણ થઇ હતી. વાયનાડમાં 64.72 ટકા મતદાન થયું, જે મે 2024માં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન પડેલા મતો કરતા લગભગ 8 ટકા ઓછા છે. ત્યારબાદ અહીં 72.92 ટકા વોટ પડ્યા અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જીત્યા હતા. રાહુલે વાયનાડ સીટ છોડવાના કારણે તેમના બહેન કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પેટાચૂંટણીમાં પોતાનું નસીબ અજમાવી રહ્યા છે. ચૂંટણીના પરિણામો 23 નવેમ્બરે જાહેર થશે.
જે 31 વિધાનસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાઇ હતી, તેમાંથી 28 ધારાસભ્યો લોકસભાના સાંસદ બનવાના કારણે ખાલી પડી હતી. 2 બેઠકો પર ધારાસભ્યના અકાળે અવસાનના કારણે અને એક બેઠક પર પક્ષ પલટાના કારણે પેટાચૂંટણી યોજાઇ રહી છે. જેમાંથી 18 સીટો વિપક્ષ પાસે અને 11 સીટો NDA પાસે હતી. ઝારખંડમાં ચૂંટણીની સૌથી સુંદર તસવીર નક્સલ પ્રભાવિત વિસ્તારોમાં જોવા મળી હતી. નક્સલવાદીઓની ધમકી છતા લોકો મતદાન કરવા માટે લાઇનમાં ઉભા હતા. મનોહરપુરના જગન્નાથપુરના સોનાપીમાં નક્સલવાદીઓએ બેનર લગાવ્યા હતા અને વૉટનો બહિષ્કાર કરવાની ધમકી આપી હતી. નક્સલવાદીઓના ગઢ ગણાતા ગઢવાના હેસાતુમાં પણ લોકો મતદાન કરવા માટે એકઠા થયા હતા.
ચૂંટણી દરમિયાન પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના જગતદલ વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસના નેતા અશોક સાહૂ પર કેટલાક લોકોએ બોમ્બ ફેંક્યા અને ફાયરિંગ કરી હતી. જેમાં તેનું મોત થઇ ગયું હતું. સાહૂ TMCના વોર્ડ પ્રમુખ રહી ચૂક્યા છે. બિહારની તરારી વિધાનસભા બેઠક પર મતદાનને લઇને 2 પક્ષો વચ્ચે અથડામણમાં 6 લોકો ઇજાગ્રસ્ત થયા છે. કોંગ્રેસના બળવાખોર અને અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ રાજસ્થાનની દેવલી-ઉનિયારા બેઠકના સમરાવતા મતદાન મથક પર SDM અમિત ચૌધરીને તમાચો મારી દીધો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp