મહારાષ્ટ્ર અને દિલ્હીમાં ભાજપે ચૂંટણી કેવી રીતે જીતી? મમતા બેનર્જીએ કર્યો મોટો દાવો, ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપ
પશ્ચિમ બંગાળમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. આ પહેલા જ તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા અને મુખ્યમંત્રી મમતા બેનર્જી સક્રિય થઈ ગયા છે. તેમણે ગુરુવારે (27 ફેબ્રુઆરી) કોલકાતાના નેતાજી સ્ટેડિયમ ખાતે તમામ સાંસદો અને ધારાસભ્યો તેમજ બ્લોક સ્તરના નેતાઓની બેઠક બોલાવી છે. આ બેઠકમાં તેમણે દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભાજપની જીત માટે ચૂંટણી પંચની કાર્યશૈલી પર આરોપ લગાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે, 'દિલ્હી અને મહારાષ્ટ્રમાં ભાજપે હરિયાણા અને ગુજરાતના લોકોના નકલી મત બનાવીને ચૂંટણી જીતી હતી.'
તેમણે કાર્યકરો સમક્ષ જાહેરાત કરી કે જો જરૂર પડશે તો અમે મતદાર યાદીમાંથી નકલી મતદારોના નામ દૂર કરવાની માગણી માટે ચૂંટણી પંચની કચેરી સામે ધરણા પણ કરીશું. આ જ બેઠકમાં, મમતા બેનર્જીએ ભાજપ પર જ્ઞાનેશ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કરીને ચૂંટણી પંચને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો. તેમણે કહ્યું કે જ્યાં સુધી ચૂંટણી પંચ નિષ્પક્ષ ન હોય ત્યાં સુધી મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ યોજાઈ નહીં શકે.
આ બેઠકમાં કાર્યકરોને સંબોધતા TMCના મહાસચિવ અભિષેક બેનર્જીએ કહ્યું કે તેમને મખ્યમંત્રી મમતા બેનર્જી સાથે કોઈ મતભેદ નથી. હું તૃણમૂલ કોંગ્રેસનો વફાદાર સૈનિક છું અને મારા નેતા મમતા બેનર્જી છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાની અટકળોને નકારી કાઢતા અભિષેકે કહ્યું, 'જે લોકો કહી રહ્યા છે કે હું ભાજપમાં જોડાઈ રહ્યો છું તેઓ ખોટી અફવાઓ ફેલાવી રહ્યા છે.' હું એવા લોકોને ઓળખું છું જે આવા ખોટા સમાચાર ફેલાવી રહ્યા છે.'
આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા તેમનો સ્વાર્થ છે. ડાયમંડ હાર્બરના સાંસદ બેનર્જીએ એમ પણ કહ્યું કે તેઓ પાર્ટીની અંદર ગદ્દારોનો પર્દાફાશ કરતા રહેશે, જેમ તેમણે છેલ્લી વિધાનસભા ચૂંટણી દરમિયાન કર્યું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp