ઉત્તરાખંડ બાદ હવે ગુજરતમાં પણ ટૂંક સમયમાં યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગૂ થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે. આને લઈને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહત્ત્વની જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને UCC કાયદાને લાગૂ કરવા માટે કમિટીની જાહેરાત કરી છે. આ કમિટી કાયદાને લાગૂ કરવાના સંદર્ભે લોકોના સૂચનો માટે કામ કરશે.
પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, ભારતીયતા આપણો ધર્મ છે અને બંધારણ આપણો ધર્મગ્રંથ. દેશના તમામ નાગરિકોને સમાન હક મળે તે માટે કેન્દ્ર સરકારે UCC દેશવ્યાપી અમલ કરવાનો નિર્ણય લીધો છે. જેને અનુસરીને ગુજરાત રાજ્ય સરકાર તમામ નાગરિકોને પણ સમાન હક અને અધિકાર મળે તે દિશામાં આગળ વધી રહી છે.
દેશમાં ઉત્તરાખંડ બાદ ગુજરાતમાં UCCની રચના અને અમલ કેવી રીતે થશે એ માટે અભ્યાસ કરવા નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજ રંજના દેસાઈની અધ્યક્ષતામાં સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિના સભ્યોમાં એડવોકેટ આર. સી. ઓડેકર, સી. એલ. મીણા, દક્ષેશ ઠાકર અને ગીતા શ્રોફ સામેલ રહેશે. મુખ્યમંત્રીએ કહ્યું કે, UCCની આવશ્યકતા ચકાસવા અને કાયદા માટે ડ્રાફ્ટ તૈયાર કરવા એક કમિટીની રચના કરવાનો નિર્ણય લીધો છે. આ કમિટી તમામ પાસાઓનો અભ્યાસ કરીને આગામી 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે. આ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર આ કાયદાના અમલીકરણ માટે યોગ્ય નિર્ણય લેશે.
UCC અંગે પ્રતિક્રિયા આપતા આમ આદમી પાર્ટી (AAP)ના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, જુઓ ભાજપને યુનિફોર્મ સિવિલ કોડ કેમ લાવવો પડી રહ્યો છે! અહીં મોંઘવારી વધી રહી છે, ખેડૂતો નારાજ છે, અહીં મહિલાઓનું નિર્વસ્ત્ર પરેડ કરાવવામાં આવી રહી છે. અહીં બેરોજગારી આસમાન પર છે. ભરતી આવી રહી નથી, યુવા બેરોજગાર છે. મોંઘવારી એટલી વધી ગઈ છે એટલે જ્યારે-જ્યારે ચૂંટણી આવે છે ત્યારે મુખ્યમંત્રી અને ગૃહ મંત્રી UCCની પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે. આદિવાસી સમાજ હોય, માલધારી સમાજ હોય, તેમની પરંપરા સામે આ UCC છે.
તેમણે કહ્યું કે, આદિવાસી સમાજમાં બહુપત્નીત્વ પણ છે. તમે જોયું હશે કે ત્યાં તેમના પોતાના રીવાજ છે. માલધારી સમાજમાં એટલે કે અમારામાં જ્યારે છુટાછેડા થાય છે ત્યારે અમે પરસ્પર ઉકેલ લાવીએ છીએ. આ બધા વિરુદ્ધ આ UCC છે. આ UCCના પ્રાવધાન અમે જોવાના છીએ. આદિવાસી જ્ઞાતિ અને અમારી જ્ઞાતિ વિરુદ્ધ જો આ UCC કાયદો છે અમે આમ આદમી પાર્ટી અમે ગુજરાતમાં તેનો વિરોધ કરીશું. આદિવાસી સમજમાં 27 સીટ આદિવાસીની છે એક સીટ ભાજપને નહીં જાય. અને આદિવાસી સમાજના ભાજપના જ જે નેતા છે તેમના ઘરે પણ જઈશું અને પૂછીશું કે તમે UCCનો વિરોધ કરી રહ્યા છો કે સપોર્ટ કરી રહ્યા છો. તમે આદિવાસી સમાજની વિરુદ્ધ છો કે આદિવાસી સમાજની સાથે છો. તેનો ખુલાસો પણ માગીશું. અને અમારી જ્ઞાતિ વિરુદ્ધ કોઈ પણ કાયદો પાસ કરે છે તો અમે તેનો વિરોધ કરીશું.
તો મનીષ દોશીએ કહ્યું હતું કે આખા દેશમાં મોંઘવારી પર કાબૂ મેળવવા, બેરોજગારીની સમસ્યાનો ઉકેલ લાવવા, યુવાનોને રોજગારી આપવામાં નિષ્ફળ રહેલી ભાજપની કેન્દ્ર સરકાર અને ગુજરાતની ૩૦ વર્ષની અહંકારી ભાજપ ખેડૂતોને ન્યાય અપાવવામાં નિષ્ફળ રહી છે. શિક્ષણનો અધિકાર આપવામાં નિષ્ફળ રહી છે. આરોગ્ય સેવા આપવામાં નિષ્ફળ રહી છે. તો ભાજપ વધુ એક નૌટંકી લઈને લોકોનું ધ્યાન ભટકાવવા માટે એક કમિટીની રચના કરી રહી છે.
તેમણે કહ્યું કે, હું જાણું છું કે આ ભાજપને જવાબ આપવાનો સમય છે. ગુજરાતને સમાન સર્વિસ કોડની જરૂર છે. ભાજપને ખેસ ધારણ કરનારાઓ માટે અલગ ન્યાય વ્યવસ્થા અને સામાન્ય લોકોને અલગ ન્યાય વ્યવસ્થા. ગુજરાતને બંધારણના સમાન ન્યાય વ્યવસ્થાની જરૂર છે. ગુજરાતને યુનિફોર્મ સર્વિસ કોડની જરૂર છે. સમાન કામ, સમાન વેતનની જરૂર છે. આ ગુજરાતને યુનિફોર્મ હેલ્થ કોડની જરૂર છે. જેથી બધાને સમાન આરોગ્ય સેવા મળે. ગુજરાતને જરૂર છે સમાન એજ્યુકેશન કોડની બધાને શિક્ષણનો અધિકાર મળે. યુનિફોર્મ સિવિલ કોડના નામે ધ્યાન ભટકાવવાની જરૂર નથી.
એકથી વધુ લગ્ન પર પ્રતિબંધ લાગુ થશે
છોકરીઓ માટે લગ્નની ઉંમર 18 અને છોકરાઓ માટે 21 વર્ષ રહેશે
લિવ-ઈન રિલેશનશિપમાં રહેનારા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત
તમામ ધર્મના લોકો માટે લગ્નનું રજિસ્ટ્રેશન ફરજિયાત
લગ્ન નોંધણી નહીં થઈ હોય તો કોઈ સરકારી સુવિધા નહીં મળે!
મુસ્લિમ સમાજની પ્રચલિત હલાલા પ્રથા પર લાગી રોક શકે છે.
છૂટાછેડા માટે તમામ ધર્મોમાં એક જેવી વ્યવસ્થા
પતિ-પત્ની બન્નેને છૂટછેડા માટે સમાન નિયમ
લગ્નના એક વર્ષની અંદર છૂટાછેડાની અરજી અમાન્ય
સંપત્તિમાં તમામ ધર્મોની મહિલાઓને પુરુષ સમાન હક મળશે
તમામ ધર્મના લોકોને બાળક દત્તક લેવાનો અધિકાર
અન્ય ધર્મના બાળકને દત્તક નહીં લઈ શકાય !
દંપતી વચ્ચેના વિવાદમાં બાળકોની કસ્ટડી દાદા-દાદીને સોંપી શકાય
ધાર્મિક પૂજા કે પરંપરાઓમાં કોઈ પરિવર્તન નહીં
માત્ર અનુસૂચિત જનજાતિઓ UCCના કાયદાની બહાર.