વક્ફ કાયદાના વિવાદ વચ્ચે, PM મોદીને મળ્યા દાઉદી બ્હોરા સમુદાયના લોકો, બોલ્યા- આ વક્ફ..
વક્ફ સંશોધન કાયદાને લઈને દેશભરમાં રાજકારણ ગરમાયું છે. મોદી સરકાર આ કાયદાને મુસ્લિમોના કલ્યાણ માટે જરૂરી ગણાવી રહી છે, ત્યારે કોંગ્રેસ સહિત ઘણા વિપક્ષી પક્ષો અને ઘણા મુસ્લિમ સંગઠનો વક્ફ સંશોધન કાયદાને મુસ્લિમો વિરુદ્ધ ગણાવી રહ્યા છે. વક્ફ સંશોધન કાયદા વિરુદ્ધની અરજીઓ સુપ્રીમ કોર્ટમાં પણ સુનાવણી હેઠળ છે. બીજી તરફ દાઉદી બ્હોરા સમુદાયના લોકો દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે અને વક્ફ સુધારા કાયદા માટે તેમનો આભાર માન્યો છે.
ગુરુવારે, દાઉદી બ્હોરા સમુદાયના એક પ્રતિનિધિમંડળે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરીને વક્ફ સુધારા કાયદા માટે તેમનો આભાર માન્યો. તેમણે કહ્યું કે, આ સમુદાયની લાંબા સમયથી પડતર માગ હતી. તેમણે વડાપ્રધાનના ‘સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ’ના વિઝનમાં પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
બીજી તરફ, વક્ફ એક્ટ અંગે સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે હાલમાં વક્ફ કાયદા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે. વક્ફ કાયદા વિરુદ્ધ અરજીઓ પર સુનાવણી કરતા, મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ પી.વી. સંજય કુમાર અને ન્યાયાધીશ કે.વી. વિશ્વનાથનની બેન્ચે ગુરુવારે કહ્યું કે આગામી આદેશ સુધી વક્ફમાં કોઈ નવી નિમણૂક કરવામાં નહીં આવે. આ સાથે, સરકારને જવાબ આપવા માટે 7 દિવસનો સમય આપવામાં આવ્યો છે.
નવા કાયદાની જોગવાઈઓ હેઠળ, વક્ફ બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલમાં કોઈ નવી નિમણૂકો કરવામાં નહીં આવે. તેનો અર્થ એ થયો કે બિન-મુસ્લિમ સભ્યોની નિમણૂક સહિત કોઈપણ નવા ફેરફારો હાલમાં સંભાવ નહીં હોય. કોર્ટે આદેશ આપ્યો છે કે, 'વક્ફ-બાય-યુઝર' અથવા 'વક્ફ-બાય-ડીડ' હેઠળ જાહેર કરાયેલ કોઈપણ મિલકતનો વક્ફ દરજ્જો દૂર નહીં કરી શકાય. તેનો અર્થ એ થયો કે આવી મિલકતોને સરકારી જમીન તરીકે જાહેર કરવાની અથવા તેમની માલિકીમાં કોઈપણ ફેરફાર કરવાની પ્રક્રિયા પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે.
નવા કાયદામાં એવી જોગવાઈ છે કે વક્ફ મિલકત અંગે વિવાદના કિસ્સામાં, જિલ્લા મેજિસ્ટ્રેટ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી તેને વક્ફ મિલકતના રૂપમાં નહીં સ્વીકારે. કોર્ટે આ જોગવાઈના અમલીકરણ પર વચગાળાનો સ્ટે મૂક્યો છે, જેના કારણે આવી મિલકતોની સ્થિતિ જેમની તેમ રહેશે. કોર્ટે વક્ફ બોર્ડ અને સેન્ટ્રલ વક્ફ કાઉન્સિલના હાલના માળખામાં અને વક્ફ મિલકતોની સ્થિતિમાં કોઈપણ ફેરફાર પર પ્રતિબંધ મૂકતા યથાસ્થિતિ જાળવવાનો નિર્દેશ આપ્યો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp